અશ્વત્થામા (3) (1973) : ગુજરાતી એકાંકી. લેખક મધુ રાય. મહાભારતના વિષયવસ્તુવાળું આ એકાંકી ધૃષ્ટદ્યુમ્ન દ્વારા અશ્વત્થામાના પિતા દ્રોણની છળથી હત્યા, ક્રોધી અશ્વત્થામાએ પાંડવપુત્રોની કરેલી વળતી હત્યા અને કૃષ્ણનો અશ્વત્થામા ઉપરનો શાપ નિરૂપે છે.

એકાંકીની શરૂઆત નેપથ્યમાંથી સંભળાતા હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલૂકના અવાજોથી થાય છે. રંગમંચનો અંધકાર એ અવાજોથી જીવંત થઈ ઊઠે છે. એકાંકીનું સંયોજન રેડિયો-રૂપક પ્રકારનું છે. કથાઅંશોનો ક્રમબદ્ધ વિકાસ એમાં નિરૂપાયો નથી; પણ સમગ્ર એકાંકીને એની ભાષા ઉગારી લે છે. લેખકે વાક્છટાઓની વિવિધ રીતિઓનું અહીં સંયોજન કર્યું છે. અશ્વત્થામાના એક સંવાદમાં પ્રશ્નોની ઝડીઓ દ્વારા એણે વાક્છટા ઉપજાવી છે, જોકે અનેક સ્થળે અશ્વત્થામાની ઉક્તિઓ સ્વગતોક્તિ(monologue)ની કક્ષાએથી આગળ વધતી નથી. કૃષ્ણના શાપને વચ્ચે વચ્ચે વારંવાર આવર્તિત કરીને એકાંકીને ઘૂંટવાનો અને એમ ઊર્મિકાવ્ય જેવું બનાવવાનો પણ લેખકનો પ્રયાસ છે. આ એકાંકીની રંગભૂમિ પરની અનેક રજૂઆતો નોંધપાત્ર બની રહી છે.

હસમુખ બારાડી