આંતરરાષ્ટ્રીય વ્યાપાર / વિદેશી વ્યાપાર

January, 2002

આંતરરાષ્ટ્રીય વ્યાપાર / વિદેશી વ્યાપાર (international trade) : બે કે તેનાથી વધુ રાષ્ટ્રો વચ્ચે વિવિધ ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણનો વ્યવહાર. તેનાં ત્રણ પાસાં છે : (1) પરદેશથી વસ્તુઓ આયાત કરવી (આયાતવેપાર), (2) પરદેશમાં વસ્તુઓ નિકાસ કરવી (નિકાસ વેપાર) (3) પરદેશથી વસ્તુઓ આયાત કરી તેના સ્વરૂપમાં પરિવર્તન કરીને અગર તો બારોબાર તેની અન્ય દેશમાં નિકાસ કરવી, (પુન:નિકાસ વેપાર).

વ્યાપાર-વાણિજ્યની પ્રવૃત્તિઓના ઉદભવ માટે નૈસર્ગિક સાધન-સંપત્તિની અસમાન વહેંચણી, માનવીની અમર્યાદા વિવિધ જરૂરિયાતો અને શ્રમવિભાજન – એ ત્રણ પરિબળોને કારણભૂત ગણવામાં આવ્યાં છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારના અસ્તિત્વને પણ વ્યાપાર-વાણિજ્યના ઉદભવનો આ સિદ્ધાંત લાગુ પાડવામાં આવ્યો છે. સૈદ્ધાંતિક ર્દષ્ટિએ આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચે કોઈ ભિન્નતા નથી. બન્નેનું ઉદગમસ્થાન ભૌગોલિક-પ્રાદેશિક કાર્યવિભાજન અને વિશિષ્ટીકરણમાં રહેલું છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ પ્રાદેશિક શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણનું જ વિસ્તરણ છે. સમાજમાં શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણનાં તત્વો જેમ જેમ પ્રસરતાં ગયાં તેમ તેમ કુટુંબ કુટુંબ વચ્ચે, જૂથ જૂથ વચ્ચે અને ગામ ગામ વચ્ચે પછી આગળ જતાં એક દેશના પ્રદેશ પ્રદેશ વચ્ચે અને એથીયે આગળ જતાં રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે વ્યાપારની પ્રવૃત્તિઓ વિસ્તરતી ગઈ છે.

જે ચીજવસ્તુઓ જે દેશમાં સાપેક્ષ રીતે અલ્પ ખર્ચે સારામાં સારી રીતે બની શકે તેમ હોય તે ચીજવસ્તુઓ તે દેશમાં જ બનાવવામાં આવે અને ભિન્ન ભિન્ન દેશો વચ્ચે આવી એકબીજાને જરૂરી ચીજવસ્તુઓનો અદલોબદલો કરવામાં આવે તો વિશ્વની ઉત્પાદક સાધનસંપત્તિનો મહત્તમ વિનિયોગ કરી શકાય અને માનવીની વપરાશ માટેની ચીજવસ્તુઓના પ્રમાણમાં તથા તેમના વૈવિધ્યીકરણમાં ઉમેરો કરી શકાય. કોઈક દેશમાં નૈસર્ગિક સાધનસંપત્તિની સગવડને કારણે જ અમુક ચીજવસ્તુઓની પેદાશ, એ દેશ વાપરી શકે તે કરતાં પણ વધારે પ્રમાણમાં થતી હોય તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા એ ચીજવસ્તુઓનો લાભ અન્ય દેશોને આપી શકાય. કોઈક દેશમાં કોઈક વસ્તુ બનતી જ ન હોય અને જે બનવાની ત્યાં શક્યતા પણ ન હોય તે વસ્તુ પરદેશ સાથેના આયાત વ્યાપાર દ્વારા જ મેળવી શકાય.

આંતરરાષ્ટ્રીય વ્યાપારનાં કેટલાંક અનિષ્ટ પાસાં પણ છે. કોઈક દેશમાં કુદરતી રીતે અમુક વસ્તુના ઉત્પાદનની તમામ અનુકૂળતાઓ હોય, પરંતુ એ વસ્તુ પરદેશથી આયાત થતી હોય, ત્યાં સુધી એ ઉદ્યોગના વિકાસ માટે અવકાશ જ મળતો નથી. આર્થિક સુસ્થિતિના પાયારૂપ ઘણા ગૃહઉદ્યોગો પરદેશી માલની આયાતને લીધે તૂટી જાય છે અને પરિણામે બેકારી અને કંગાલિયત ઊભાં થાય છે. આંતરરાષ્ટ્રીય વેપારને લીધે કેટલાક દેશો તેમની પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ અન્ય દેશો ઉપર આધાર રાખતા થઈ જાય છે. કુદરતી આફત કે યુદ્ધને કારણે વસ્તુઓની આયાત બંધ થઈ જાય ત્યારે પરાવલંબી દેશો મુસીબતમાં આવી પડે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે કેટલીક સસ્તી અને આકર્ષક પરંતુ નકામી અને આરોગ્યને નુકસાનકારક એવી પરદેશી વસ્તુઓ આયાત થાય છે. ઘણી વાર દેશની આર્થિક ખિલવણી એકતરફી બનવા પામે છે. આ સ્થિતિ લાંબે ગાળે દેશને નુકસાન કરે છે કેમ કે દરેક દેશના ઉદ્યોગોમાં વિવિધતા હોય તો જ તેના આર્થિક જીવનમાં સ્થિરતા અને સુરક્ષિતતા આવે અને રાષ્ટ્રજીવન સમૃદ્ધ અને વિકસિત બને.

આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચે કોઈ સૈદ્ધાંતિક ભિન્નતા ન હોવા છતાં વિદેશી વેપાર આંતરિક વેપાર જેટલો સાદો અને સરળ નથી. ભિન્ન ભિન્ન તોલમાપ તથા ચલણો, વિવિધ વ્યાપારી રીતરિવાજો, આયાત-નિકાસ જકાતો, વિવિધ સરકારી નિયમનો તથા વિધિઓ, લાંબાં અંતર, વિવિધ સાંસ્કૃતિક પરિબળો, વિવિધ ભાષાઓ, આસમાની-સુલતાનીની અનિશ્ચિતતાઓ, જરૂરિયાતોની ભિન્નતા અને વિવિધતાઓ વગેરેમાંથી ઉપસ્થિત થતી પરિસ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારની સંકુલતામાં ઉમેરો થાય છે.

ધીરુભાઈ વેલવન