આંતરરાષ્ટ્રીય વસ્તુકરારો (International Commodity Agreements) : આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મહત્વની વસ્તુઓની ભાવસપાટીમાં સ્થિરતા જાળવવા માટે વસ્તુઓની પેદાશ કરનારા તથા તેની ખરીદી કરનારા દેશો વચ્ચે થતા કરારો. આંતરરાષ્ટ્રીય વસ્તુકરારોમાં ઉત્પાદક અને ઉપભોક્તા રાષ્ટ્રો સહભાગીદાર હોય છે. ભૂતકાળમાં આ અંગે ઘણા આંતરરાષ્ટ્રીય કરારો કરવામાં આવ્યા હતા, જેમાં કૉફી, ઑલિવ તેલ, દ્રાક્ષ, ખાંડ, ઘઉં, ટિન, કોકો અને બહુતંતુ (multifibre) કાપડ તથા કપડાં અંગેના કરારોનો સમાવેશ થાય છે. પ્રાથમિક વસ્તુઓના બજારનું ખાસ લક્ષણ તેમના પુરવઠા અને માગ વચ્ચેની અસમતુલા છે. આ અસમતુલાને પરિણામે તેમના બજારભાવોમાં વ્યાપક વ્યાપારચક્રીય વટઘટ જોવા મળે છે. આ વસ્તુઓની માંગની ટૂંકા ગાળાની વધઘટ સામે તેમના ઉત્પાદનમાં લાંબા ગાળે પરિવર્તન શક્ય હોવાથી તેમનાં માગ અને પુરવઠાનાં પરિબળો વચ્ચે ઝડપી અનુકૂલન શક્ય થતું નથી. આ સાથે પ્રાથમિક વસ્તુઓનાં ઉત્પાદક રાષ્ટ્રોનો આર્થિક વિકાસ આ વસ્તુઓની નિકાસોમાંથી થતી કમાણી ઉપર આધારિત હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેમના ભાવોની અસ્થિરતાને લીધે, ઘટતા ભાવોની પરિસ્થિતિમાં નિકાસકમાણી જાળવી રાખવા માટે તેઓ જે તે વસ્તુઓનો પુરવઠો વધારવાનું વલણ ધરાવે છે; પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તીવ્ર હરીફાઈ હોવાથી તેમની નિકાસકમાણી ઘટે છે. આ સંદર્ભમાં પ્રાથમિક વસ્તુઓના ભાવોની સ્થિરતા માટે અથવા તેમની ભાવસપાટી જાળવી રાખવા માટે ઉત્પાદક અને ઉપભોક્તા રાષ્ટ્રો વચ્ચે આંતરરાષ્ટ્રીય કરારો કરવામાં આવે છે.

આ કરારોમાં વસ્તુઓના તળિયાના અને ટોચના ભાવો નક્કી કરી તેના સંદર્ભમાં નિકાસ અથવા આયાત ક્વૉટા, વસ્તુઓનો અનામત જથ્થો (buffer stock) વગેરેમાંથી કોઈ એક ઉપાય કે આ બધા ઉપાયોનું કોઈ એક ‘સંયોજન’ વાસ્તવમાં સૂચવાય છે. વસ્તુની આંતરરાષ્ટ્રીય કિંમત તળિયાના નિયત ભાવ કરતાં નીચી હોય તેવા સંજોગોમાં નિકાસોમાં કાપ મૂકવામાં આવે છે અથવા જે તે વસ્તુના કે વસ્તુઓના અનામત જથ્થા માટે ખરીદી કરવામાં આવે છે. નિકાસભાવો ટોચના નિયત ભાવો કરતાં ઊંચા હોય ત્યારે નિકાસ ક્વૉટામાં વધારો, અનામત જથ્થામાં ઘટાડો વગેરે પગલાં લેવાય છે, કે સૂચવાય છે. વાસ્તવમાં વિવિધ વસ્તુકરારોમાં આ નીતિવિષયક પગલાંનો સમાવેશ થાય છે.

