આટલાંટિક મહાસાગર

February, 2001

આટલાંટિક મહાસાગર : પૃથ્વીની પાંચમા ભાગની સપાટીને આવરી લેતો અને યુરોપ તથા આફ્રિકા ખંડોને પૂર્વ તરફ અને અમેરિકા ખંડને પશ્ચિમ તરફ વિભાજિત કરતો ખારા જળનો સમૂહ. પ્રશાન્ત મહાસાગર પછી આટલાંટિક મહાસાગર વિશ્વનો બીજા ક્રમે સૌથી મોટો મહાસાગર છે. આટલાંટિક મહાસાગર અને તેના નાના-મોટા સમુદ્રોનો કુલ વિસ્તાર 1,06,460 હજાર ચોકિમી. છે; જેમાંથી માત્ર આટલાંટિકનો વિસ્તાર 31,830 હજાર ચોકિમી. છે. તેની સરેરાશ ઊંડાઈ 3,959 મી. છે. તે પ્રશાંત અને હિંદી મહાસાગર કરતાં છીછરો છે, કારણ કે તેની ખંડીય છાજલીઓ અને સમુદ્રો છીછરાં છે. આ સમુદ્રોમાં બાલ્ટિક, ઉત્તર, કાળા, ભૂમધ્ય વગેરેનો પૂર્વ બાજુએ અને બેફીન, હડસનના ઉપસાગરો, સેન્ટ લૉરેન્સ અને મેક્સિકોના અખાત અને કેરિબિયન સમુદ્રનો પશ્ચિમ બાજુએ સમાવેશ થાય છે. તે વિષુવવૃત્તની દક્ષિણે પહોળો બને છે અને ત્યાં ટાપુઓ વિનાના સાદા દરિયાકિનારા તેની સરહદો બને છે. ઉત્તરે બેરિંગની સામુદ્રધુનીથી દક્ષિણે કોટ્સલૅન્ડ સુધી તેનું અંતર 21,01,130 કિમી. છે, જ્યારે ઉત્તર ન્યૂફાઉન્ડલૅન્ડ અને આઇસલૅન્ડ વચ્ચેનું અંતર 3,313 કિમી. અને બ્રાઝિલની સાઓ રૉક ભૂશિરથી આફ્રિકાની પાલ્માસ ભૂશિર વચ્ચેનું તેનું અંતર 2,845 કિમી. છે.

In Atlantic Ocean

આટલાંટિક મહાસાગર

સૌ. "In Atlantic Ocean" | CC BY 3.0

અન્ય મહાસાગરોની સરખામણીએ આટલાંટિકમાં જળ ઠાલવતા પ્રદેશો અને માધ્યમોનો વિસ્તાર વિપુલ છે. તેની બંને બાજુએ આવેલા ખંડોના ઢોળાવ તેની તરફ નમેલા હોવાથી  સેન્ટ લૉરેન્સ, મિસિસિપી, ઓરિનોકો, ઍમેઝોન, લાપ્લાટા, કૉંગો, નાઇજર, લ્વાર, રહાઇન, એલ્વ જેવી વિશ્વની મોટી નદીઓ તથા બાલ્ટિક અને ભૂમધ્યની નદીઓનો જળરાશિ આ મહાસાગરમાં ઠલવાય છે. પ્રશાંત મહાસાગરમાં ઠલવાતા જળરાશિનાં માધ્યમો કરતાં આટલાંટિકમાં ઠલવાતા જળરાશિનાં માધ્યમોનો વિસ્તાર ચારગણો છે.

