આકડો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્કલેપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેની ક્ષુપ કે નાનું સ્વરૂપ ધરાવતી લગભગ 6 જેટલી જાતિઓ થાય છે અને ઉષ્ણ અને ઉપોષ્ણકટિબંધીય આફ્રિકા અને એશિયામાં તેનું વિતરણ થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે; તે પૈકી Calotropis gigentea (Linn.) R. Br. (સં. , अर्क, मंदार, रवि, હિં. आक, आकडा, બં-આકંદ; ગુ. શ્વેત કે મોટો આકડો; મ. રૂઈ; અં. મિલ્કવીડ.) અને C. proccra (Ait). R. Br. (ગુ. નાનો, રાતો, રક્ત કે આસમાની આકડો) આર્થિક દૃષ્ટિએ અગત્યની છે. ઍસ્કલેપિયેડેસી કુળની અન્ય વનસ્પતિઓ ઉપલસરી, સીતકવલી, જલદૂધી, ચમાર દૂધેલી, ખીરવેલ, સોમવેલ, મધુનાશિની, વસતાવરી, કુંજલતા, ડોડી, રબરવેલ, પાતાળ તુંબડી વગેરે છે.

Calotropis gigantea

આકડો

સૌ. "Calotropis gigantea" | CC BY 2.0

મોટો આકડો 2.4મી.થી 3.0મી.ની ઊંચાઈ ધરાવતી ક્ષુપ કે નાના વૃક્ષ સ્વરૂપ વનસ્પતિ છે અને તેનાં પુષ્પો સુવાસરહિત આછાં જાંબલી કે સફેદ હોય છે. તેનાં દલપત્રો વિસ્તારિત હોય છે. નાનો આકડો 1.8મી.થી 2.4મી.ની ઊંચાઈ ધરાવતી ક્ષુપ સ્વરૂપની જાતિ છે; તેનાં પુષ્પો જાંબલી છાંટવાળાં ગુલાબી અને સુગંધિત હોય છે અને દલપત્રો વધતે ઓછે અંશે ટટ્ટાર હોય છે. બંને જાતિઓ બહુવર્ષાયુ હોય છે. તેનાં પર્ણો સાદાં, સમ્મુખ ચતુષ્ક (decussate) અને જાડાં હોય છે. પુષ્પો ત્રિજ્યાસમમિત (actinomorphic), ઉભયલિંગી, અધોજાયી (hypogynous) અને પંચાવયવી હોય છે. પુંકેસરો પાંચ અને દલલગ્ન (epipetalous) હોય છે અને પરસ્પર જોડાઈ માંસલ પુંકેસરીય સ્તંભ બનાવે છે અને બહારની તરફ પુંકેસરીય મુકુટ (staminal corona) ઉત્પન્ન કરે છે. પરાગાશયો સ્ત્રીકેસરચક્રના પંચકોણીય પરાગાસન સાથે જોડાઈ પુંવર્તિકાગ્રછત્ર (gynostegium)ની રચના બનાવે છે. પાસપાસેના બે અર્ધપરાગાશયમાં રહેલી પરસ્પર ચોંટેલી પરાગરજના બે સમૂહો પરાગપિંડો(pollinia)નું નિર્માણ કરે છે; જેઓ દંડ ધરાવે છે. આ દંડો જ્યાં જોડાય ત્યાં ગ્રંથિ આવેલી હોય છે.

મોટો આકડો : (અ) પુષ્પીય શાખા; (આ) પુવર્તિકાગ્રછત્ર; (ઇ) અને (ઈ) ફળ; (ઉ) બીજ.

આ વનસ્પતિમાં પુષ્પ અને ફળનિર્માણ સમગ્ર વર્ષ દરમિયાન થતું હોવા છતાં શિયાળામાં વધુ પ્રમાણમાં થાય છે. આકડો હલકી બિનફળદ્રૂપ ભૂમિમાં ઊગતો હોવાથી ભૂમિની બિનફળદ્રૂપતાના નિદર્શક (indicator) તરીકે પણ ઉપયોગી છે.

આકડાના બધા જ ભાગોમાં ક્ષીરરસ (latex) હોય છે. મોટા આકડાના ક્ષીરરસમાં પાણી અને જલદ્રાવ્ય પદાર્થો, 86 %થી 95.5 % અને કૂચુક (caoutchouc), 0.6 %થી 1.9 % હોય છે. તેના સ્કંદ (coagulum)માં કૂચુક, 5.1 %થી 18.6 % રાળ, 73.6 %થી 87.8 % અને અદ્રાવ્ય પદાર્થ, 4.5 %થી 13.8 % હોય છે. ક્ષીરરસમાં બે સમરૂપક (isomeric) રેઝીનોલ, C30H50O, α-કેલોટ્રોપીઓલ અને β-કેલોટ્રોપીઓલ હોય છે. તેઓ ઍસેટિક ઍસિડ અને આઇસોવેલેરિક ઍસિડ અને β-ઍમાયરિન સાથે ઍસ્ટર સ્વરૂપમાં હોય છે. તે હૃદય અને માછલી માટે વિષાળુ પદાર્થ જાયજેન્ટિન ઉત્પન્ન કરે છે. આ પદાર્થમાં સલ્ફર અને નાઇટ્રોજન હોય છે. આફ્રિકન મોટા આકડા અને નાના આકડાના મિશ્રિત ક્ષીરરસમાંથી, પ્રાપ્ત કરેલું વિષ, યુસ્કેરિન સાથે જાયજેન્ટિન સામ્ય દર્શાવતું હોવા છતાં તે સમરૂપ હોતું નથી. ક્ષીરરસમાં ટેટ્રાસાઇક્લિક સંયોજનો અને કૅલ્શિયમ ઑક્ઝેલેટ પણ હોય છે.