1962માં પાંચ વર્ષની મુદતનો પ્રથમ કરાર આંતરરાષ્ટ્રીય કૉફી બજારમાં કૉફીના ઘટતા ભાવો રોકવા માટે થયો હતો. આ ઉદ્દેશ માટે અગાઉના વર્ષની કૉફીની વિશ્વનિકાસો અને તેના વિશ્વભાવોના સંદર્ભમાં કૉફીનો વિશ્વનિકાસ ક્વૉટા પ્રતિવર્ષ નક્કી થતો. આ વિશ્વનિકાસ ક્વૉટાના સંદર્ભમાં કૉફી-ઉત્પાદક રાષ્ટ્રની કૉફી-ઉત્પાદન-શક્તિના સંદર્ભમાં જે તે રાષ્ટ્રનો કૉફીનિકાસનો ક્વૉટા નક્કી થાય છે. આ માટે વિશ્વબજારના કૉફીના ભાવોના સંદર્ભમાં તેના તળિયા અને ટોચના ત્રિમાસિક ભાવો નક્કી કરાય છે. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય કૉફી બજારના પ્રવર્તમાન ભાવો તેના ટોચના ભાવો કરતાં સતત 15 દિવસ માટે ઊંચા હોય તેવી સ્થિતિમાં સભ્ય દેશોના નિકાસ ક્વૉટામાં વૃદ્ધિ કરવામાં આવે છે અને આટલા સમય માટે તે તળિયાના ભાવો કરતાં નીચા રહે તેવી સ્થિતિમાં નિકાસ ક્વૉટા નિયંત્રિત કરવામાં આવે છે. આમાં નિર્દેશિત ભાવોનો ઉપયોગ ભાવોની ટૂંકા ગાળાની વધઘટ ઘટાડવાનો જ છે. 1972માં કૉફી કરારો ભાંગી પડ્યા પછી બ્રાઝિલના વર્ચસ્વાળી ‘Cafe’Mondial’ આ કાર્ય કરે છે. કારણ કે, બ્રાઝિલ કૉફીનો સૌથી મોટો ઉત્પાદક અને સંગ્રાહક દેશ છે. કૉફીના આંતરરાષ્ટ્રીય ભાવો સ્થિર રહે તેમાં પોતાનું હિત હોવાથી વર્તમાન સમયમાં કૉફી કરારો ટકી રહ્યા છે. આ કૉફી કરારોમાં કૉફીની આયાત કરનાર બધા દેશોનો સમાવેશ થતો નથી.

આંતરરાષ્ટ્રીય ટિન કરારો ‘ભાવસ્થિરતા’નું ઉદાહરણ પૂરું પાડે છે. 1972-75ના સમય દરમિયાન વિશ્વહૂંડિયામણ બજારમાં થયેલ ઊથલપાથલોના સંદર્ભમાં આ જ એવા કરારો છે જે ટકી રહ્યા હતા. પ્રથમ કરાર જુલાઈ 1956થી પાંચ વર્ષ માટે કરવામાં આવ્યો હતો. પાંચમો ટિન કરાર અંકટાડ(UNCTAD)ની દોરવણી હેઠળ થયો હતો. છઠ્ઠા કરારની અવધિ 1987માં પૂરી થઈ. આ કરારમાં ટિનનો અનામત જથ્થો તેના સંચાલનમાં તળિયા અને ટોચના ભાવોની સપાટી અને તે માટે એક મૅનેજરની નિમણૂક માટેના નિર્ણયો લેવાયા હતા. મૅનેજર તળિયા અને ટોચના ભાવોને ધ્યાનમાં રાખી ટિનની ખરીદી અને વેચાણની જવાબદારી અદા કરે છે. વિશ્વબજારમાં ટિનના ભાવો ખૂબ નીચા જાય તે પરિસ્થિતિમાં નિકાસ-અંકુશોની શક્યતા જેવા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપાયોને આધારે આ કરારોનો ઉદ્દેશ ટિનના ભાવોની સ્થિરતા તેમજ તેમાં સમયોચિત વૃદ્ધિનો છે. આ વિવિધ કરારો હેઠળ ટિનનો અનામત જથ્થો ઊભો કરવાની જોગવાઈ છે. ટિનના આંતરરાષ્ટ્રીય ભાવોને સ્થિર રાખવા માટે તળિયા અને ટોચના ભાવોના સંદર્ભમાં જે મર્યાદા નક્કી થાય છે તે ભાવસ્થિરતાના ઉદ્દેશને સિદ્ધ કરવાના સંદર્ભમાં નક્કી થાય છે. જ્યારે ટિનના ભાવ ટોચમર્યાદા નજીકના હોય ત્યારે અનામત જથ્થામાંથી વેચાણ અને તળિયાના ભાવની નજીક કે તેનાથી નીચા ભાવો હોય ત્યારે તેણે ટિનની ખરીદીનું કાર્ય કરવાનું હોય છે.

1976ના અંતમાં ઇન્ડોનેશિયા, મલયેશિયા, સિંગાપુર, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા કુદરતી રબર ઉત્પાદક દેશોએ કુદરતી રબરના ભાવોની સ્થિરતા માટે એક આંતરરાષ્ટ્રીય કરાર કર્યો. આ કરારમાં, કુદરતી રબરનો અનામત જથ્થો ઊભો કરવાની તેમજ તેના ઉત્પાદનને નિયંત્રિત કરીને તેના (આંતરરાષ્ટ્રીય) ભાવો સ્થિર રાખવાની જોગવાઈ કરી. આ કરાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક રબર કાઉન્સિલની સ્થાપનાની જોગવાઈ થઈ. આ કરારને 1980માં ફરી તાજો કરવામાં આવ્યો હતો.

વિકાસશીલ રાષ્ટ્રોની કથળતી વ્યાપાર-શરતોની વિપરીત અસરો દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય ભાવ ટકાવી રાખવામાં આ કરારો કેટલે અંશે મદદરૂપ થાય તે અંગે વિવાદ રહ્યો છે.

પરાશર વોરા