અહેમદિયા ચળવળ

January, 2001

અહેમદિયા ચળવળ : ભારતમાં થયેલી ઇસ્લામી સુધારાવાદી ચળવળ. ઓગણીસમી સદીની ધાર્મિક ચળવળો પછી રૂઢિગત ધાર્મિક માન્યતાઓના પ્રતિકાર રૂપે સુધારાઓ માટે શરૂ થયેલી બ્રાહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજ જેવી જ અહેમદિયા ચળવળ પણ હતી. 1837માં ગુરદાસપુર જિલ્લાના કાદિઆનના નાના ગામમાં મીરઝા ગુલામ અહમદનો જન્મ થયો હતો અને તેણે પંજાબમાં અહમદિસ કે કદિઆનિસ નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. મીરઝા ગુલામ અહમદ ધર્મશાસ્ત્રો, અરબી અને ફારસી ભાષાનો સારો જાણકાર અને જુસ્સાદાર વક્તા હોવાથી હકીકતમાં તો સર સૈયદ અહમદખાન અને મૌલવી ચિરાગઅલી જેવા બૌદ્ધિકોની અસર નીચે આવ્યો હતો. તેની ઇચ્છા ઇસ્લામમાં સુધારો કરવાની તેમજ ખ્રિસ્તી ધર્મપ્રચારકોના આક્રમણનો તર્કબદ્ધ રીતે સામનો કરવાની હતી તેમાંય ખાસ કરીને સ્કૉટિશ દેવળ અને આર્યસમાજીઓથી ઇસ્લામને બચાવવાનો તેનો આશય હતો. આ માટે 188૦માં તેણે ‘બરાહીનિ – અહેમદિયા’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. 1891માં તેણે પોતાને પયગંબર, મેહદી અને મેસ્સિઆહ તરીકે ઓળખાવવા માંડ્યો તેમજ પોતાને કૃષ્ણનો અવતાર પણ કહ્યો. મુસ્લિમોની માન્યતા એ હતી કે હજરત મુહમ્મદ તેમના છેલ્લા પયગંબર હતા અને તેથી જ કોઈ પોતાને પયગંબર તરીકે ઓળખાવે તેને તેઓ ધુતારો અને ઢોંગી ગણતા. આમ છતાં, અહમદને ઘણા અનુયાયીઓ મળ્યા. 1892માં કદિઆનમાંથી એક અંગ્રેજી સામયિક ‘રિવ્યૂ ઑવ્ રિલિજિયન્સ’માં તેણે લેખો લખ્યા. તેનું અવસાન 1908માં લાહોરમાં થયું અને કદિઆનમાં તેને દફનાવવામાં આવ્યો. કદિઆનો મહદંશે સનાતની હનફી સંપ્રદાયને મળતા આવતા હતા, છતાં પોતાના સંપ્રદાયને અલાયદા સાંપ્રદાયિક જૂથ તરીકે ગણતા હતા. તેના અનુયાયીઓએ ભારત અને ભારત બહાર પોતાના સંપ્રદાયનો સારો પ્રચાર કર્યો છે.

Mirza Ghulam Ahmad

મિર્ઝા ગુલામ અહમદ

સૌ. "Mirza Ghulam Ahmad" | CC BY-SA 4.0

યતીન્દ્ર  દીક્ષિત