આંતરરાષ્ટ્રીય કાયદો : સાર્વભૌમ રાજ્યો પરસ્પરના સંબંધોમાં પાળવા બંધાયેલા હોય એવા આચરણના સિદ્ધાંતો અને નિયમોનો સમૂહ. તેમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પરસ્પરના સંબંધો તેમજ તેમનાં રાજ્યો તથા વ્યક્તિઓ સાથેના સંબંધો અને આંતરરાષ્ટ્રીય સંબંધ ધરાવતી વ્યક્તિઓ તથા રાજ્યવિહીન એકમોને લગતા નિયમોનો સમાવેશ થાય છે. આજે તેમાં બહુરાષ્ટ્રીય નિગમો, રાજકીય પક્ષો, દબાવકર્તા જૂથો, આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ટોળીઓ વગેરેને લગતા નિયમો તથા માનવહક્કો બાબતના સિદ્ધાંત ઉમેરાયા છે.

આંતરરાષ્ટ્રીય કાયદો મુખ્યત્વે રાજ્યોના ‘અરસપરસ’ના હક્કો અને ફરજોને નિયંત્રિત કરતી એક વ્યવસ્થા છે. તેના હક્કો અને ફરજો બાબતના કેટલાક નિયમો બંધનકારક છે; જ્યારે સંયુક્ત રાષ્ટ્રોની ઘોષણાઓ કે આંતરરાષ્ટ્રીય મજૂરસંઘની ભલામણોના નિયમો માર્ગદર્શક હોય છે. આ નિયમો જાગતિક કે પ્રાદેશિક હોય છે. સંયુક્ત રાષ્ટ્રો જેવી સંસ્થાઓ મારફતે ઘડાયેલા નિયમો સાર્વત્રિક હોય છે, જ્યારે યુરોપીય ઇકૉનૉમિક કૉમ્યુનિટી કે ઑર્ગેનિઝેશન ફૉર આફ્રિકન યુનિટી જેવી સંસ્થાઓના નિયમો પ્રાદેશિક હોય છે.

આંતરરાષ્ટ્રીય કાયદાનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય સંબંધોની ન્યાયી અને જો તે સંપૂર્ણ ન બને તો એક વ્યવસ્થિત પદ્ધતિની રચના કરવાનો છે. તેમાં આંતરરાષ્ટ્રીય શાંતિ, સમજૂતી, લવાદી અને માનવીય હકો પર ભાર મૂકવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય કાયદાનું સામાજિક ર્દષ્ટિબિંદુ : કાયદાનું ઘડતર સામાજિક વાતાવરણ પર આધારિત છે. દુનિયાનાં શક્તિશાળી રાજ્યો જગત પર પોતાનાં વર્ચસ્, અસ્તિત્વ અને પદ્ધતિ ટકી રહે તે રીતે આંતરરાષ્ટ્રીય કાયદાને મોડ આપતાં હોય છે; પરંતુ નિર્બળ રાજ્યોનાં સંગઠનો તેમાં પારસ્પરિકતા તથા સહનિયમન(joint control)ના નિયમોનો સમાવેશ કરાવે છે; દા.ત., 1971નું મૉન્ટ્રિયલનું વિમાનવ્યવહાર બાબતનું સંધિનામું અને સંયુક્ત રાષ્ટ્રોનું 1982નું દરિયાઈ કાયદાનું સંધિનામું.

ઐતિહાસિક ર્દષ્ટિબિંદુ : માનવ ઇતિહાસના પ્રારંભથી જગતની પ્રાચીન સંસ્કૃતિઓએ આંતરરાષ્ટ્રીય કાયદાના કેટલાક નિયમો ઘડ્યા છે. ભારત, ઇજિપ્ત અને ચીનનાં રાજ્યોએ ધર્મ ઉપર અવલંબિત, સાર્વભૌમત્વ, યુદ્ધ અને રાજદૂતોના રક્ષણ વગેરેના નિયમો ઘડેલા. મધ્યયુગમાં ગ્રીક નગરરાજ્યો તથા રોમન આધિપત્યવાળાં રાજ્યોએ યુદ્ધની જાહેરાત તેમજ યુદ્ધકેદીઓને લગતા તથા વાણિજ્યવિષયક નિયમો વિકસાવ્યા. 15મી અને 16મી સદીમાં બૉડિન (ફ્રેન્ચ) મૅકિયાવેલી, બેલી અને જેન્ટિલીસ (ઇટાલિયન) તથા હૉબ્ઝ (અંગ્રેજ) જેવા ન્યાયવિદોએ આંતરરાષ્ટ્રીય કાયદાના રૂઢિગત નિયમો સંકલિત કર્યા. જોકે 17મી સદીના ડચ વિદ્વાન ગ્રૉટિયસને તેના ‘યુદ્ધ અને શાંતિનો કાયદો’ નામના સર્વગ્રાહી પુસ્તક માટે ‘આંતરરાષ્ટ્રીય કાયદાનો પિતા’ ગણવામાં આવે છે.

