અહમ્ : ‘હું’, ‘મારું’, ‘મને’ વગેરે જેવા સ્વ-વાચક શબ્દોથી સૂચવાતો ખ્યાલ. દરેક વ્યક્તિને પોતાના અસ્તિત્વની પ્રતીતિ હોય છે. ‘હું અસ્તિત્વમાં નથી’ એવું કોઈ વ્યક્તિ પોતાને વિશે કહી શકતી નથી. હું (I) શબ્દનો રોજિંદા વ્યવહારમાં સર્વલોકપ્રસિદ્ધ અર્થ હોય છે. દરેક વ્યક્તિ પોતાને પોતાના નામથી ઓળખે છે અને કેવળ પોતાને માટે જ ‘હું’ એવો શબ્દપ્રયોગ કરે છે. ‘અહમ્’ શબ્દનો અર્થ ઘણી વાર ‘પોતાના વિશેનું અભિમાન’ એવો સામાન્ય વ્યવહારમાં કરવામાં આવે છે; પણ અહીં તે માન્ય નથી.  આવા સ્વવાચક શબ્દો પ્રયોજીને વ્યક્તિ પોતાને વિશેના ઉલ્લેખો કરી શકે છે; એટલું જ નહિ, પણ અન્યથી અત્યંત વિલક્ષણ એવી અનન્ય સ્વઓળખ પણ સ્વવાચક ભાષાવ્યવહાર દ્વારા તે સ્ફુટ કરી શકે છે. દરેક વ્યક્તિ પોતાના અનુભવો વિશે સભાન થઈ શકે છે. તે જ રીતે દરેક વ્યક્તિ પોતાનાં કાર્યો અને તેનાં સંભાવિત પરિણામો વિશે સભાન થઈ શકે છે. આ પ્રકારના સ્વભાનતા વિકસાવવામાં સ્વવાચક ભાષાવ્યવહારનું ઘણું પ્રદાન હોય છે.

સર્વસામાન્ય સમજણ(common sense)ની કક્ષાએ અહમ્ કે સ્વ (self) વિશે જે ખ્યાલો પ્રવર્તતા હોય છે તે અંગે તત્વચિંતકોએ વધુ ઊંડી વિચારણા કરી છે. તેમાં કંઈક આ પ્રકારના પ્રશ્નો ઉદભવ્યા છે : ‘હું કોણ છું ?’ ‘શું હું કેવળ શરીરસ્વરૂપ છું ?’ ‘હું કેવળ ચૈતન્ય-સ્વરૂપ છું ?’ શું એમ કહી શકાય કે શરીર, મન, બુદ્ધિ, અહંકાર, વગેરેથી તદ્દન ભિન્ન એવું શુદ્ધ સાક્ષીતત્વ એ જ અહમ્ કે સ્વતત્વ છે ?

આવા પ્રશ્નોના તત્વજ્ઞાનમાં વિવિધ ઉત્તરો મળ્યા છે તેમાંથી આધુનિક પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં આ પ્રશ્નો અંગે જે વિચારણા થઈ છે તેમાંથી કેટલાક મુદ્દાઓનો અહીં ઉલ્લેખ કર્યો છે.

ડેકાર્ટ : આધુનિક ફ્રેન્ચ તત્ત્વચિંતક ડેકાર્ટ(1594-165૦)ના મત પ્રમાણે મન અને શરીર એકબીજાથી અત્યંત ભિન્ન એવાં દ્રવ્યો (substances) છે. મન એ અભૌતિક અને શરીર એ ભૌતિક દ્રવ્ય છે. આ ઉપરાંત, ડેકાર્ટના મત અનુસાર મનનું સ્વરૂપ (essence) વિચાર છે, જ્યારે શરીરનું સત્વ કે સ્વરૂપ વિસ્તાર (extension) છે. અહમ્ મનસ્વરૂપ છે તેથી તે અભૌતિક અને અશરીરી તત્વ છે. શરીરબદ્ધ હોવું તે અહમનું સ્વરૂપગત લક્ષણ નથી પણ આકસ્મિક (contingent) લક્ષણ છે. આમ ‘હું કોણ છું ?’ – એ પ્રશ્નનો ડેકાર્ટનો જવાબ એ છે કે ‘હું વિચાર કરનાર વસ્તુ છું.’

