આટલાંટિક ખતપત્ર

February, 2001

આટલાંટિક ખતપત્ર : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુ.એસ. અને બ્રિટન વચ્ચે થયેલ સમજૂતી અનુસાર કરવામાં આવેલ ‘સિદ્ધાંતોની જાહેરાત’. દ્વિતીય વિશ્વવિગ્રહના બીજા તબક્કા દરમિયાન યુ.એસ.ના પ્રમુખ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ અને બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ વચ્ચે ન્યૂફાઉન્ડલૅન્ડના કિનારાથી દૂર યોજવામાં આવેલી પ્રથમ પરિષદને અંતે બંનેએ કરેલી લાંબા ગાળાની નીતિ મુજબની ‘સિદ્ધાંતોની જાહેરાત’ને આટલાંટિક ખતપત્ર (14 ઑગસ્ટ 1941) તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સધાયેલી સમજૂતીની વિગતો નીચે મુજબ છે :

આટલાંટિક ખતપત્રના પ્રમુખ ઘડવૈયા – યુ.એસ.ના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ

(1) પ્રાદેશિક વિસ્તારવાદની નીતિનો ત્યાગ કરવો; (2) પ્રજાઓની મુક્ત ઇચ્છા વિરુદ્ધ તેમના પ્રદેશોમાં ફેરફારો ન કરવા; (3) પ્રજાઓ પાસેથી બળજબરીથી છીનવી લેવામાં આવેલા સાર્વભૌમ અધિકારો તથા સ્વશાસનની સંસ્થાઓ તેમને સુપરત કરીને તેમની પસંદગીની સરકાર સ્થાપવાનો અધિકાર આપવો; (4) બધાં રાજ્યો — નાનાં કે મોટાં, વિજેતા કે પરાસ્ત — ની આર્થિક આબાદીને અનુલક્ષીને મુક્ત તથા સમાન ધોરણે વ્યાપાર તથા કાચા માલ અંગેની સુવિધા આપવાનો પ્રયાસ કરવો; (5) શ્રમજીવીઓનું જીવનધોરણ સુધારવા અને આર્થિક પ્રગતિ તથા સામાજિક સુરક્ષા માટે બધાં રાષ્ટ્રો વચ્ચે સંપૂર્ણ સહકાર સાધવો; (6) નાઝી સરમુખત્યારશાહીને નષ્ટ કર્યા પછી બધાં રાષ્ટ્રોને સલામતી બક્ષવી, જેથી તેઓ અછત અને ભયથી મુક્ત થઈને શાંતિથી પોતાની સરહદોમાં રહી શકે; (7) આવી શાંતિ હેઠળ અડચણ વગર બધાંને આંતરરાષ્ટ્રીય જળવિસ્તારની સ્વતંત્રતા મળે; અને (8) કાયમી અને સાર્વત્રિક સુરક્ષાની વ્યવસ્થા ન સ્થપાય ત્યાં સુધી બધાં રાષ્ટ્રો બળનો ત્યાગ કરીને આક્રમણનો ભય ટાળવા તેમજ વિશ્વશાંતિ જાળવવા નિ:શસ્ત્રીકરણ માટે પ્રયાસ આદરે.

આટલાંટિક ખતપત્ર દ્વારા હજી સુધી યુદ્ધમાં સામેલ ન થયેલા યુ.એસ. તથા બ્રિટન વચ્ચે ગાઢ સંબંધ બંધાયા. ત્યારથી યુ.એસે. પોતાની પ્રણાલીગત અલગતાની નીતિનો ત્યાગ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની ઘોષણામાં (જાન્યુ. 1, 1942) આ ખતપત્ર સમાવી લેવામાં આવ્યો હતો.

ર. લ. રાવળ

હરીશ શુકલ