આધુનિક આંતરરાષ્ટ્રીય કાયદાનો વિકાસ છેલ્લી ચાર સદીઓમાં થયેલો છે. નવાં સ્વતંત્ર રાજ્યોનો ઉદભવ, સંશોધનો, ઔદ્યોગિક ક્રાંતિ, વ્યાપાર તથા વાહનવ્યવહારનો વિકાસ તેમજ યુદ્ધની ભીષણતામાં અભિવૃદ્ધિ વગેરે તેનાં પ્રેરક બળો છે. 1856ની પૅરિસ કૉંગ્રેસે દરિયાઈ યુદ્ધના નિયમોના સંહિતાકરણનો પ્રયત્ન કરેલો. 1899 તથા 19૦7નાં હેગ સંમેલનોએ લવાદીની કાયમી અદાલતની સ્થાપના કરી. 1919માં આંતરરાષ્ટ્રીય મજૂરસંઘ સ્થપાયો અને 192૦માં આંતરરાષ્ટ્રીય ન્યાયની કાયમી અદાલતની સ્થાપના થઈ, જેનું સ્થાન 1946માં આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતે લીધું. મિત્ર રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય લશ્કરી પંચોએ ચલાવેલા 1946–47ના અનુક્રમે ન્યૂરેમ્બર્ગ અને ટોકિયો ખાતેના યુદ્ધગુનેગારોના મુકદ્દમાઓ તથા સંયુક્ત રાષ્ટ્રોના આશ્રયે તથા અન્ય રીતે 1946થી આજ સુધીનાં સંમેલનો અને સંધિનામાંઓથી લશ્કરી આક્રમણ, શસ્ત્રનિયમન, અણુઅખતરા, દરિયાઈ કાયદો, અંતરીક્ષ કાયદો, રાજદ્વારી તથા વાણિજ્યવિષયક સંબંધો, સંધિઓ વગેરેના નિયમો ઘડાયા છે. આ નિયમો સામાજિક, ઐતિહાસિક અને નૈતિક એમ વિવિધ ર્દષ્ટિબિંદુઓથી ચકાસાય છે. નૈતિક ર્દષ્ટિબિંદુ, માનવસંસ્કૃતિ અને આંતરરાષ્ટ્રીય કાયદો પરસ્પર આત્મલક્ષી નૈતિક માપદંડથી જોડાયેલાં છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું એક મૂળ ‘સુધરેલા દેશોએ માન્ય કરેલા કાયદાના સિદ્ધાંતો’ છે. સંસ્કૃતિ એ જુદીજુદી જાતિઓના સંબંધોની સતત વિકસતી પ્રક્રિયા છે. સંસ્કૃતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાના સંબંધો પર હાલ સમૂહવિનાશનાં શસ્ત્રો, પરદેશીઓની હકાલપટ્ટી, વંશનિકંદનો, આંતરરાષ્ટ્રીય ત્રાસવાદ વગેરેથી એક પ્રકારનો તણાવ વર્તાય છે.

આંતરરાષ્ટ્રીય કાયદાનાં વાસ્તવિક ઉદગમસ્થાનો : આમાં મુખ્યત્વે રૂઢિઓ, સંધિઓ, સુધરેલાં રાજ્યોએ સ્વીકારેલા કાયદાના સામાન્ય સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય અદાલતો અને લવાદી પંચોના ચુકાદાઓ, ન્યાયવિદોનાં લખાણો તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સંમેલનોના ઠરાવો છે. રૂઢિઓ રાજ્યોના વ્યવહારમાંથી, રાજ્યોએ તેમને કાયદા તરીકે આપેલી માન્યતામાંથી તેમજ સંધિઓમાંના તેમના ઉલ્લેખોમાંથી સાબિત થાય છે. સંધિઓ વૈશ્વિક, પ્રાદેશિક, બહુરાજ્ય કે દ્વિરાજ્ય હોય છે. સુધરેલાં રાજ્યોએ માન્ય કરેલા કાયદાના સિદ્ધાંતોનો મુખ્ય આધાર પ્રકૃતિનો કાયદો છે. ન્યૂરેમ્બર્ગ અને ટોકિયો મુકદ્દમાઓમાં ઉપરીના હુકમના પાલનનો બચાવ અમાન્ય ગણીને માનવતા વિરુદ્ધના અને ગેરકાયદેસર યુદ્ધના ગુનાઓ માટે યુદ્ધખોરોને શિક્ષાપાત્ર ગણ્યા હતા.

