આંતરરાષ્ટ્રીય અપરાધો

January, 2002

આંતરરાષ્ટ્રીય અપરાધો : જગતનાં તમામ રાષ્ટ્રોની કે માનવજાતની વિરુદ્ધના અપરાધો. ‘રક્ષણાત્મક’ સિદ્ધાંત મુજબ દરેક રાષ્ટ્રને પોતાની સલામતી વિરુદ્ધના પરદેશીએ કરેલા ગુના બાબતમાં ફોજદારી હકૂમત હોય છે. સાર્વત્રિક સિદ્ધાંત મુજબ માનવજાત વિરુદ્ધના ગુનેગારોને પકડવા તેમજ સજા કરવાનો દરેક રાજ્યને અધિકાર છે.

માનવજાત વિરુદ્ધનો પ્રથમ પંક્તિનો અપરાધ ‘આક્રમક યુદ્ધ’ છે. 1928ના ‘કેલોગ-બીઆન્ડ કરાર’થી રાજ્યોએ યુદ્ધનો ત્યાગ કર્યો છે, તેમજ તેને ગેરકાયદેસર જાહેર કર્યું છે. 1946માં ન્યૂરેમ્બર્ગ અને 1948માં ટોકિયોમાં આંતરરાષ્ટ્રીય લશ્કરી પંચે ક્રમશ: જર્મન તથા જાપાની યુદ્ધખોરોને યુદ્ધનિયમોના ભંગના અપરાધો (શાંતિ અને માનવતા વિરુદ્ધના વર્તન) માટે સજા કરી હતી. પોતાનાં કૃત્યોની ગેરકાયદેસરતાની તેમને જાણ હોય જ એવા કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુલક્ષીને ઉપરીઓના હુકમપાલનનો તેમનો બચાવ અમાન્ય ગણાયો હતો.

ગુલામોનો વેપાર તથા ચાંચિયાગીરી આંતરરાષ્ટ્રીય હકૂમતમાં આવે છે. ચાંચિયો માનવજાતનો દુશ્મન હોઈ તેને દરેક રાજ્ય સજા કરી શકે. 1958ના ‘ખુલ્લા દરિયા’ના જિનીવા સંધિનામાથી કોઈ પણ વહાણ કે વિમાન પરનાં ગેરકાયદેસર, હિંસક, અટકાયતનાં કે લૂંટફાટનાં કૃત્યો કે તેમાં ભાગીદારી, પ્રયત્નો કે ઉશ્કેરણી ચાંચિયાગીરી કહેવાય છે.

સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાનાં 1948ના જેનોસાઇડ સંધિનામા મુજબ રાષ્ટ્રીય, નૃવંશીય, જાતીય કે ધાર્મિક સમૂહહત્યાનાં ઇરાદાપૂર્વકનાં કૃત્યો, કાવતરાં, ઉશ્કેરણી કે પ્રયત્નો માટે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતો સજા કરી શકે. 1962માં જર્મનીમાંના યહૂદીઓના નિકંદનના ગુના માટે નાઝી અધિકારી ઍડૉલ્ફ આઇકમૅનને આર્જેન્ટિનામાંથી પકડીને ઇઝરાયલે 1962માં મૃત્યુદંડ આપ્યો હતો.

1929ના બનાવટી ચલણ પ્રતિબંધના જિનીવા સંધિનામાથી બનાવટી ચલણની હેરફેરને તથા 1936ના નશીલાં દ્રવ્યોની હેરફેરના દમનના સંધિનામાથી અને 1961ના માદક દ્રવ્યોના જિનીવા સંધિનામાથી નશીલાં દ્રવ્યોની હેરફેરને આંતરરાષ્ટ્રીય અપરાધો ગણ્યા છે. આ બાબતમાં સંયુક્ત રાષ્ટ્રોની ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ કાઉન્સિલને કે ઇન્ટરનેશનલ નાકૉર્ટિક કંટ્રોલ બોર્ડને ફરિયાદ થઈ શકે છે. આવા ગુનાઓ પકડવા ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઑર્ગેનાઇઝેશન(Interpol)ની મદદ પણ લેવાય છે.

1963ના ટોકિયો સંધિનામાથી વિમાનની સલામતીને ભયકારક ગુનાઓ માટે સજા અનિવાર્ય ગણાઈ. 197૦ના હેગ સંધિનામાથી વિમાનના અપહરણની વ્યાખ્યા ઊડતા વિમાનનો બળ કે ધમકીથી કાબૂ મેળવવો, વાપરવું કે તે માટેનો પ્રયત્ન કરવો વગેરેનો સમાવેશ થયો છે અને તે માટેની સજાની ભલામણ પણ થઈ છે.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી