અસુર, અસુરો : અસુરનો અર્થ છે પ્રાણવાન, વીર્યવાન, પરાક્રમી, મેધાવી. દિતિના વારસો દૈત્ય અને દનુના વારસો દાનવ. નગર, દેવ, જાતિ, સંસ્કૃતિના સંદર્ભમાં વિવિધ દૃષ્ટિએ પ્રયોજાતો આ શબ્દ છે. પૂર્વકાલીન ઈરાનની સંસ્કૃતિનું નગર; આ નામના દેવો; પૂર્વકાલીન ઈરાનના અહુરમઝ્દના અનુયાયી; પૂર્વકાલીન સુમેર અને એસિરિયાના લોકો; બિહારના રાંચી જિલ્લાનાં જંગલોમાં રહેતી આદિવાસી જાતિ.

ઋગ્વેદકાલમાં ‘અસુર’ શબ્દનો અર્થ ‘પરમ આત્મા’, ‘ઈશ્વર’, ‘દેવ’, ‘દિવ્યાત્મા’ એ પ્રકારનો થતો હતો. એ ઇંદ્ર, અગ્નિ અને વરુણના વિશેષણ તરીકે પણ વપરાતો. પછીથી એનો અર્થ ‘દેવોનો શત્રુ’, ‘દાનવ’ થઈને ‘દાનવ’ ‘દૈત્ય’ એ અર્થમાં રૂઢ થઈ ગયો. ‘રાક્ષસ’ એ જુદો જ વર્ગ છે. પાણિનિનાં ઉણાદિ સૂત્રોમાં અસુ + ર (અસુ = પ્રાણ, ર = રક્ષક) એ રીતે ‘પ્રાણરક્ષક’ના અર્થમાં સૂચવાયો છે, જે એના પ્રાચીન અર્થને સાચવે છે. પછીથી અ + સુર ‘સુર’  ‘દેવ’ નહિ તે એવી રીતે વ્યુત્પન્ન કરાયો છે. ‘દેવાસુરસંગ્રામ’માં આ અર્થ વ્યાપક બન્યો છે. પુરાણોમાં એ ‘દાનવ’ના પર્યાય તરીકે જાણીતો છે.

દિતિના વારસો દૈત્ય અને દનુના વારસો દાનવ બંને માટે અસુર સંજ્ઞા પ્રયોજાય છે. આમ તો દેવ અને અસુર બંને પ્રજાપતિના પુત્રો. દિવસે જન્મેલા તે દેવો અને રાત્રે જન્મેલા તે અસુરો. ઐતરેય અને શતપથ બ્રાહ્મણોમાં અસુરોની ઉત્પત્તિની કથા છે.

હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ તેમ દુર્ગાસપ્તશતીમાં અને ભાગવત દશમસ્કંધ વગેરેમાં આવતા કંસપક્ષીયને ‘અસુરો’ કહ્યા છે. તો ઉષાના પિતા બાણને પણ ‘અસુર’ કહ્યો છે. પારસીઓના ઇષ્ટદેવ ‘અહુરમઝ્દ’ એ શબ્દમાં ‘અસુર’નું ઈરાની ઉચ્ચારણ અહુર છે. જેવું કે સપ્તનું હપ્ત, સોમનું હોમ. જરથુષ્ટ્રીઓ અહુર ઉત્તમ દેવવાચક અર્થમાં પ્રયોજતા હતા અને દેવને શયતાનના અર્થમાં. પૃથ્વી ઉપરના દેશોમાં પાંચ પ્રજા વિકસી આવી છે. તેઓમાંની ગોરી પ્રજા – white race – તે ‘કૉકેસૉઇડ’, પીળી પ્રજા (yellow race) તે ‘મૉંગોલોઇડ’, શામળી પ્રજા તે ‘ઓસ્ત્રાલોઇડ’ અને આફ્રિકામાં ‘કેપ્પૉઇડ’ અને ‘કોંગૉઇડ’. આમાંની પહેલી ત્રણ પ્રજાઓનો વિકાસ મુખ્યત્વે એશિયામાં થયો છે. તે અનુક્રમે ‘ચંદ્રવંશીય’ ‘અને ‘દાનવ’. વૈદિક પ્રજામાં આ ત્રણે પ્રજાઓનું સંમિશ્રણ થઈ ચૂક્યું હતું. ‘અસુર’ શબ્દ પહેલા બે વંશોનો વાચક હતો. તે કાલક્રમે ત્રીજા વંશનો વાચક બન્યો ને તેથી હીન અર્થમાં વ્યાપક બન્યો. બૃહદારણ્યક ઉપનિષદમાં દેવો અને અસુરોને પરસ્પર સ્પર્ધા કરતા બતાવ્યા છે.

શાંખાયન અને આશ્વલાયન શ્રૌતસૂત્રોમાં ‘અસુરવિદ્યા’ શબ્દ પ્રયોજાયો છે તે ‘માયા’ – ‘જાદુ’ના અર્થમાં વપરાયો છે, જે બતાવે છે કે સૂત્રકાલમાં તે હીન અર્થમાં રૂઢ થયો હતો. ભગવદગીતામાં ‘આસુરી’ સંપત્તિ આ હીન અર્થમાં છે. અસુરો પુરાણોમાં અનેક પ્રકારની માયા કરતા નિરૂપાયા છે.

કે. કા. શાસ્ત્રી

રસેશ જમીનદાર