અસુર બાનીપાલ (જ. ઈ. પૂ. 685, એશિરિયા; અ. ઈ. પૂ. 631, ઇરાક) : એસિરિયાના સામ્રાજ્યનો અંતિમ સમ્રાટ. તે મહાન વિજેતા બન્યો હતો. એલમ અને ઇજિપ્ત પર તેણે વિજય મેળવ્યો હતો. પશ્ચિમ એશિયાના સમગ્ર વિસ્તાર પર તેની ધાક પ્રવર્તતી હતી. તે વિદ્યાપ્રેમી અને સાહિત્ય તથા કલાનો ભારે શોખીન હતો. તેણે પાટનગર નિનેવામાં એક મોટું પુસ્તકાલય બંધાવ્યું હતું. એમાં માટીની તખ્તીઓ પર અંકિત થયેલાં  22,૦૦૦ જેટલાં પુસ્તકો હતાં. તેણે અનેક રાજમહેલો તથા દેવળો બંધાવ્યાં હતાં.

પિતા પાસેથી ધનુર્વિદ્યા તેમજ બીજી અનેક વિદ્યાઓ તે શીખ્યો હતો. એસિરિયાના ઇતિહાસમાં તેનો શાસનકાળ સુવર્ણયુગ ગણાતો. તેનું સામ્રાજ્ય સૈન્યશક્તિ પર ટકી રહ્યું હતું. તેના ક્રૂર સૈનિકો જ્યાં જતા ત્યાં મકાનો તોડી નાખતા અને મનુષ્યોની ઘોર હત્યા કરતા. એસિરિયન મૂર્તિઓ અને ચિત્રોમાંથી તેમની અમાનુષિતા તેમજ તેમની પાશવી પ્રવૃત્તિઓનો ખ્યાલ સ્પષ્ટ થાય છે. દા.ત., વાઘ, સિંહ, ઘોડા, સાંઢ વગેરે જંગલી અને ક્રૂર પ્રાણીઓનાં ચિત્રો અંકિત થયેલાં છે.

Ashurbanipal

સિંહનો શિકાર કરતા અસુર બાનીપાલનું શિલ્પ

સૌ. "Ashurbanipal" | CC BY-SA 2.0

તે દુશ્મનોને જીવતા જલાવી દેતો. ઘણી વાર તેમના દેહના ટુકડા કરી નાખતો. તેની ખૂબ ધાક હોવાથી ભટકતી જાતિઓ તેના અંકુશમાં રહેતી. આ નીડર સમ્રાટ ખંજર કે ભાલો લઈ સિંહ સામે લડાઈમાં ઊતરતો. સ્ત્રીઓ અને બાળકનો પણ તે ક્રૂર રીતે વધ કરાવતો. જીવતા લોકોનાં ચામડાં ઉતારી લેવાતાં. તેમની સંપત્તિ લૂંટી લેવાતી. સૈનિકો અને રાજાને આવાં ક્રૂર કૃત્યો માટે સહેજ પણ દુ:ખ કે પશ્ર્ચાત્તાપ થતાં નહિ.

અસુર બાનીપાલ ઈ. પૂ. 626માં અવસાન પામ્યો. તેના અવસાન પછી એસિરિયન સામ્રાજ્ય મૃતપ્રાય: બની ગયું.

મંગુભાઈ રા. પટેલ