આંતરરાષ્ટ્રીય કાયદો અને રાજ્યનો કાયદો : આ બંનેના સંબંધ બાબતમાં ઇટાલિયન, વાસ્તવવાદી આન્ઝિલોટ્ટી જેવા ‘દ્વૈતવાદ’-(dualism)ના પુરસ્કર્તાઓ માને છે કે બંને કાયદા અલગ છે. રાજ્યના કાયદાના વિષયો વ્યક્તિઓ છે અને તેનું મૂળ રાજ્યની ઇચ્છાશક્તિ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય કાયદાના વિષયો રાજ્યો છે અને તેનું મૂળ રાજ્યોની સર્વમાન્ય ઇચ્છાશક્તિમાં છે અને તે રાજ્યોએ સ્વેચ્છાએ પોતાના સાર્વભૌમત્વને નિયંત્રિત કરીને કરેલા કરારોમાં છે. કૅલ્સન જેવા ‘અદ્વૈતવાદી’(monist)ના મતે સમસ્ત કાયદો એક જ એકમ છે, બંને વચ્ચે કોઈ ભેદ નથી અને રાજ્યો વ્યક્તિઓનાં બનેલાં હોઈ બંને કાયદા તેમને બંધનકારક છે. યુ.એસ. જેવાં કેટલાંક રાજ્યો આંતરરાષ્ટ્રીય કાયદાને રાજ્યના કાયદાનો એક ભાગ જ માને છે, જ્યારે અન્યત્ર આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમોને રાજ્યના કાયદાઓમાં પરિવર્તિત કરીને માન્યતા અપાય છે.

આંતરરાષ્ટ્રીય કાયદાનો આધાર : ઑસ્ટિન, હૉબ્ઝ, પુફેનડૉર્ફ અને બેન્થામ જેવા લેખકો આંતરરાષ્ટ્રીય કાયદાને સાચો કાયદો ગણતા નથી. તેમના મતે કાયદો એ સાર્વભૌમ સત્તાનો આદેશ છે અને તેનું પાલન તેની શિક્ષાના ભયથી થાય છે. આંતરરાષ્ટ્રીય કાયદાના અમલ માટે કોઈ સાર્વભૌમ સત્તા નથી કે દંડનાત્મક પીઠબળ નથી, તેથી તે ફક્ત નૈતિક આચરણના નિયમો છે. આના જવાબમાં એમ કહેવાય છે કે (1) ઘણી પ્રજાઓમાં સાર્વભૌમ ધારાસભાઓએ નહિ ઘડેલી કાયદાની પદ્ધતિઓ માન્ય છે; દા.ત., હિન્દુ તથા મુસ્લિમ રૂઢિગત કાયદાઓ; (2) આંતરરાષ્ટ્રીય કાયદાના મોટાભાગના નિયમો સાર્વભૌમ રાજ્યોનાં તથા સંમેલનોએ કરેલા સંધિનામાંઓથી કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ઠરાવોથી બન્યા છે. આ આંતરરાષ્ટ્રીય ધારાગૃહો કહેવાય; (3) આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રશ્નો કાયદાના પ્રશ્નો ગણાય છે; (4) આંતરરાષ્ટ્રીય અદાલત આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે ન્યાય કરે છે; (5) આંતરરાષ્ટ્રીય કાયદાનાં પીઠબળોમાં રાજ્યોના અભિપ્રાયો, સંયુક્ત રાષ્ટ્રોના આશ્રયે લેવાયેલાં આર્થિક તથા લશ્કરી દબાણકારક પગલાં અને છેલ્લે સ્વબચાવરૂપ યુદ્ધ ગણી શકાય.

આંતરરાષ્ટ્રીય કાયદાના આધાર બાબત ‘પ્રકૃતિવાદ’ તથા ‘વાસ્તવવાદ’ – એમ બે સિદ્ધાંતો છે. વાટેલ જેવા પ્રકૃતિના કાયદાના પુરસ્કર્તાઓ માને છે કે તમામ કાયદો માનવજાતના અંતરાત્માનો આદેશ છે અને તે દરેક વ્યક્તિ સમજે છે. સંયુક્ત રાષ્ટ્રોનું માનવહકોનું જાહેરનામું (1948), રાજ્યોના હકો અને ફરજોનું આંતરરાષ્ટ્રીય કાયદાપંચનું જાહેરનામું (1949) તેમજ આંતરરાષ્ટ્રીય લશ્કરી પંચો(1946–47)ના ચુકાદાઓ પ્રકૃતિવાદ પર આધારિત છે. હેગેલ અને આન્ઝિલોટ્ટી જેવા વાસ્તવવાદીઓના મતે આંતરરાષ્ટ્રીય કાયદો રાજ્યોએ સ્વેચ્છાએ કરેલા કરારો ઉપર અવલંબે છે. જોકે આ સિદ્ધાંતોમાં રૂઢિગત નિયમો તથા નવોદિત રાજ્યોને લાગુ પડાતા આંતરરાષ્ટ્રીય કાયદાનો ખુલાસો મળતો નથી.

