આંભિ (ઈ. સ. પૂ. ચોથી સદી) : તક્ષશિલાનો રાજા. સિકંદર બુખારામાં હતો ત્યારે તેણે તેનું રાજ્ય બચાવી લેવામાં આવે, એવી શરતે તેને મદદ આપવાનું કહેણ મોકલ્યું હતું. તેણે સિકંદરને 65 હાથી, 3,000 કીમતી બળદ તથા અનેક મોટા કદનાં ઘેટાં ભેટ મોકલ્યાં હતાં. ઇતિહાસમાં નોંધાયેલ તે દેશદ્રોહ કરનાર સૌપ્રથમ ભારતીય રાજા હતો. જેલમ અને રાવી નદીઓની વચ્ચેના વિસ્તારના, તેના શક્તિશાળી પાડોશી રાજા પુરુ (પોરસ) સાથે તેને શત્રુતા હોવાથી, તે આવો દગો કરવા ઉત્તેજિત થયો હતો. રાજા પુરુ પ્રત્યેની ઈર્ષાર્થી, તેની સત્તાને દબાવી દેવા તેણે વિદેશી દરમિયાનગીરીનો માર્ગ અપનાવ્યો હતો. આંભિના માર્ગદર્શન હેઠળ સિકંદરની સેનાની કેટલીક ટુકડીઓએ કાબુલ નદીના માર્ગે પેશાવર તરફ કૂચ કરી હતી. ઈ. સ. પૂ. 326માં આંભિએ તક્ષશિલામાં સિકંદરના લશ્કરને આવકાર્યું અને તેણે (સિકંદરે) તક્ષશિલામાં દરબાર ભરીને તે વિસ્તારના રાજાઓની ભેટ સ્વીકારી. સિકંદર અને રાજા પુરુ વચ્ચેના સંગ્રામમાં પુરુ ઘાયલ થવાથી પોતાના હાથી ઉપર નાસી જતો હતો ત્યારે અશ્વારૂઢ આંભિએ એનો પીછો પકડ્યો; પરન્તુ પુરુના ભાલાનો સખત પ્રહાર થતાં આંભિ ત્યાંથી નાસી ગયો. સિકંદરે પૂર્વ ગાંધારમાં આંભિને સૂબાગીરી આપી હતી. પાછળથી કામચલાઉ વ્યવસ્થા તરીકે પશ્ચિમ ગાંધારની સૂબાગીરી પણ સિકંદરે તેને સોંપી હતી.

જ. મ. શાહ