નાના આકડાના ક્ષીરરસમાં પાણી અને જલદ્રાવ્ય પદાર્થો, 88.4 %થી 93.0 %; અને કૂચુક, 0.8%થી 2.5% હોય છે. તેના સ્કંદમાં કૂચુક, 11.4 %થી 22.9 %; અને રાળ, 52.8 %થી 85 % હોય છે. તેના ક્ષીરરસમાં ટ્રિપ્સીન અને (હૃદ્-વિષ (cardiac poison) હોય છે. આફ્રિકન નાના આકડાના ક્ષીરરસમાંથી α – લેક્ચ્યુસેરિલ આઇસોવૅલૅરેટ અને α – લેક્ચ્યુસેરિલ એસિટેટનું અલગીકરણ કરવામાં આવ્યું છે. તેમના જલઅપઘટન (hydrolysis) દ્વારા α-લેક્ચ્યુસેરોલ પ્રાપ્ત થાય છે. નાના આકડા અને મોટા આકડાના મિશ્રિત ક્ષીરરસમાંથી યુસ્કેરિન (C41H41O8NS), કૅલૉટક્સિન (C29H40O10) અને કૅલેક્ટિન મેળવવામાં આવ્યું છે. તેનાં પર્ણો અને પર્ણદંડમાં કૅલૉટ્રૉપિન (C29H40O9) અને કૅલોટ્રૉપેજેનિન (C23H32O6) હોય છે. બંને આકડાના ક્ષીરરસના ગુણધર્મોમાં સામ્ય હોય છે અને તેમનો ઉપયોગ સમાનપણે થાય છે. ઝેરકોચલાના વિષથી તેનું વિષ વીસગણું વધારે પ્રબળ હોય છે. તેને ચામડી પર લગાડતાં બળતરા થાય છે અને ફોલ્લો ઊપસી આવે છે. જો તે મોઢેથી લેવાય તો મગજ અને કરોડરજ્જુ (spinal cord)ને વિષાળુ અસર થાય છે. આયુર્વેદ અનુસાર તેનું ક્ષીર તીક્ષ્ણ, વિરેચનદ્રવ્યોમાં શ્રેષ્ઠ, વામક, વિષઘ્ન, વાતઘ્ન, શૂલઘ્ન, કુષ્ઠઘ્ન અને ઉષ્ણ હોય છે.

જો તેનું ક્ષીર વધારે પ્રમાણમાં લેવામાં આવે તો દર્દીને ઝાડાઊલટી થાય છે, તીવ્ર જુલાબ લાગે છે, ગળું બળે છે. લવરી, તાણ વગેરે થયા પછી દર્દી બેભાન થઈને મરણ પામે છે. દર્દીને બચાવવા માટે પેટમાં ગયેલું ઝેર જઠરશોધન (gastric lavage) દ્વારા બહાર કાઢવું પડે છે. શરૂઆતમાં દર્દીને પ્રશાંતક (tranquillizer) અપાય છે, પરંતુ મૂર્છામાં હોય તો તેને ચેતોત્તેજકો (analeptics)નાં ઇન્જેક્ષનો પણ અપાય છે. ગર્ભપાત, નવજાતશિશુવધ તથા આપઘાતમાં આકડાના દૂધનો ઉપયોગ થયેલો છે. નાના આકડાના વિષ કરતાં મોટા આકડાનું વિષ વધારે પ્રબળ હોય છે.

આયુર્વેદ અનુસાર આકડાનાં ફૂલ પાચનશક્તિ વધારી કૌવત બક્ષે છે. દુખતા માથા પર આકડાનાં પાન ઘી ચોપડી શેકીને બાંધે છે. બુદ્ધિપૂર્વકનું આયોજન કરવાથી આકડો મહાન ઔષધનું સ્વરૂપ ધારણ કરી ઉધરસ, શ્વાસ, કમળો, ગંડમાળ, સોજો, વાયુ, ત્રિદોષ વગેરે જુદા જુદા 35 રોગોમાં જડીબુટ્ટીનું કામ કરે છે.

આકડાના ડોડવામાંથી રૂ અને થડમાંથી રેસા મળે છે. પશ્ચિમ ભારતના સૂકા, નિર્જન પ્રદેશોમાંથી જંગલી અવસ્થામાં મળતા છોડમાંથી રેસા વધુ મળે છે. છોડ દીઠ રેસાનું ઉત્પાદન ઘણું ઓછું એટલે કે 100થી 125 ગ્રામ જ થાય છે. ભારતમાં તેની કુલ વાર્ષિક પેદાશ 500 ટનની આસપાસ થાય છે. આ રેસાઓ ખાસ કરીને ખારા પાણીમાં વપરાતાં દોરડાં, માછલી પકડવાની જાળો, દોરડી, હલકા પ્રકારનાં કપડાં, શેતરંજી માટે તેમજ અન્ય રેસાઓમાં મિશ્રણ કરવા વપરાય છે. પાણીમાં તે બગડતા નથી. રૂ સુંવાળું હોવાથી ઓશિકામાં ભરાય છે. આકડાનો કોલસો બંદૂકના દારૂ(gun powder)માં વપરાતો હતો.

નટવરલાલ પુ. મહેતા

શોભન વસાણી

મ. દી. વસાવડા

સરોજા કોલાપ્પન