આંતરરાષ્ટ્રીય કાયદાના વિષયો : આંતરરાષ્ટ્રીય કાયદાનો મુખ્ય વિષય રાજ્યો છે. સાર્વભૌમ રાજ્યને કાયમી વસ્તી, નિશ્ચિત પ્રદેશ અને સરકાર તથા અન્ય રાજ્યો સાથે સંબંધો બાંધવાની ક્ષમતા હોવી જોઈએ. રાજ્યો સ્વાતંત્ર્ય, સમાનતા, પ્રાદેશિક હકૂમત તથા સ્વરક્ષણના મૂળભૂત હક્કો અને યુદ્ધત્યાગ, શુદ્ધબુદ્ધિપૂર્વકનું કરારપાલન તથા અન્ય રાજ્યોમાં બિનદરમિયાનગીરી જેવી મૂળભૂત ફરજો ધરાવે છે. પરદેશીઓના રક્ષણની પણ રાજ્યોની ફરજ છે. પરરાજ્યની કે તેની સરકારની કે પ્રાદેશિક હક્કોની માન્યતા રાજ્યોની સ્વેચ્છા ઉપર આધારિત છે. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા કે પ્રાદેશિક રાજ્યોના સંઘો પણ માન્યતા આપી શકે છે. યુદ્ધપરિસ્થિતિની કે બળવાની માન્યતા પણ અપાય છે. વૈધિક માન્યતા મળ્યા પછી જ રાજ્યોને આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થાય છે અને માન્યતા આપનાર દેશ વિરુદ્ધ તે દેશની કે આંતરરાષ્ટ્રીય અદાલતમાં દાવા કરી શકાય છે, તેમજ રાજદૂતોની નિમણૂક, વિમુક્તિ વગેરેના હકો મળે છે. નવાં રાજ્યોને શરૂઆતમાં હકીકતી માન્યતા અપાય છે, અને તેમની સ્થિરતા તથા આંતરરાષ્ટ્રીય અને પરસ્પરના સંબંધોને ચકાસીને વૈધિક માન્યતા અપાય છે.

રાજ્યો પરસ્પર કોઈ પણ જાતના કરારો કરવા સક્ષમ છે. રાજ્યો ખુલ્લા દરિયાનું સ્વાતંત્ર્ય ધરાવે છે અને પોતાના જળવિસ્તારનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. તેઓ પોતાના પ્રાદેશિક અવકાશ પર આધિપત્ય ધરાવે છે અને તેમને બાહ્યાવરણ તથા અંતરીક્ષનો બિનલશ્કરી ઉપયોગ કરવાનો હક્ક છે.

પરદેશીઓ બાબત રાજ્યોને રહેઠાણ, અધિવાસ કે રાષ્ટ્રીયતા અર્પવાના, શરણસ્થાન આપવાના અને પ્રત્યાર્પણ કરવાના હક્કોના રક્ષણાર્થે 1948ના જેનોસાઇડ સંધિનામા અન્વયે માનવસંહાર અટકાવવાની રાજ્યોની ફરજ છે. ઉપરાંત 1961ના ન્યૂયૉર્ક સંધિનામા અન્વયે નશીલી દવાઓની હેરફેર અટકાવવાની રાજ્યોની ફરજ છે.

સમાનતાના સિદ્ધાંત પર વિદેશસ્થિત રાજ્યોના વડાઓ, રાજદૂતો, વાણિજ્યદૂતો, યુદ્ધજહાજો વગેરે ત્યાંની પ્રાદેશિક હકૂમતમાંથી મુક્તિને પાત્ર ગણાય છે.

આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ રાજ્યોના પરસ્પરના ઝઘડાઓના નિરાકરણ માટે શાંતિમય અને મૈત્રીપૂર્ણ ઉપાયો સૂચવેલા છે. અનિવાર્ય હોય તો જ દમનકારી પગલાં લઈ શકાય. શાંતિમય ઉપાયોમાં લવાદી, ન્યાયિક નિરાકરણ, શુભેચ્છકોની સહાય, મધ્યસ્થીકરણ, સમજૂતી, તપાસ તથા સંયુક્ત રાષ્ટ્રોની નિશ્રા નીચે નિરાકરણ મુખ્ય છે. દમનકારી ઉપાયોમાં યુદ્ધ કે યુદ્ધ સિવાયનું સશસ્ત્ર કૃત્ય, પ્રતિશોધ (retorsion), પ્રતિહિંસા (refrisal), શાંત નાકાબંધી તથા દરમિયાનગીરી મુખ્ય છે. 1928ના ‘કેલોગ-બીઆન્ડ’ કરાર મુજબ યુદ્ધ ગેરકાયદેસર છે, પણ અન્ય ઉપાયો નિષ્ફળ જતાં સ્વરક્ષણાર્થે તે કરી શકાય. યુદ્ધમાં નાગરિકોની જાનહાનિ કરવાનો, જંતુયુક્ત કે ઝેરી શસ્ત્રો, વાયુઓ કે અણુશસ્ત્રો વાપરવાનો નિષેધ છે. યુદ્ધના નિયમોમાં ઘાયલ, માંદા કે ડૂબતા વહાણમાંથી પકડેલા યુદ્ધકેદીઓના રક્ષણની જોગવાઈઓ છે (જુઓ 19૦7ના હેગ નિયમો, 1929નો જિનીવા કરાર, યુદ્ધકેદીઓનું 1949નું જિનીવા સંધિનામું, અણુશસ્ત્રપ્રયોગબંધીની 1963ની સંધિ.) તટસ્થ રાજ્યો અને યુદ્ધોન્મુખ રાજ્યો વચ્ચેના સંબંધોના નિયમો, રૂઢિગત કાયદા તથા સંધિઓમાંથી મળે છે. સંયુક્ત રાષ્ટ્રોના હક્કપત્રક મુજબ રાજ્યોને તટસ્થતાનો સંપૂર્ણ હક્ક નથી. યુદ્ધોન્મુખ રાજ્ય વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોએ લીધેલાં પગલાંમાં દરેક રાજ્યની સહકાર આપવાની ફરજ છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ : આંતરરાષ્ટ્રીય કાયદાનો બીજો મહત્વનો વિષય વૈશ્વિક કે પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી 1919માં લીગ ઑવ્ નૅશન્સ સ્થપાઈ. વિશ્વશાંતિ માટેનું તેનું કાર્ય ‘સર્વસંમતિ’ના નિયમ પર ખોટવાઈ ગયું. 1919માં આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ સ્થપાયો. હાલ તે સંયુક્ત રાષ્ટ્રો સાથે ખાસ જોડાયેલી સંસ્થા તરીકે ઉદ્યોગો અને મજૂરો વચ્ચેના આંતરરાષ્ટ્રીય સહકાર માટે તેમજ મજૂરોનું મહેનતાણું, સગવડો તથા જીવનધોરણ સુધારવા માટેનાં સંધિનામાંઓ તૈયાર કરે છે. જગતના મોટાભાગના દેશો તેના સભ્યો છે.

બીજા વિશ્વયુદ્ધ પછી 1945માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ. તેના હેતુઓ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી અને પ્રજાઓના સમાન હક્ક તથા સ્વનિર્ણયના સિદ્ધાંતને આધારે રાષ્ટ્રો વચ્ચે મિત્રતાભર્યા સંબંધો વિકસાવવાના છે. સંયુક્ત રાષ્ટ્રોમાં 193 (2૦2૦) સભ્યો છે. તેના મુખ્ય ઘટકો (1) સામાન્ય સભા, (2) સલામતી સમિતિ, (3) આર્થિક અને સામાજિક સમિતિ, (4) ટ્રસ્ટીશિપ સમિતિ, (5) આંતરરાષ્ટ્રીય ન્યાયી અદાલત તથા (6) મંત્રાલય છે. સામાન્ય સભા વર્ષે એક વાર મળે છે અને તે વિશ્વના શાંતિના તથા આર્થિક અને રાજકીય પ્રશ્નોની ચર્ચાવિચારણા કરી ભલામણ સ્વરૂપના ઠરાવો કરે છે. તે રાજ્યોના સભ્યપદ બાબતના એટલે કે પ્રવેશ, મોકૂફી તથા હકાલપટ્ટીના નિર્ણયો લે છે. તે સલામતી સમિતિના બિનકાયમી સભ્યોની આર્થિક અને સામાજિક સમિતિના સભ્યોની તથા સલામતી સમિતિ સાથે આંતરરાષ્ટ્રીય ન્યાયની કોર્ટના ન્યાયાધીશોની ચૂંટણી કરે છે. તે આંતરરાષ્ટ્રીય સંધિનામાં સ્વીકારે છે. સલામતી સમિતિ જ્યારે વિશ્વના કોઈ ભાગમાં શાંતિ જાળવવામાં નિષ્ફળ જાય ત્યારે સામાન્ય સભા ‘શાંતિ માટેના જોડાણ’નો ઠરાવ કરી સંયુક્ત રાષ્ટ્રોનું કટોકટી માટેનું શાંતિરક્ષક દળ ઊભું કરે છે. આવાં દળો 1956માં સુએઝ કૅનાલ પ્રદેશમાં, 196૦માં કાગોમાં, 1982માં સિનાઈમાં અને 1983માં બૈરૂતમાં ગોઠવાયાં હતાં.

સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી વધુ શક્તિશાળી ઘટક સલામતી સમિતિ છે. તેનું મુખ્ય કાર્ય વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે. તેનાં પંદર સભ્યોમાં પાંચ – બ્રિટન, યુ.એસ., રશિયા, ફ્રાન્સ અને ચીન – કાયમી છે, જ્યારે બીજાં 1૦ સામાન્ય સભા દ્વારા ચૂંટાય છે. કાયમી સભ્યને કોઈ પણ પ્રશ્ન પર ચર્ચા અટકાવવાની સત્તા (veto) હોય છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાનાં રાજ્યોની સમાનતાના હક્કના ભંગરૂપ છે, અને સંયુક્ત રાષ્ટ્રોના વિશ્વશાંતિના પ્રયાસને બાધારૂપ છે. આવાં શક્તિશાળી દબાવજૂથવાળાં રાજ્યોના જુલ્મ સામે નબળાં રાજ્યોને રક્ષણ મળતું નથી; દા.ત., નિકારાગુઆ જેવા અમેરિકા ખંડનાં રાજ્યોમાં અમેરિકન હસ્તક્ષેપ તથા પૂર્વ યુરોપનાં રાજ્યોમાં અને અફઘાનિસ્તાનમાં રશિયન દરમિયાનગીરી. વીટોની અનુપસ્થિતિમાં સલામતી સમિતિ સમજાવટથી, આર્થિક પગલાંથી કે દબાવકારી પગલાંથી શાંતિનું પુન:સ્થાપન કરે છે. સલામતી સમિતિએ 195૦માં કોરિયામાં તથા 196૦માં કાગોમાં લશ્કરી અને 1964માં રહોડેશિયામાં આર્થિક પગલાં લીધાં હતાં.

આર્થિક અને સામાજિક સમિતિ દુનિયાના જુદા જુદા પ્રદેશો માટે તપાસપંચો નીમે છે અને માનવીય હક્કો, વાહનવ્યવહાર,  વસ્તી, નશીલી દવાઓ, આર્થિક અને સામાજિક પ્રગતિ તથા માનવકલ્યાણનાં કાર્યો વગેરે વિષયો પર તપાસ અને વાટાઘાટો કરી સંધિનામાં તૈયાર કરી સામાન્ય સભા પર મંજૂરી માટે મોકલે છે.

આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલત હેગમાં 1946માં સ્થપાઈ. તેના 15 ન્યાયાધીશોની ચૂંટણી લવાદીની કાયમી અદાલતના ન્યાયાધીશોની યાદીમાંથી થાય છે. સંધિઓ બાબત તેની હકૂમત ફરજિયાત છે, બાકી મરજિયાત છે. તેના ચુકાદાના અમલીકરણ માટે કોઈ અસરકારક તંત્ર નથી. તે આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમોનું અર્થઘટન કરે છે. જ્યાં આવા નિયમો ન મળે ત્યાં તે ‘સુધરેલા દેશોએ માન્ય કરેલા કાયદાના નિયમો’ મુજબ નિર્ણય કરે છે. સામાન્ય સભા તેમજ સલામતી સમિતિ માટે તેની સલાહકારક હકૂમત છે.

લીગ ઑવ્ નૅશન્સે જે સંસ્થાનોને અન્ય રાજ્યોના રક્ષણ નીચે મૂકેલાં (mandated) તેમની દેખભાળ તેમજ સ્વાતંત્ર્ય માટે 1946માં સંયુક્ત રાષ્ટ્રોએ ટ્રસ્ટીશિપ કાઉન્સિલ રચી છે. હાલ માઇક્રોનેશિયાના ટાપુઓ ‘વ્યૂહાત્મક પ્રદેશ’ તરીકે યુ.એસ.ના હવાલે છે, જ્યારે નૈર્ઋત્ય આફ્રિકા (નામિબિયા) પર કબજો ધરાવતું દક્ષિણ આફ્રિકા કાઉન્સિલની સત્તાને માન્ય કરતું નથી અને નામિબિયાની આઝાદી માટેના આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતના ચુકાદાઓને ગણકારતું નથી.

વ્યક્તિઓ : આંતરરાષ્ટ્રીય કાયદાના વિષયોમાં હવે વ્યક્તિઓનો પણ સમાવેશ થયો છે. ઘણી સંધિઓ વ્યક્તિઓનાં હક્કો અને ફરજો ઉત્પન્ન કરે છે. 1948ની સંયુક્ત રાષ્ટ્રોની માનવહક્કોની ઘોષણા, તથા યુદ્ધકેદીઓ, બનાવટી ચલણ, નશીલી દવાઓ, અંતરીક્ષ કાયદો વગેરેનાં સંધિનામાં તથા ન્યૂરેમ્બર્ગ અને ટોકિયોના મુકદ્દમા વ્યક્તિઓને સ્પર્શે છે. ચાંચિયાઓ તથા માનવતા વિરુદ્ધના ગુનેગારો કોઈ પણ રાજ્યમાં શિક્ષાપાત્ર છે; દા.ત., આઇકમૅન મુકદ્દમો (1962).

