અશ્વત્થામા (2) (જ. 17 જૂન 1912; અ. 16 જાન્યુઆરી 1994) : કન્નડ ભાષાના પ્રસિદ્ધ કથાલેખક તથા નાટ્યકાર. મૂળ નામ અશ્વત્થ, નારાયણરાવ. નિવાસ મૈસૂર. ‘સણ્ણકથેગળુ’ નામથી એમના વાર્તાસંગ્રહના ચાર ખંડ પ્રકાશિત થયા છે. એમની વાર્તાઓમાં આધુનિકતાબોધ દૃષ્ટિએ પડે છે. એમની વાર્તાઓની પાર્શ્વભૂમિ કર્ણાટક ઉપરાંત ભારતના અન્ય પ્રદેશોની પટભૂમિ પણ છે. ભિન્ન ભિન્ન પ્રદેશોમાંથી વિવિધ સ્તરનાં પાત્રો તેમણે લીધાં છે, જે એમની વાર્તાઓને ભારતીયતા અર્પે છે. એમણે ‘મુદિયન માદરિ’, ‘મર્યાદે મહલુ’ અને ‘રંગનામકી’ નામક ત્રણ નવલકથાઓ લખી છે. નાટકોની રચના પણ કરી છે, જેમાંનાં ‘ભગુ’ અને ‘બહુમાન’ રંગમંચ પર સફળતાથી ભજવાયાં છે.

એચ. એસ. પાર્વતી