હ્યુમ : ડેકાર્ટના આ મતનો ડેવિડ હ્યુમે (1711-1776) અસ્વીકાર કર્યો. બાહ્ય ભૌતિક ક્ષેત્રે કે આંતરિક માનસિક ક્ષેત્રે હ્યુમે સ્થાયી દ્રવ્ય કે અધિષ્ઠાનનો વિચાર સ્વીકાર્યો જ નથી. હ્યુમ પ્રમાણે ‘હું ભૌતિક વસ્તુ નથી’ માટે ‘હું વિચાર કરનાર અશરીરી વસ્તુ છું’ તેવું કહેવાય તેમ નથી, કારણ કે ‘હું’ શબ્દથી કોઈ માનસિક કે શારીરિક દ્રવ્ય કે વસ્તુ જ સૂચવાતી નથી. હ્યુમ દ્રવ્યશૂન્યતાવાદી છે અને એ અર્થમાં અનાત્મવાદી છે. ‘સેલ્ફ’ કે ‘ઈગો’નો સ્થાયી આશ્રયરૂપ દ્રવ્ય તરીકે કોઈને પ્રત્યક્ષાનુભવ થતો નથી. વ્યક્તિ પોતાનું અંતર્નિરીક્ષણ કરે ત્યારે તે પોતાના જુદા જુદા અનુભવોથી જ સભાન થાય છે. સામાન્ય રીતે જેને સ્થિર અહમ્ ગણવામાં આવે છે તે પ્રત્યક્ષાનુભવોનું એક પોટલું (bundle of perceptions) જ છે.

કાન્ટ : હ્યુમથી પ્રભાવિત થયેલા હોવા છતાં, ડેકાર્ટ અને હ્યુમથી તદ્દન જુદો જ વિકલ્પ રજૂ કરનારા જર્મન ચિંતક કાન્ટે (1724-1808) પ્રતિભાસરૂપ જગત અને મૂળવસ્તુરૂપ જગત વચ્ચેનો ભેદ દર્શાવીને સ્પષ્ટ કર્યું કે મનુષ્યનું તમામ જ્ઞાન કેવળ પ્રતિભાસરૂપ જગત અંગેનું જ હોય છે, મૂળ વસ્તુઓ(things-in-themselves)નું નહિ. કાન્ટના મત પ્રમાણે દેશ અને કાળ એ સંવેદનશક્તિનાં શુદ્ધ રૂપો છે અને દ્રવ્ય, કાર્યકારણ આદિ સમજશક્તિનાં વિચારરૂપો છે. જો કોઈ જ્ઞાન-સામગ્રી તે રૂપોના માધ્યમથી સંયોજિત થઈ શકે તો જ જ્ઞાન શક્ય બને છે. સંવેદનશક્તિનાં અને સમજશક્તિનાં પ્રાગાનુભવિક (a-priori) રૂપો દ્વારા સંગઠિત થયેલી ઇન્દ્રિયપ્રત્યક્ષની સામગ્રીથી જે જ્ઞાન મળે છે તે વસ્તુલક્ષી અને સર્વદેશીય હોય છે પણ તેવું જ્ઞાન કેવળ પ્રતિભાસમાન જગતનું જ હોય છે, મૂળ વસ્તુઓનું નહિ. કાન્ટે જ્ઞાનને શક્ય બનાવતી મૂળ બાબતોનો અભ્યાસ રજૂ કર્યો હતો એટલે તેમનો અભિગમ મૂળગામી (transcendental) હતો. કોઈ પણ અનુભવને શક્ય બનાવનારી અને છતાં અનુભવ ઉપર આશ્રિત ન હોય તેવી શરતોનો અભ્યાસ કરવાના આ મૂળગામી અભિગમથી કાન્ટને જણાયું છે કે અહમને કે સ્વને દ્રવ્ય કે ઉપાદાન તરીકે ન ઘટાવાય, પરંતુ એટલું તો સ્વીકારવું જ પડશે કે કોઈ પણ અનુભવોને ‘મારા અનુભવો’ તરીકે ઘટાવવા માટે તે મારી એક જ ચેતનામાં સળંગ રૂપે સંયોજિત થઈ શકતા હોવા જોઈએ. જો તેવું ન હોય તો કોઈ પણ અનુભવોને ‘મારા અનુભવો’ તરીકે કઈ રીતે ઘટાવી શકાય ? કોઈ અનુભવો મારી ચેતનામાં સંયોજિત થયા છે તેમ કહેવાનો અર્થ એટલો જ કે તે અનુભવો મારા સ્વભાનના વિષયો બની શકે છે એટલે કે ‘હું વિચારું છું’ તેવું ભાન મારા તમામ અનુભવો સાથે સંલગ્ન થઈ શકે છે. મારા કોઈ પણ અનુભવ વિશે હું સભાન બની શકું છું તે શક્યતા જ કાન્ટને માટે અગત્યની છે. કાન્ટ એ પણ કહે છે કે આવું સ્વભાન વ્યક્તિ માટે પોતાનાથી અન્ય વિષયો(not-self)ના ભાન વગર શક્ય નથી. ટૂંકમાં, કાન્ટના મત પ્રમાણે કોઈ એક વ્યક્તિની ચેતનામાં અનુભવો એકીભૂત થાય છે અને સ્વભાનની કાયમી શક્યતા તે અનુભવોને એકીભૂત કરવા માટે અનિવાર્ય છે અને આવું સ્વભાન પોતાનાથી અન્ય વસ્તુના ભાન વગર શક્ય નથી. અલબત્ત, મૂળગામી સ્વભાનની કાયમી શક્યતા સ્વીકારનાર કાન્ટ એવું દર્શાવવા માગતા નથી કે તેવી શક્યતાને લીધે આપણને સ્વતત્વ કે અહમનું તેનાં મૂળ સ્વરૂપમાં આશ્રયરૂપ દ્રવ્ય તરીકે પ્રત્યક્ષજ્ઞાન થાય છે. સ્વતત્વ કે બાહ્ય પદાર્થ તેના મૂળ સ્વરૂપમાં જ્ઞેય જ નથી તે કાન્ટનો મુખ્ય સિદ્ધાન્ત છે.

