અસાઇત (ચૌદમી શતાબ્દી) : ગુજરાતના લોકનાટ્ય ભવાઈના સ્થાપક મધ્યકાલીન કવિ. ગુજરાત વિદ્યાસભાના હસ્તપ્રતસંગ્રહમાં એમણે રચેલી ‘હંસાઉલી’ પદ્યવાર્તાની હસ્તપ્રત છે. તેમાંથી એટલું ફલિત થાય છે, કે અસાઇત 1361માં હયાત હતા. એમનો સમય ઈ. સ. 132૦થી 139૦નો માનવામાં આવે છે. એ સમયે ભારત પર તુઘલુક વંશનું શાસન હતું. અસાઇતના જીવન વિશે આમ ક્રમબદ્ધ માહિતી મળતી નથી. જે કંઈ મળે છે, તેમાં કેટલું તથ્ય તથા કેટલી કલ્પના છે, તે કહેવું મુશ્કેલ છે. સિદ્ધપુર પાટણના ઔદીચ્ય બ્રાહ્મણ, ગોત્ર ભારદ્વાજ તથા અટક ઠાકર અને ગાયન-વાદન-નર્તનમાં અત્યંત કુશળ, અને કલાકાર તથા કવિ તરીકે ગુજરાતમાં સુખ્યાત એટલી હકીકત નિશ્ચિત ગણાય છે.

તેમના યજમાન હેમાળા પટેલને ગંગા નામની સુશીલ અને સુંદર પુત્રી હતી. ઊંઝામાં થાણું નાખીને રહેલો મુસ્લિમ સરદાર તેના રૂપથી આકર્ષાયો અને તેને ઉઠાવી ગયો. ગંગાના શિયળની રક્ષા કરવા માટે અસાઇત પેલા સરદાર પાસે ગયા અને પોતાના સંગીતથી એને ખુશ કર્યો. સરદારે એને માગવાનું કહ્યું, ત્યારે ગંગા પોતાની પુત્રી છે, એમ કહી એની મુક્તિની માગણી કરી. સરદારને થોડો વહેમ જતાં એણે અસાઇતને ગંગાની સાથે એક જ થાળીમાં જમવા કહ્યું. અસાઇતે ભરી સભામાં ગંગા જોડે એક જ થાળીમાં ખાધું અને ગંગાને છોડાવી.

આ સમાચારથી સિદ્ધપુરના ઔદીચ્ય બ્રાહ્મણોએ એમને ન્યાતબહાર મૂક્યા, ને એમનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો. તેમનો પરંપરાગત કથાકારનો ધંધો થઈ શક્યો નહિ તેથી અસાઇતે પોતાના ભવાઈના વેશોની રચના કરીને પોતાના ત્રણ પુત્રો સાથે એ વેશ ભજવ્યા. એમણે એવા કુલ 36૦ વેશો રચ્યા હોવાનું કહેવાય છે. પરંતુ આજે તો ફક્ત 5૦-6૦ વેશો ઉપલબ્ધ છે, જેમાંથી એમના લખેલા વેશો ત્રણથી વધુ હોય એવું લાગતું નથી.

એમનો જૂનામાં જૂનો વેશ ‘રામદેવ પીર’નો હોય એમ એની કથનશૈલી, કથાસંકલન તથા સાદી, સરળ ભાષા પરથી લાગે છે. એમાં મનોરંજન દ્વારા લોકોને ઉપદેશ આપવાનો એમનો ઉદ્દેશ સ્પષ્ટ છે. ‘કજોડાંનો વેશ’ની શૈલી પણ કથનપ્રધાન છે અને એ વેશ દ્વારા તત્કાલીન કજોડાના કુરિવાજ પર રોચક રીતે વ્યંગ કર્યો છે. ‘લાલજી મણિયારાનો વેશ’ પણ તેમનો હોય એમ લાગે છે. એ સિવાય બીજા વેશો એમના રચેલા હોય તેમ નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.

એમના આ વેશો દ્વારા, તત્કાલીન ગુજરાતની સામાજિક, ધાર્મિક તથા રાજકીય પરિસ્થિતિ વિશે માહિતી મળે છે.

ગોવર્ધન પંચાલ

ચીનુભાઈ નાયક