આર્ગોન (Argon, Ar) : આવર્ત કોષ્ટકના 18મા (અગાઉના શૂન્ય) સમૂહનું એક પરમાણુક (monatomic) વાયુસ્વરૂપ રાસાયણિક તત્વ. પ. ક્રમાંક 18, પ. ભાર 39.95. ઇલેક્ટ્રૉન વિન્યાસ [Ne]3s23p6.

હવાનો 1/120 ભાગ તદ્દન નિષ્ક્રિય ઘટક છે તેમ કૅવેન્ડિશે (1785) દર્શાવ્યું હતું. વાતાવરણમાંનો નાઇટ્રોજન રાસાયણિક પદાર્થોમાંથી મેળવેલ નાઇટ્રોજન કરતાં આશરે 0.5 ટકા ભારે હોવાનું કારણ કોઈ અજ્ઞાત ભારે વાયુ હોઈ શકે તે તર્કથી દોરવાઈને રૅલે અને રામ્સેએ 1894માં હવામાંથી ઑક્સિજન તથા નાઇટ્રોજન દૂર કરીને અવશેષરૂપ રહેલ ભારે વાયુનું, તેની નિષ્ક્રિય પ્રકૃતિને કારણે આગૉર્ન (ગ્રીક : આળસુ, સુસ્ત) તરીકે નામકરણ કર્યું. પૃથ્વી ઉપર પરખાયેલ ઉમદા વાયુઓમાં આર્ગૉન સૌપ્રથમ ગણાય. હવામાં આર્ગૉનનું પ્રમાણ 0.94 ટકા કદથી અને 1.3 ટકા વજનથી હોય છે. પાણીના વિશાળ જથ્થા (દરિયા કે સરોવર) ઉપરની હવામાં તેનું પ્રમાણ વધુ હોય છે. કારણ, હવાના નાઇટ્રોજન અને ઑક્સિજન પાણીમાં વધુ પ્રમાણમાં ઓગળે છે. પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ 0.0004 ટકા જેટલું હોય છે. સમગ્ર વિશ્વમાં 10 લાખ પરમાણુ સિલિકન સામે 1.5 લાખ પરમાણુ આર્ગૉન હોય છે. પૃથ્વી પર આ પ્રમાણ ફક્ત 9 પરમાણુ આર્ગૉન જેટલું જ હોય છે. પ્રવાહી હવાના વિભાગીય નિસ્યંદન(fractional distillation)થી ઔદ્યોગિક જથ્થામાં તે મેળવવામાં આવે છે. 1975માં તેનું વૈશ્વિક ઉત્પાદન 7,00,000 ટન હતું, જ્યારે 1993માં એકલા યુ. એસ.માં તેનું ઉત્પાદન 7,16,000 ટન જેટલું હતું.

તે રંગવિહીન, સ્વાદવિહીન અને ગંધવિહીન છે. તેનું ગ. બિં. -189.370 સે., ઉ.બિં. -185.860 સે., ઘનતા 1.784 ગ્રા./લિ. (1 વાતાવરણ, 0.0 સે.). તે 120 સે. તાપમાને 100 કદ પાણીમાં 3.94 કદ (અથવા 200 સેએ. 33.6 ઘ.સેમી. પ્રતિ કિગ્રા.) જેટલું દ્રાવ્ય હોય છે. વિદ્યુત-ચાપ પસાર કરતાં નીચા દબાણે લાલ અને ઊંચા દ્બાણે વાદળી રંગનો પ્રકાશ આપે છે.

તેની સંયોજકતા શૂન્ય હોય છે. સામાન્ય આર્ગૉન ત્રણ સ્થાયી સમસ્થાનિકોના મિશ્રણરૂપ હોય છે : Ar-40 (99.6 %) Ar-38 (0.06 %) અને Ar-36 (0.34 %) હવામાંના આર્ગનનો મોટો ભાગ વિકિરણધર્મી(radio active) K-40ના ક્ષય(decay)થી બનેલ છે તેમ મનાય છે. તે સાચાં રાસાયણિક સંયોજનો બનાવતો નથી. પાણી સાથે તે હાઇડ્રેટ્સ આપે છે. સ્પેક્ટ્રમિતિ (ArKr)+, (ArXe)+ અને (NeAr)+ જેવા આયનોના અસ્તિત્વને સમર્થન આપે છે. તે બૉરૉન ટ્રાઇફ્લૉરાઇડ સાથે Ar.nBF3 પ્રકારના અસ્થાયી સંકીર્ણ બનાવે છે. જ્યારે 3C6H4(OH)20.8Ar જેવાં ક્વીનોલ ક્લેથ્રેટ સંયોજનો પણ આપે છે.

વીજળીના બલ્બમાં ભરવા (ટંગ્સ્ટનનું બાષ્પીભવન રોકવા), ઍલ્યુમિનિયમ અને સ્ટેનલેસ સ્ટીલ જેવી ધાતુઓના ચાપસંધાન (arc-welding) સમયે નિષ્ક્રિય વાયુ તરીકે, ટાઇટેનિયમ, ઝિરકોનિયમ અને યુરેનિયમ જેવી ધાતુઓના નિષ્કર્ષણમાં તેમજ સિલિકન અને જર્મેનિયમ જેવી અર્ધવાહક ધાતુઓના સ્ફટિકવર્ધન(crystal growth)માં નિષ્ક્રિય વાતાવરણ જાળવવા, રેડિયોના વાલ્વ અને ગાઇગર કાઉન્ટરમાં ભરવા માટે આર્ગૉન મોટા પ્રમાણમાં વપરાય છે. ખડકમાં અધિવિષ્ટ(occluded) આર્ગૉન-40ના પ્રમાણ ઉપરથી પૃથ્વીની વય નક્કી કરવાની એક પદ્ધતિ વિકસાવવામાં આવી છે.

જ. ચં. વોરા