કાન્ટ જોકે એમ કબૂલે છે કે સૈદ્ધાન્તિક ક્ષેત્રે મનુષ્યો ઈશ્વર, આત્માની અમરતા કે મનુષ્યનું સંકલ્પસ્વાતંત્ર્ય સ્થાપી શકતા નથી, પણ વ્યાવહારિક તર્કના ક્ષેત્રે નૈતિક બાબતો માટે મનુષ્યોને આ ત્રણેયને ગૃહીત તત્વો (postulates) તરીકે સ્વીકારવાં જ પડે છે. કાન્ટ સમક્ષ પ્રશ્ન એ જ હતો કે ભૌતિક વિજ્ઞાનોના સંદર્ભમાં મનુષ્યનો એક પ્રાકૃતિક પદાર્થ તરીકે વિચાર કરીએ તો મનુષ્ય દેશ-કાળ અને કાર્યકારણનિયમને અધીન છે તે સ્વીકારવું પડે અને તેવું સ્વીકારવાથી નૈતિક ક્ષેત્રે મનુષ્યને વિકલ્પો વચ્ચેની પસંદગીનું સંકલ્પસ્વાતંત્ર્ય છે તે વિધાન સ્વીકારવામાં આપત્તિ આવે છે. આ સમસ્યાના સમાધાન માટે કાન્ટે દર્શાવ્યું કે ભૌતિક પ્રાકૃતિક પદાર્થ તરીકે મનુષ્ય અવશ્ય યાંત્રિક કાર્યકારણનિયમને અધીન છે, પણ મનુષ્યનું એક સ્વરૂપ આવા નિયમથી મુક્ત છે તેવું પણ માનવું પડે છે. એટલે કે મનુષ્ય પ્રતિભાસરૂપ જગતના ભાગ તરીકે કાર્યકારણ નિયમને અધીન છે તેવું સ્વીકારવું પડે અને પારમાર્થિક દૃષ્ટિએ મૂળ-વસ્તુરૂપ જગતના ભાગ તરીકે તેને સંકલ્પસ્વાતંત્ર્ય છે તેમ પણ માનવું પડે છે. કાન્ટ મનુષ્યનું આ રીતે બેવડું સ્વરૂપ કલ્પે છે, કારણ કે તેમ કર્યા વગર ભૌતિકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે સંગતિ સ્થપાતી નથી.