હાલના મહાસાગરમાં ડૂબી ગયેલા મનાતા આટલાંટિસ ખંડ પરથી આ મહાસાગરનું નામ આટલાંટિક મહાસાગર પડ્યું હોવાનું મનાય છે. તેનો આકાર અંગ્રેજી વર્ણ ‘એસ’ (S) જેવો છે. તે ઉત્તર-દક્ષિણ અનિયમિત આકારવાળી લંબાઈ ધરાવે છે. ખંડો પાસે આશરે 200 મીટરની ઊંડાઈનું તળિયું ખંડીય છાજલીનું બનેલું છે. જ્યાં કાંઠાનો પ્રદેશ પહાડી કે ઉચ્ચ પ્રદેશ છે ત્યાં આ ખંડીય છાજલી સાંકડી છે. ન્યૂફાઉન્ડલૅન્ડ પાસેની ગ્રાન્ડ બક્સ અને બ્રિટન પાસેની ડોગર બક્સની છાજલીઓ દુનિયાની સૌથી પહોળી ખંડીય છાજલીઓ છે. આટલાંટિક મહાસાગરમાં સૌથી વધુ ઊંડાઈ (9.216 મી.) કૅરિબિયન ટાપુઓ પાસે પૉર્ટો રિકોની ખાઈમાં છે. આટલાંટિકની મધ્યની પર્વતમાળા ઊંડા સમુદ્રતળને બે વિશાળ જળવિસ્તારોમાં વહેંચે છે, જે ફરી પેટા-જળવિસ્તારોમાં વહેંચાયેલા છે. આ જળવિસ્તારોની સરેરાશ ઊંડાઈ 4,000થી 7,000 મીટર છે. ઉત્તર આટલાંટિકમાં આઇસલૅન્ડ અને ગ્રીનલૅન્ડની વચ્ચેથી અને લૅબ્રાડોરના સમુદ્રના જળરાશિમાંથી ઊંડાઈએ જળ આવે છે. ભૂમધ્ય સમુદ્રનું જળ 900થી 1,950 મી. ઊંડાઈ સુધી ફેલાયેલું છે અને તે 400 દક્ષિણ અક્ષાંશ સુધી વિસ્તરેલું છે.

આટલાંટિકના સપાટી પરના જળપ્રવાહો પવનોની પ્રવર્તમાન સ્થિતિ, પૃથ્વીના પરિભ્રમણ, બાષ્પીભવનની પ્રાદેશિક ખાસિયતો અને પાણી ગરમ કે ઠંડું થવાની ગતિમાંના પ્રાદેશિક તફાવતો વગેરે પર આધાર રાખે છે. ઉત્તર આટલાંટિકમાં વિષુવવૃત્તીય પ્રવાહ પૂર્વથી પશ્ચિમે જાય છે. આ પ્રવાહ દ્વારા મોટા ભાગનું પાણી યુકાતાનની સામુદ્રધુની અને મેક્સિકોના અખાત દ્વારા કેરેબિયન સમુદ્રમાં ઠલવાય છે. સ્પેન અને એઝોર્સ વચ્ચેનો કેનરી પ્રવાહ નૈર્ઋત્ય તરફ વહે છે અને તે ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ સાથે જોડાય છે; જ્યારે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ દક્ષિણ અમેરિકાના દરિયાકિનારા દ્વારા ઉત્તર તરફ વળતો છે.

આટલાંટિકના તળિયે મધ્યમાં વિરાટ સર્પાકાર પર્વતમાળા આવેલી છે. તે ઉત્તરે આઇસલૅન્ડથી શરૂ થઈ દક્ષિણમાં વિષૃવવૃત્ત ઓળંગી બૂવે ટાપુ સુધી પહોંચે છે. આમ તે 20,300 કિમી. લાંબી અને 650 કિમી.થી પણ વધારે પહોળી છે. સમુદ્રતળથી તેની ઊંચાઈ 1,525થી 3,050 મીટર છે. આઇસલૅન્ડ અને સ્કૉટલૅન્ડ વચ્ચે તે વાઇવલ થૉમ્પ્સનની પર્વતમાળા તરીકે ઓળખાય છે, જે માત્ર 1,100 મીટરની ઊંચાઈએ જ આવેલી છે. 550 ઉ. અક્ષાંશ પાસે આટલાંટિક પર્વતમાળા પહોળી છે અને ત્યાં તે ટેલિગ્રાફિક ઉચ્ચ પ્રદેશના નામે ઓળખાય છે. ઉત્તરમાં ક્યાંક પર્વતમાળાનાં શિખરો સમુદ્રની સપાટીની બહાર આવીને ટાપુઓ પણ બનાવે છે.

આટલાંટિક પર્વતમાળા દક્ષિણ તરફ સાંકડી છે. વિષુવવૃત્ત પાસે તે સૌથી વધુ સાંકડી છે. ત્યાં રોમાન્ચેની ઊંડી ખાઈ (7,230 મીટર) પર્વતમાળાને બે ભાગમાં વિભાજે છે. ઉત્તરની પર્વતમાળા ડૉલ્ફિન અને દક્ષિણની ચૅલેન્જરના નામે ઓળખાય છે. ચૅલેન્જરને દક્ષિણ અમેરિકા તરફથી રિયો ગ્રાન્ડે અને આફ્રિકા તરફથી વાલ્વિસની પર્વતમાળાઓ મળે છે. તે છેવટે કેર્ગ્વીલેન અને સેન્ટ પૉલના ટાપુઓ પાસે હિંદી પર્વતમાળા સાથે જોડાય છે.

હેમન્તકુમાર શાહ