આંશિક ખોતરણ (fractional curettage) : ગર્ભાશયના અમુક ભાગનું ખોતરણ. ગર્ભાશય કૅન્સરની નિદાનલક્ષી તપાસ માટેનો એક પ્રકાર તે આંશિક ખોતરણ છે. તેના દ્વારા કૅન્સરના સ્થાન અને ગર્ભાશયગ્રીવા (uterine cervix) સુધીનો ફેલાવો ચકાસી શકાય છે. ઋતુસ્રાવ (menstruation) બંધ થવાની ઉંમરની કે તે બંધ થયા પછીની ઉંમરની સ્ત્રીઓની યોનિમાંથી અનિયમિતપણે લોહી પડે ત્યારે આ પ્રક્રિયા કરવામાં આવે છે. દર્દીને બેશુદ્ધ કરી ગર્ભાશયગ્રીવાને વિસ્તૃતકો (dilators) વડે પહોળી કરવામાં આવે છે અને ગર્ભાશયના જુદા જુદા ભાગો પરથી અલગ અલગ ખોતરણ લેવામાં આવે છે. અંતર્ગ્રીવાકલા (endocervix) અને તેના કાંઠલા (isthumus) પરથી, બંને અંડનળીના મુખ પાસેથી તેમજ ગર્ભાશયની આગળપાછળની દીવાલો અને ઘૂમટ (fundus) પરથી અલગ અલગ ખોતરણ લેવામાં આવે છે. પેશીવિકૃતિ (histopathology) જોવા માટે સૂક્ષ્મદર્શક દ્વારા દરેક ખોતરણ અલગ અલગ તપાસવામાં આવે છે. હાલ સામાન્ય રીતે બે જ ખોતરણો લેવામાં આવે છે : (1) અંતર્ગ્રીવાકલામાંથી અને (2) ગર્ભાશયમાંથી. દર્દીને બેશુદ્ધ કર્યા વગર વિશિષ્ટ ખોતરકો (curette) વડે કે શૂન્યાવકાશકારી અભિશોષક (vacuum suction) ખોતરક વડે પણ આ પ્રક્રિયા થઈ શકે છે. ગર્ભાશયનિરીક્ષા (hysteroscopy) જેવી અદ્યતન પદ્ધતિને કારણે હવે આ તપાસનું મહત્વ ઘટ્યું છે.

(1) ગર્ભાશયની દીવાલ, (2) ગર્ભાશયગ્રીવા, (3) યોનિ (vagina), (4) અંડનલિકા, (5) ઘૂમટ, (6) ગર્ભાશયગ્રીવાંત, (7) કાંઠલો.

(1) ગર્ભાશયની દીવાલ, (2) ગર્ભાશયગ્રીવા, (3) યોનિ (vagina), (4) અંડનલિકા, (5) ઘૂમટ, (6) ગર્ભાશયગ્રીવાંત, (7) કાંઠલો.

અફલિતતા (infertility) અને ગર્ભાશયમાંથી અનિયમિતપણે પડતા લોહી(dysfunctional uterine bleeding)ના નિદાન અને ચિકિત્સા માટે ગર્ભાશયખોતરણ કરવામાં આવે છે. અપૂર્ણ ગર્ભપાતના કિસ્સામાં ગર્ભના રહી ગયેલા ભાગને દૂર કરવા માટે પણ ગર્ભાશયખોતરણ કરવામાં આવે છે. જ્યારે ગર્ભાશયના કૅન્સરના સ્થાન અને ફેલાવાને નિશ્ચિત કરવા માટે ઉપર જણાવેલ પદ્ધતિએ ગર્ભાશયખોતરણ કરવામાં આવે ત્યારે તેને આંશિક ખોતરણ કહે છે.

શિલીન નં. શુક્લ

શરદ પરીખ