ફિખ્ટે : ફિખ્ટે (Fichte) (1762-1814), શેલિંગ (1775-1854) અને હેગેલ (1770-1831) – એ ત્રણ જર્મન ચિંતકોએ હંમેશાં અજ્ઞેય એવી મૂળવસ્તુઓનો કાન્ટનો વિચાર સ્વીકાર્યો નહિ. ફિખ્ટે કહે છે કે અહમ્ કે સ્વની સ્વયંસ્ફૂર્ત પ્રવૃત્તિને તમામ અનુભવના આધારરૂપ ગણવી જોઈએ. અહમ્ તરીકેની પોતાની આવી પ્રવૃત્તિથી દરેક વ્યક્તિ સભાન હોય છે. ફિખ્ટેએ સ્પષ્ટ કર્યું કે પોતાના અહમથી ઇતર એવા અન્ય જનના અહમનો સંદર્ભ વ્યક્તિની પોતાની સ્વસભાનતા માટે જરૂરી છે. સ્વસભાનતા, ફિખ્ટેના મત મુજબ, આંતરવૈયક્તિક સંબંધોમાં સિદ્ધ થાય છે. ફિખ્ટેના આ વિચારનો હેગેલ દ્વારા કાર્લ માક્ર્સ અને સાર્ત્ર ઉપર પણ પ્રભાવ પડ્યો હતો.

હુસેર્લ : વીસમી સદીના પ્રારંભમાં પ્રતિભાસવિચાર (phenomenology) દ્વારા તત્વજ્ઞાનમાં આગવું યોગદાન કરનારા જર્મન ચિંતક હુસેર્લે (1858-1938) કાન્ટનો પ્રતિભાસ્વરૂપ જગત અને મૂળવસ્તુરૂપ જગત અંગેનો દ્વિકોટિક વિચાર સ્વીકાર્યો નથી તેમજ મન અને શરીરને બે તદ્દન ભિન્ન દ્રવ્યો ગણવાનો ડેકાર્ટનો મત પણ સ્વીકાર્યો નથી. હુસેર્લ પ્રમાણે વ્યક્તિ તો એક જ છે, મન અને શરીર એ બે તેના અવલંબી અંશો (moments) છે. ડેકાર્ટ પ્રમાણે વિચાર અને વિસ્તાર એવા બે અત્યંત ભિન્ન ગુણધર્મો (attributes) તેની તે (same) વ્યક્તિમાં ન હોઈ શકે, માટે તે બે ગુણધર્મોના આશ્રયરૂપ બે અલગ દ્રવ્યો – શરીર અને મન – જુદાં ગણવાં પડે. હુસેર્લને ડેકાર્ટનો આ અભિગમ માન્ય નથી.

હુસેર્લે દ્રવ્યો તરીકે મન અને શરીરનો ભેદ સ્વીકાર્યો નથી, પણ તેમની દૃષ્ટિએ પ્રકૃતિનું સત્વ (essence) અને ચેતનાનું સત્વ એ બે તદ્દન ભિન્ન છે અને આ સત્વો એક જ વ્યક્તિરૂપ દ્રવ્યમાં તેના અવલંબી અંશો તરીકે મૂર્ત થાય છે. પ્રકૃતિનું સત્વ દેશ-કાળમાં પ્રવર્તતા ભૌતિક પદાર્થોમાં અને ચેતનાનું સત્વ વ્યક્તિના અનુભવોમાં મૂર્ત થાય છે. હુર્સેલ તથ્યો (facts), સત્ત્વો (essences) અને અર્થો(meanings)ની પરિભાષા પ્રયોજે છે.