આધુનિક સમયમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું મહત્વ : આજના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય વ્યવહાર, શાંતિ અને માનવજાતની પ્રગતિ માટે આંતરરાષ્ટ્રીય કાયદો અનિવાર્ય છે. વૈજ્ઞાનિક પ્રગતિથી રાજ્યોનું પરસ્પરાવલંબન વધ્યું છે. તેથી બહુરાજ્ય સંધિઓથી નિત્ય નવા નિયમો ઘડાય છે.

દુનિયાભરમાં ફેલાયેલી આજની હિંસા અને અશાંતિને કારણે કેટલાક લોકો આંતરરાષ્ટ્રીય કાયદાનું અસ્તિત્વ જ નકારે છે. શક્તિશાળી તંત્ર ધરાવતાં રાજ્યોના પણ ગુના નિર્મૂળ થતા નથી. તે રીતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાયદાનો ભંગ થતો રહે છે. એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય કાયદો એક નિર્બળ કાયદો છે.

ખરેખર તો આંતરરાષ્ટ્રીય કાયદાનો મોટોભાગ યુદ્ધ કે શાંતિ સાથે નિસબત ધરાવતો નથી. આંતરરાજ્ય વ્યવહાર, સાંસ્કૃતિક વિનિમય, પરદેશીઓના હક્કદાવાઓ, શરણસ્થાન, પ્રત્યર્પણ, આંતરરાષ્ટ્રીય ગુનાખોરી, પર્યાવરણ, માનવીય હક્કો, અણુશક્તિનિયમન વગેરે બાબત અનેક સંધિઓ અને સમજૂતીઓ આંતરરાષ્ટ્રીય કાયદાને આધારે થાય છે. તે એક પદ્ધતિ છે અને સંયુક્ત રાષ્ટ્રોના હક્કપત્રક તથા પંચશીલ જેવા સહઅસ્તિત્વના સિદ્ધાંતો મારફતે એક આદર્શ પૂરો પાડે છે. વિશ્વશાંતિની બાબતમાં પણ નાની લડાઈઓ બાદ કરતાં 1945થી આજ સુધી આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે વિશ્વયુદ્ધ ખાળી શકાયું છે.

આંતરરાષ્ટ્રીય કાયદો અને રાજ્યો : આંતરરાષ્ટ્રીય કાયદો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતા બંધનકારક નિયમોનો સંગ્રહ છે. ઉપરાંત તેમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પરસ્પરના સંબંધો, તેમના અને રાજ્યો વચ્ચેના સંબંધો તથા તેમના અને વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચેના સંબંધો બાબતના નિયમો, તથા વ્યક્તિઓ અને રાષ્ટ્રીયત્વહીન પ્રદેશો(non-state entities)નાં હક્કો અને ફરજોને જેટલે અંશે આંતરરાષ્ટ્રીય સમાજ સાથે નિસબત હોય તે પૂરતા નિયમોનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય કાયદાનાં મહત્વનાં ઉદગમસ્થાનો, પુરાણી રૂઢિઓ, સંધિઓ, આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતો તથા પંચોના ચુકાદાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ઠરાવો તથા ન્યાયવિદોના પ્રમાણભૂત ગ્રંથો ગણાય છે. પુરાણસમયમાં ભારત, ઇજિપ્ત વગેરે દેશોમાં રાજદૂતોની સુરક્ષિતતા માટેના અને યુદ્ધસંચાલનના નિયમો તથા કેટલીક સંધિઓનું અસ્તિત્વ હતું. મધ્યયુગમાં ગ્રીસનાં નગરરાજ્યો તથા રોમન સામ્રાજ્યે આ કાયદાનો વિકાસ કર્યો. વાહનવ્યવહાર વધવાથી વીસમી સદીમાં તેનો ઝડપી વિકાસ થયો.

સાર્વભૌમ રાજ્યો આંતરરાષ્ટ્રીય કાયદો કેટલે અંશે પાળવા બંધાયેલાં છે તે બાબતમાં ન્યાયવિદોમાં મતભેદ છે. ઑસ્ટિનના મતે આંતરરાષ્ટ્રીય કાયદો સાચો કાયદો જ નથી, પણ નૈતિક દબાણવાળા વ્યવહાર કે સૌજન્યના નિયમોની એક સંહિતા માત્ર છે. સંત એક્વાયનસ આદિ ‘પ્રકૃતિના કાયદા’(Law of Nature)ના પુરસ્કર્તાઓને મતે પ્રકૃતિનો કાયદો એ પ્રકૃતિએ માનવબુદ્ધિને આદેશેલા નિયમોનો સમૂહ છે, જેમાં આંતરરાષ્ટ્રીય કાયદા સહિત તમામ કાયદાઓનો સમાવેશ થતો હોઈ તે પાળવા રાજ્યો તેમજ વ્યક્તિઓ બંધાયેલ છે. બિન્કરશોએક, આન્ઝિલોટ્ટી વગેરે પ્રત્યક્ષવાદીઓ(positivists)ના મતે આંતરરાષ્ટ્રીય કાયદો રાજ્યની ઇચ્છામાંથી ઉદભવેલો હોઈ તે આંતરરાજ્ય સંબંધોના સંદર્ભમાં રાજ્યોએ પોતાના સાર્વભૌમત્વમાં કરારથી કે અન્ય રીતે સ્વેચ્છાએ કાપ મૂકીને સ્વીકારેલા નિયમોનો સમૂહ છે અને તેથી તે રાજ્યોને સ્વીકાર્ય બને છે.

