આંધ્રભૃત્યો : અંધ્રભૃત્ય વંશના લોકો. પુરાણોમાં આપેલા રાજવંશ-વૃત્તાંતમાં કાણ્વવંશ પછી અંધ્રને અંધ્રભૃત્ય વંશ સત્તારૂઢ થયો હોવાનું જણાવ્યું છે. તે વંશના લોકો તે આંધ્રભૃત્યો. આ વંશને અભિલેખોમાં સાતવાહન વંશ તરીકે ઓળખાવ્યો છે. આ વંશની મુખ્ય શાખામાં 19 રાજા થયા અને તેમણે એકંદરે 200 વર્ષ રાજ્ય કર્યું. કેટલાક માને છે કે સાતવાહનો અંધ્રો નહિ, આંધ્રભૃત્યો (અંધ્રોના સેવકો) હતા. તેઓનો મૂળ પ્રદેશ પ્રાય: મહારાષ્ટ્રમાં હતો અને ત્યાંથી પોતાની સત્તા આંધ્રપ્રદેશ પર પ્રસારી. આથી આગળ જતાં તેઓ અંધ્રો તરીકે ઓળખાયા. તેઓ બ્રાહ્મણ હતા. આંધ્રદેશમાં સાતવાહનોની સત્તાનો હ્રાસ થતાં ત્યાં ઇક્ષ્વાકુ વંશની સત્તા પ્રવર્તી (આશરે ઈ. સ. 225). પુરાણોમાં આ ઇક્ષ્વાકુઓને શ્રીપર્વતના આંધ્રભૃત્ય કહ્યા છે. કુન્તલ દેશમાં સાતવાહનોની જે શાખા હતી તેની સત્તા લગભગ ઈ.સ. 200 સુધી ટકી હતી.

આ ઇક્ષ્વાકુઓના પૂર્વજો ઉત્તર ભારતના કોસલ દેશના હતા. એમના વંશજોએ ત્યાંથી દક્ષિણમાં સ્થળાંતર કર્યું જણાય છે. શરૂઆતમાં તેઓ મહાકોસલ પ્રદેશમાં વસ્યા અને ત્યાંથી આંધ્રદેશના શ્રીપર્વત પ્રદેશમાં સ્થિર થયા. આ રાજવંશનો સ્થાપક શાન્તમૂલ પહેલો હતો. એ મહાસેન(સ્કંદ-કાર્તિકેય)નો ઉપાસક હતો. એણે અશ્વમેધ, વાજપેય ઇત્યાદિ શ્રૌતયજ્ઞ કર્યા હતા. એના પછી એનો પુત્ર માઠરીપુત્ર વીરપુરુષદત્ત ગાદીએ બેઠો. એની ત્રણ રાણીઓ એની ફોઈની દીકરીઓ હતી. રાણી રુદ્રધરભટ્ટારિકા ઉજ્જૈનના મહારાજા મહાક્ષત્રપ રુદ્રસેન બીજાની કુંવરી હતી. વીરપુરુષદત્તે પોતાની કુંવરી વનવાસના કુન્તલ દેશના રાજા ચુટુશાતકર્ણિ સાથે પરણાવી હતી. વીરપુરુષદત્તના રાજ્યકાલના અમરાવતી, જગ્ગય્યપેટ તથા નાગાર્જુનકોણ્ડના લેખોમાં બૌદ્ધ ચૈત્યોને અપાયેલાં વિવિધ દાનોની માહિતી છે. વીરપુરુષદત્ત પછી એનો પુત્ર શાન્તમૂલ બીજો અને તેના પછી રુળુપુરુષદત્ત રાજાઓ થયા. પલ્લવોએ ત્રીજી સદીનાં છેલ્લાં વર્ષોમાં આ રાજ્યની સ્વતંત્ર સત્તાનો નાશ કર્યો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી

યતીન્દ્ર  દીક્ષિત