હુસેર્લના મત પ્રમાણે તમામ ચેતના કોઈ ને કોઈ વિષયને લગતી ચેતના હોય છે. કશાકને વિશે હોવું –aboutness – એ ચેતનાનું હાર્દ છે. તેને હુસેર્લ ‘Intentionality’ તરીકે સમજે છે. ‘ઇન્ટેન્શનાલિટી’ એટલે સવિષયકતા. (અહીં ‘ઇન્ટેન્શન’ શબ્દનો હેતુ, પ્રયોજન કે ઇરાદો એવો અર્થ થતો નથી.) વિચારવું, માનવું, કલ્પવું કે યાદ રાખવું  કોઈ પણ માનસિક ક્રિયાનું સ્વરૂપ જ એ છે કે તેના દ્વારા કોઈક વિષય અવશ્ય નિર્દેશાયો હોય છે. પ્રારંભમાં હુસેર્લ એમ માનતા હતા કે અનુભવોનો પ્રવાહ એ જ ચેતના, પરંતુ પાછળથી હુસેર્લે સ્પષ્ટ કર્યું કે સવિષયકતારૂપ (intentional) અનુભવોનો કોઈ આશ્રય કે તેનું કોઈ અધિષ્ઠાન હોય છે અને હુસેર્લે તેનો અહમ્ તરીકે વિચાર કર્યો. હુસેર્લ પ્રમાણે હું કશુંક અનુભવું છું, એ અનુભવોથી હું સભાન પણ બની શકું છું. એ અનુભવોને કોઈક સામગ્રી (content) પણ હોય છે અને એ સામગ્રી કે સંભાર દ્વારા હું વિષય (object) પ્રત્યે અભિમુખ બનું છું. વિષયાભિમુખતા કે સવિષયકતા આ રીતે ચેતનાનું હાર્દ કે સ્વરૂપ છે. અનુભવો હંમેશાં કોઈ ને કોઈ અહમના હોય છે. જ્ઞાતા કે વિષયી(subject)નું સત્વ અહમનું જ હોય છે. જ્ઞાતા કે વિષયી(subject)નું સત્વ અહમમાં મૂર્ત થાય છે. દરેક વ્યક્તિનો અહમ્ તેના પોતાના ચેતનાપ્રવાહનું આશ્રયસ્થાન છે. તે જ વ્યક્તિમાં તે જ અહમ્ તેના અભિપ્રાયો, મૂલ્યો, ઇચ્છાઓ અને નિર્ણયોનું આશ્રયસ્થાન છે. આંતરિક કાળપ્રવાહમાં દરેક વ્યક્તિને પોતે તેની તે જ વ્યક્તિ છે તેવું સ્વભાન હોય છે. અહમ્ તેનું મૂળ છે. ડેકાર્ટના મત પ્રમાણે અહમ્ ચેતનાનું સત્વ મૂર્ત કરે છે, પણ પ્રકૃતિનું સત્વ મૂર્ત કરતો નથી. હુસેર્લ કહે છે કે ‘હું’થી સૂચવાતી દરેક વ્યક્તિ શરીરબદ્ધ ચેતના તરીકે પ્રકૃતિ અને ચેતના  બંનેનાં સત્ત્વો મૂર્ત કરે છે. હુસેર્લનો આવો મત હોવાથી તેમણે વ્યક્તિના અનુભવો અને તેના અહમને જુદાં જુદાં સત્વોને મૂર્ત કરનારા વ્યક્તિના અંશો(moments of the individual)ની પરિભાષામાં રામજાવ્યાં છે. હુસેર્લે અનુભવકર્તારૂપ (empirical) અહમ્ અને શુદ્ધ (pure) અહમનો ભેદ દર્શાવ્યો છે.

હુસેર્લના મત પ્રમાણે દરેક વિશેષ અનુભવનો પ્રકૃતિનાં અને ચેતનાનાં એમ બે પ્રકારનાં સત્વો હેઠળ સમાવેશ થાય છે; તેથી અનુભવનું માનસિક અને શારીરિક પાસું એ એક જ ઘટનાનાં બે પાસાંઓ છે. ચેતનાનાં કાર્યો (acts) તરીકે અનુભવો સવિષયકતા(intentionality)નું સ્વરૂપ ધરાવે છે એટલે કે અનુભવો હંમેશાં કોઈક વિષય અંગેના અનુભવો જ હોય છે; પરંતુ તે જ અનુભવો મગજની ઘટના તરીકે તો ભૌતિકશાસ્ત્રની અને જીવવિજ્ઞાનની મદદથી સમજી શકાય છે. હુસેર્લના મતે એક જ ઘટનાનાં આ બે પાસાંઓ તે ઘટનાના અવલંબી અંશો (moments) છે.