આંતરરાષ્ટ્રીય કાયદો નિર્બળ કાયદો ગણાય છે; કેમ કે, તેના પાલન માટે રાજ્યના કાયદાને હોય છે તેવું સર્વશક્તિમાન દબાણકારક પીઠબળ નથી હોતું. તેના પાલનની ખાતરી માટે આંતરરાષ્ટ્રીય અભિપ્રાય કે યુદ્ધના ભયથી વધુ અસરકારક કોઈ તંત્ર નથી. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિએ 195૦માં કોરિયામાં અને 196૦માં કાગોમાં ગેરકાયદેસર આક્રમણ વિરુદ્ધ લશ્કરી પગલાં લીધાં હતાં. આવાં પગલાં માટે કોઈ કાયમી આંતરરાષ્ટ્રીય પોલીસદળ નથી. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ દક્ષિણ આફ્રિકાનો નામિબિયા પરનો શાસનાધિકાર (mandate) 1966માં રદ કરવાનો ઠરાવ કર્યો. સલામતી સમિતિએ 1969માં દક્ષિણ આફ્રિકાને નામિબિયામાંથી પોતાનો વહીવટ પાછો ખેંચી લેવાનું એલાન કર્યું. 197૦માં તેનો કબજો ગેરકાયદેસરનો હોવાનું જાહેર કર્યું. 1971માં આંતરરાષ્ટ્રીય ન્યાયઅદાલતે તે નિર્ણયને મહોર મારી. 1963થી સલામતી સમિતિએ દક્ષિણ આફ્રિકાના આર્થિક બહિષ્કારનો ઠરાવ કર્યો છે છતાં રંગદ્વેષની નીતિમાં ફરક પડ્યો નહોતો.

આંતરરાષ્ટ્રીય કાયદાના પાલન માટે રાજ્યોનો અભિગમ પણ એક નથી. બ્રિટન અને અમેરિકા રૂઢિગત આંતરરાષ્ટ્રીય કાયદાને રાજ્યના કાયદાનો એક ભાગ માને છે અને રાજ્યના કાયદાનું અર્થઘટન આંતરરાષ્ટ્રીય કાયદા સાથે ઘર્ષણ ન થાય તે રીતે કરે છે; પણ જ્યાં રાજ્યનો કાયદો સ્પષ્ટ રીતે આંતરરાષ્ટ્રીય કાયદાથી ભિન્ન હોય ત્યાં રાજ્યના કાયદાને પ્રાધાન્ય અપાય છે. રૂઢિગત ન હોય તેવા સંધિ વગેરેના નિયમોને કેટલાક દેશો રાજ્યના કાયદામાં રૂપાંતરિત (transform) કર્યા સિવાય બંધનકારક માનતા નથી. પશ્ચિમ જર્મનીએ પોતાના બંધારણના પરિચ્છેદ 25થી આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમોને પોતાના રાજ્યના નિયમો કરતાં અગ્રિમતા આપી છે.

આંતરરાજ્ય ઝઘડાઓના નિરાકરણ માટે હેગની આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતમાં મુકદ્દમો દાખલ કરી શકાય છે, પરંતુ તેની હકૂમત રાજ્યો માટે મરજિયાત છે અને તેના ફેંસલાના અમલીકરણ માટે કોઈ અસરકારક તંત્ર નથી.

આંતરરાષ્ટ્રીય કાયદાના વિષયોમાં રાજ્યો ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સ્વાતંત્ર્યથી વિમુખ રહેલા પ્રદેશો તથા વ્યક્તિઓ પણ આવે છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંઘે કામદારો માટે કરેલા નિયમો તેના સભ્ય દેશોને લાગુ પડે છે. ન્યૂરેમ્બર્ગ મુકદ્દમાઓ(1945–1948)માં માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે યુદ્ધકેદીઓને સજા થઈ હતી. ચાંચિયાઓ તથા વિમાનના અપહરણકર્તાઓને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કોઈ પણ દેશ સજા કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્રોએ 1948ના માનવીય અધિકારોના ઘોષણાપત્રથી, તેમજ માનવહકોના યુરોપિયન પંચે તથા અદાલતે (1959) માનવહકો તથા મૂળભૂત અધિકારોને માન્યતા આપી છે.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી