આટાપાટા : એક ભારતીય રમત. અગરપાટ, ખારોપાટ, લૂણીપાટ વગેરે નામોથી ઓળખાતી આ રમત મહારાષ્ટ્ર, ગુજરાત તથા મધ્યપ્રદેશમાં ખૂબ પ્રચિલત જૂની લોકરમત છે. વીસમી સદીના ત્રીજા દાયકામાં મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળે (પુણે) આ રમતને નિયમબદ્ધ બનાવીને રાષ્ટ્રીય રમત તરીકે પ્રસારિત કરી. 9-9 ખેલાડીઓના બે પક્ષોથી રમાતી આ રમતમાં લગભગ 10-10 ફૂટના અંતરે દોરેલી 9 આડી પાટીઓ અને તે દરેકને મધ્યમાં છેદતી ઊભી મોભ પાટી પર મારનાર પક્ષના ખેલાડીઓ ઊભા રહી સામા પક્ષના ખેલાડીઓને પાટી ઓળંગતા રોકે છે અને પોતાના બંને પગ પાટીમાં જમીન સાથે રહે તે રીતે તેમને હાથ વડે અડકી માર કરવા મથે છે, રમનાર પક્ષવાળા માર થયા વિના ક્રમસર પાટીઓ ઓળંગી પાછા ફરી પાટી ઓળંગતા મૂળ સ્થાને આવવા મથે છે. પોતાના દાવમાં વધારે પાટી ઓળંગનાર પક્ષ વિજયી ગણાય છે.

ચિનુભાઈ શાહ