તે જ પ્રમાણે પ્રત્યેક મનુષ્યનો પણ પ્રકૃતિનાં અને ચેતનાનાં એમ બે પ્રકારનાં સત્વો હેઠળ સમાવેશ થાય છે. મનુષ્યના શરીરને એક ભૌતિક પદાર્થ તરીકે તેમજ એક જીવંત શરીર તરીકે – એમ બે સ્વરૂપોમાં સમજી શકાય છે અને મનુષ્યના માનસિક સ્વરૂપને ત્રણ પાસાંઓમાં સમજી શકાય છે – આત્મા કે મન (psyche) તરીકે, મનુષ્ય તરીકે અને શુદ્ધ અહમ્ (pure I) તરીકે. હુસેર્લના મતે વ્યક્તિ તરીકે તો મનુષ્ય એક જ વ્યક્તિ છે પણ તેના પાંચ અવલંબી અંશો છે – ભૌતિક પદાર્થ તરીકે માનવશરીર દેશ-કાળમાં છે અને કાર્યકારણ સંબંધને અધીન છે અને તે ભૌતિક પ્રકૃતિનું સત્વ (essence) વ્યક્ત કરે છે. જીવંત શરીર તરીકે મનુષ્ય પ્રાણી-પ્રકૃતિનું સત્વ વ્યક્ત કરે છે અને માનસિક ક્રિયાઓ કરતા જીવંત શરીર તરીકે તે પ્રાણી-પ્રકૃતિના માનસિક સત્વને મૂર્ત કરે છે. સમાજના અન્ય મનુષ્યો સાથે આંતરક્રિયા કરતી વ્યક્તિ તરીકે તે મનુષ્યત્વનું સત્ત્વ મૂર્ત કરે છે અને ચેતના કે ચેતનાના અધિષ્ઠાનરૂપ જ્ઞાતા(subject of consciousness)નું સત્વ તેના શુદ્ધ અહમમાં વ્યક્ત થાય છે. હુસેર્લ એક જ વ્યક્તિનાં પાંચ પાસાં સ્વીકારે છે પણ તેથી કંઈ પાંચ જુદા જુદા અહમ્ હોતા નથી. હુસેર્લ એમ કહેવા માગે છે કે હું (I) એક ભૌતિક શરીર તરીકે, જીવંત શરીર તરીકે, અનુભવકર્તા તરીકે, મનુષ્ય તરીકે, અને શુદ્ધ અહમ્ તરીકે જગતમાં પ્રવર્તે છે અને જુદાં જુદાં સત્ત્વોને તેવી રીતે પોતાનામાં મૂર્ત કરે છે.

હુસેર્લના પ્રતિભાસવિચારથી જર્મન ફિલસૂફ હાઇડેગર અને ફ્રેન્ચ ફિલસૂફ સાર્ત્ર તેમજ માર્લો પોન્તી પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા, છતાં તે દરેકે પોતપોતાની રીતે હુસેર્લના શુદ્ધ અહમના ખ્યાલને પડકારીને શુદ્ધ પ્રતિભાસવિચારને બદલે અસ્તિત્વવાદી પ્રતિભાસવિચાર રજૂ કર્યો. હાઇડેગરે જગતમાં મનુષ્યના હોવાપણાની વિભાવનાને કેન્દ્રમાં મૂકી છે. હાઇડેગરે (1889-1976) જગતવિયોજિત શુદ્ધ સાક્ષી તરીકે મનુષ્યોનો વિચાર કરવાને બદલે જગતની વસ્તુઓ સાથે પોતાનાં વ્યાવહારિક પ્રયોજનોને અનુલક્ષીને કામ પાડનાર જગતસંલગ્ન કર્તા (engaged agent) તરીકે મનુષ્ય અંગેનો વિચાર કેન્દ્રમાં મૂક્યો છે. સાર્ત્રે (1905-198૦) પણ ચેતનાની સવિષયકતા સ્વીકારવા છતાં, હાઇડેગરને અનુસરીને, શુદ્ધ અહમના હુસેર્લના ખ્યાલનો અસ્વીકાર કર્યો છે.

