અશ્વત્થામા (1) : પૌરાણિક પાત્ર. ઋષિ દ્રોણાચાર્ય અને ગૌતમીનો એકનો એક પુત્ર. વિશ્વના સાત ચિરંજીવી પૈકી એક. જન્મતાવેંત એ ઉચ્ચૈ:શ્રવા અશ્વની જેમ જોરથી હણહણ્યો તેથી આકાશવાણીએ એનું નામ પાડ્યું અશ્વત્થામા. મહાદેવ, અંતક, કામ અને ક્રોધના એકઠા અંશથી એનો જન્મ થયેલો મનાય છે.

દ્રોણાચાર્યે એને કૌરવ-પાંડવોની સાથે શસ્ત્રવિદ્યા શિખવાડી. એ દ્રૌપદીસ્વયંવરમાં અને પાંડવોના રાજસૂય યજ્ઞમાં ઉપસ્થિત હતો.

અશ્વત્થામા પાંડવોનો પ્રિય હતો અને પાંડવો અશ્વત્થામાને પ્રિય હતા, તેમ છતાં ‘તમે પાંડવો તરફ પક્ષપાત કરો છો,’ એવા મેણાથી છેડાઈને એણે દુર્યોધનને સણસણતો ઉત્તર આપવા ભારે પરાક્રમ કરી પાંડવોના સૈન્યનો સંહાર કર્યો હતો.

ધૃષ્ટદ્યુમ્ને દ્રોણાચાર્યનો વધ કર્યો, ત્યારે કૌરવસેનામાં ભારે નાસભાગ મચી. આ નાસભાગનું કારણ પૂછતાં દુર્યોધને અશ્વત્થામાને દ્રોણવધના સમાચાર આપ્યા. આ જાણતાં જ અશ્વત્થામાએ ધૃષ્ટદ્યુમ્નનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી. પાંડવસેના ઉપર તીવ્ર આક્રમણ કર્યું. એણે નારાયણાસ્ત્ર જેવું ભયાનક અસ્ત્ર છોડ્યું, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે સૌને નિ:શસ્ત્ર કર્યા, એટલે આ અસ્ત્ર શાંત થયું.

મહાભારત યુદ્ધના અંતે ભીમ સાથેના ગદાયુદ્ધમાં ઘવાઈને દુર્યોધન પડ્યો. ઘવાયેલા દુર્યોધને અશ્વત્થામાનો સેનાપતિપદે અભિષેક કર્યો. તે સમયે એણે પાંડવોનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી.

આ પછી અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા – એ ત્રણ કૌરવ પક્ષના મહારથીઓ નાસીને જંગલમાં ગયા. ત્યાં એક વૃક્ષ નીચે વિશ્રાંતિ માટે સૂઈ રહ્યા. ‘શું કરવું જોઈએ’ એમ અશ્વત્થામા વિચારતો હતો. એવામાં એક ઘુવડે હુમલો કરીને એ વૃક્ષ ઉપર સૂતેલા હજારો કાગડાને મારી નાખ્યા. આ જોઈને અશ્વત્થામાએ પાંડવોની છાવણી ઉપર રાતે છાપો મારવાની પ્રેરણા લીધી, યોજના બનાવી અને હુમલો કર્યો. રાત્રિમાં જ પાંડવોના હજારો સૈનિકો, દ્રૌપદીના પાંચે પુત્ર, ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી આદિનો સંહાર કર્યો. આ પછી તે કૃતવર્મા અને કૃપાચાર્યની સાથે દુર્યોધન પાસે ગયો. પાંચ પાંડવ અને શ્રીકૃષ્ણ સિવાયના તમામનો સંહાર કર્યાના સમાચાર આપ્યા. દુર્યોધને સુખપૂર્વક પ્રાણ છોડ્યા.

સર્વ પુત્રોના વધથી દ્રૌપદી શોકથી ભાંગી પડી. એણે અશ્વત્થામાનો વધ ન થાય ત્યાં સુધી પ્રાયોપવેશન (અન્નજળત્યાગ દ્વારા દેહત્યાગ) કરવાનો નિર્ણય કર્યો. દ્રૌપદીની પ્રેરણાથી ભીમસેને અશ્વત્થામાનો પીછો પકડ્યો. અશ્વત્થામાના બ્રહ્મશિરસ્ અસ્ત્રના પ્રભાવની સામે ભીમસેનનું કંઈ ચાલશે નહિ, એમ સમજીને શ્રીકૃષ્ણ  અર્જુનને લઈને ભીમની સહાય માટે નીકળ્યા. અશ્વત્થામા ગંગાતીરે વેદવ્યાસ અને અન્ય ઋષિઓના સાંનિધ્યમાં બેઠો હતો, ત્યાં પહોંચ્યા. ભીમસેન અને શ્રીકૃષ્ણ-અર્જુનને જોઈને તે ગભરાયો, દર્ભની ઇષિકાને પરમાસ્ત્ર બ્રહ્મશિરસ્થી અભિમંત્રિત કરીને છોડી. સામે અર્જુને પણ બ્રહ્મશિરસ્ મૂક્યું. આવાં ભયાનક અસ્ત્રોના યુદ્ધમાં પૃથ્વીનો વિનાશ ન થાય તે માટે વ્યાસાદિ ઋષિઓએ અશ્વત્થામાને તતડાવ્યો અને મસ્તકનો દિવ્ય મણિ પાંડવોને આપી તેમના શરણે જવા આજ્ઞા કરી. એણે મણિ તો આપ્યો, પરંતુ એનાથી બ્રહ્મશિરસ્ અસ્ત્રનો ઉપસંહાર ન બની શક્યો. તેણે એ અસ્ત્ર પાંડવોની પુત્રવધૂ ઉત્તરાના ગર્ભ ઉપર મૂક્યું. આ અધમ કૃત્યના કારણે શ્રીકૃષ્ણે અશ્વત્થામાને શાપ આપ્યો : ‘તું વ્યાધિમાત્રથી પીડાતો રહીશ. લોહીપાચથી લથબથ દૂષિત શરીર લઈને જગતમાં 3,૦૦૦ વર્ષ સુધી ભટક્યા કરીશ.’

અશ્વત્થામા ખિન્ન થયો. એણે વેદવ્યાસના માર્ગદર્શન નીચે રહેવાનો નિર્ણય કર્યો અને વનમાં ચાલ્યો ગયો.

સાવર્ણિ મન્વંતરમાં એ સપ્તર્ષિઓમાં સ્થાન પામશે.

ઉ. જ. સાંડેસરા