સાર્ત્ર : સાર્ત્રે ચેતના અને અહમ્ બન્નેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. સ્વવિષયક ચેતના જ મૂળભૂત તત્વ છે. ચેતના જ અહમનો આધાર છે, અહમ્ ચેતનાનો આધાર નથી. ચેતનાને માટેના અન્ય વિષયોની જેમ અહમ્ પણ ચેતના માટેનો એક વિષય (object) જ છે. તે ચેતના-નિર્મિત પરિકલ્પિત તત્વ (imagined construct) છે. અહમનું એકત્વ પોતાની તરફ પાછા વળવાની ચેતનાની સ્વવિષયક, સ્વ-સંબંધક (reflexive) ક્રિયાથી જ સરજાય છે. ચેતના મૂળથી જ વિષયસંબદ્ધ હોય છે, સ્વસંબદ્ધ નહિ. વિષય સાથે એકાકાર થયેલી ચેતનામાં ‘હું’નું કે ‘સ્વ’નું કોઈ ભાન પ્રવતતું હોતું નથી. વિષયસ્થાપક ચેતના પોતાને વિશે તે જ સમયે સભાન હોય છે ખરી, પણ પોતાને તે સમયે તે પોતાને માટેના વિષય તરીકે સ્થાપતી નથી. સાર્ત્રના ચિંતનમાં મન-શરીરના ડેકાર્ટ-સ્થાપિત ભેદને બદલે કે પ્રતિભાસરૂપ અને મૂળ વસ્તુરૂપ જગતના કાન્ટ-સ્થાપિત ભેદને બદલે ચેતનરૂપ સત્ અને વસ્તુરૂપ સતનો મૂળભૂત ભેદ મહત્વનો છે.

સાર્ત્રના મત પ્રમાણે પોતાની પ્રવૃત્તિઓ અંગે સભાન થવાની ચેતનાની ક્રિયામાંથી જ અહમ્ સરજાય છે. વિષય અંગેની ચેતના અને તેવી ચેતનાની ચેતના એવો ભેદ સાર્ત્ર પાડે છે. ચેતનાની ચેતનાને તેઓ સ્વવિષયકતા (subjectivity) ગણે છે. ચેતના સહજ રીતે સ્વ-અભિમુખ બનતી હોય છે. આવી સહજ સ્વ-અભિમુખતા(spontaneous reflexivity)ને લીધે જ ચેતના વ્યક્તિરૂપ ચેતના બને છે. ચેતના અનુભવો અને તેના સંસ્કારોને અહમ્ રૂપે એકીભૂત કરે છે. ચેતના અહમને ઘડે છે, તેમાં એકત્વ સ્થાપે છે. ચેતના પોતે અહમસ્વરૂપની હોતી નથી. અહમ્ ચેતનાની અંદર નથી, પણ ચેતનાના વિષય તરીકે તે ચેતનાની બહાર છે. ચેતના પોતાના કોઈ વિષય સાથે કદી એકાકાર થઈ શકે જ નહિ, કારણ કે જેની જેની ચેતના હોય છે તેનાથી તે ચેતના હંમેશાં વિયોજિત જ હોય છે. મારી ચેતનાનો વિષય વૃક્ષ હોય કે અહમ્ હોય, મારી ચેતના તેનાથી હંમેશાં વિયોજિત જ રહેવાની, કારણ કે હું વૃક્ષરૂપ કે અહમરૂપ હોતો નથી. ચેતના અ-વસ્તુરૂપ (no-thing) છે. કાર્યો, ગુણધર્મો અને અવસ્થાઓના સમુચ્ચય રૂપે ચેતના અહમને ઘડે છે. સાર્ત્ર અહમનો નિષેધ કરતા નથી પણ તેનાં, ચેતના દ્વારા સર્જિત સ્વરૂપ ઉપર ભાર મૂકે છે. સ્થિર અધિષ્ઠાનરૂપ અહમ્માંથી મનુષ્યો પોતાનાં વાણી-વિચાર-વર્તનને ફલિત કરીને પોતાનાં સ્વાતંત્ર્ય અને જવાબદારીમાંથી છટકવાની આત્મવંચના કરે છે. સાર્ત્ર અહમને વહેતા ઝરણા નીચે પડેલા છીપલા સાથે તેમજ જુદા જુદા ધ્વનિઓમાંથી ઉદભવતા રાગ (melody) સાથે સરખાવે છે. કાન્ટે કહ્યું હતું કે મારા બધા અનુભવો સાથે ‘હું વિચારું છું’ તેવું સ્વભાન સંલગ્ન થઈ શકે છે. સાર્ત્ર તેનો અર્થ એ કરે છે કે ચેતના હંમેશાં પોતાને વિશે સભાન (reflexive) થઈ શકે છે અને તેવી સ્વ-સભાનતાથી જ અહમ્ સરજાય છે. આવી સ્વ-સભાનતા પૂર્વેની (pre-reflexive) ચેતના કેવળ અન્ય વિષયની સ્થાપક ચેતના જ હોય છે, પોતાને વિષય તરીકે સ્થાપનારી ચેતના હોતી નથી. અંતર્નિરીક્ષણ કરીને ચેતનામાં અહમ્ શોધવાનો પ્રયાસ વ્યર્થ છે, કારણ કે અહમ્ ચેતનાની અંદર નથી, તે ચેતના માટેનો વિષય છે.

સમકાલીન અભિગમો : અસ્તિત્વવાદની જેમ ‘સ્વ’ કે ‘અહમ્’ની વિભાવના નવ્ય-માર્ક્સવાદ, સંરચનાવાદ, મનોવિશ્ર્લેષણ, નારીવાદ, અનુસંરચનાવાદ, અનુઆધુનિકતાવાદ વગેરે અભિગમોમાં છેલ્લાં ત્રીસેક વર્ષમાં નવી નવી રીતે વિચારવામાં આવી રહી છે. ‘જ્ઞાતા’ (subject), ‘કર્તા’ (agent), ‘વ્યક્તિ’ (individual), ‘સ્વ’ (self) અને ‘અહમ્’ (ego)  આ બધા શબ્દો એક જ બાબત સૂચવે છે કે કેમ તે અંગે પણ ઘણો વિવાદ પ્રવર્તે છે. જ્ઞાનના વિષય(object)થી જુદો સમજવા માટે મનુષ્યને ‘જ્ઞાતા’ તરીકે ઓળખવામાં આવે છે અને સમાજના સંદર્ભમાં તેને ‘વ્યક્તિ’ તરીકે સમજવામાં આવે છે. પરંતુ અત્યંત અંગત અને આત્મગત અનુભવોના વ્યક્તિના કેન્દ્ર માટે ‘અહમ્’ શબ્દ પ્રયોજાય છે. અહમ્ અને સ્વ એ શબ્દો લગભગ એકસરખા અર્થમાં પ્રયોજાય છે.

મનોવિશ્લેષણમાં વ્યક્તિના અહમનો અચેતન પરિબળોના સંદર્ભમાં વિચાર કરવામાં આવ્યો છે. માર્ક્સવાદીઓ વર્ગીય વિચારધારાથી નિયત થયેલી વ્યક્તિની સ્વ-ઓળખનો વિચાર કરે છે. નિત્શેથી પ્રભાવિત દેરિદા સ્વનો વિચાર ભાષાના ભેદમૂલક તંત્રના સંદર્ભમાં કરે છે અને નિત્શેથી પ્રભાવિત ફૂકો જ્ઞાન અને સત્તાના તંત્રોના સહિયારા પ્રવર્તનથી વ્યક્તિ પોતાને ‘સ્વ’ (self) તરીકે જુએ છે તે અંગે સામાજિક સંસ્થાઓનો ઇતિહાસ તપાસીને રજૂઆતો કરે છે. ટૂંકમાં, સ્વ કે અહમનો ખ્યાલ વિચારધારા (આલ્થૂસર), ભાષા (દેરિદા), જ્ઞાન અને સત્તાનાં તંત્રો (ફૂકો) કે અચેતન (ઝાક લર્કાં) સાથે જોડીને હવે કરવામાં આવે છે. તેથી યુરોપીય જ્ઞાનપ્રકાશયુગની પરંપરામાં સ્વાયત્ત, સ્વપ્રતિષ્ઠિત, સ્વપ્રકાશક, તર્કનિષ્ઠ અને અનુભવોને સુગ્રથિત કરનાર કેન્દ્ર તરીકે સ્વતત્વનો જે વિચાર પ્રભાવક રહ્યો હતો તે વિચારને સ્થાને હવે વિચારધારા, અચેતન, ઇતિહાસ, ભાષા કે સત્તાથી ઘડાયેલા મનુષ્યના અહમનો વિચાર રજૂ કરવામાં આવી રહેલો છે. તેમાં જ્ઞાતા કે અહમનો નિષેધ નથી, પણ તેને નવા સંદર્ભમાં સમજવામાં આવી રહ્યો છે.

મધુસૂદન બક્ષી