અશ્વત્થ (1975) : સાહિત્ય અકાદમી દ્વારા 1976ની શ્રેષ્ઠ ગુજરાતી કૃતિ તરીકે પુરસ્કૃત કવિ ઉશનસનો કાવ્યસંગ્રહ. તે એમની કવિતાનો એક નોંધપાત્ર વળાંક બતાવે છે. તત્સમ અને સમાસઘન પદાવલિ આ પૂર્વેની એમની કવિતાની ખાસિયત હતી. એમાંથી તરલપ્રવાહી ને અરૂઢ ઇબારતમાં સર્જનના આદ્ય વિસ્મય સાથે તાલબદ્ધ રહેવાના અનુભવને આલેખવાની દિશા આ સંગ્રહની કવિતામાં એમણે ગ્રહી છે. સંગ્રહના આરંભે મૂકેલું ‘કવિનું જાહેરનામું’ વિલક્ષણ છે. એને આત્મનિવેદન ગણીએ તો એમાં એમની કવિતાની બદલાયેલી દિશાને નિર્દેશતો સંકલ્પ પણ વાંચી શકાય : ‘મારે આ પંચમહાભૂતોના વિસ્મય વચ્ચે વિસ્મયના જ એક સજીવ માધ્યમ તરીકે રહેવું છે.’

સંગ્રહની કવિતામાં ગીત, સૉનેટ, ગઝલ, મુક્તક, હાઈકુ અને અછાંદસ – એમ વિવિધ રૂપો-પ્રકારોની અજમાયશ છે. પણ સૉનેટકવિ ઉશનસમાં અહીં પણ સર્વાધિક – 117માંથી 75 – રચનાઓ સૉનેટ છે. (એટલે આ સિદ્ધ રૂપની પૃષ્ઠભૂમિ પર જ એમની કવિતા વક્તવ્ય, પદાવલિ આદિના પ્રયોગો તરફ વિકસે છે.) અન્ય કાવ્યરૂપોમાં એમની નિજી મુદ્રા ઓછી ઊપસે છે. અછાંદસની મોકળાશના સર્જનાત્મક વિનિયોગને બદલે છંદના ચુસ્ત રૂપને નમનીય ને  ઉડ્ડયનશીલ કરવાની સર્જકતા એમને વિશેષ અનુકૂળ છે  એમાં સિદ્ધિ પણ વધુ દેખાય છે.

વિષયની દૃષ્ટિએ આ સંગ્રહની કવિતામાં પ્રકૃતિ અને પ્રણયનું નિરૂપણ રુચિર છે. સહજ રીતે ઊઘડી આવતાં કલ્પનોની તાજગી તથા અભિવ્યક્તિની તરલતા એની એક વિશિષ્ટ છાપ આંકે છે. વસંત ઋતુ અને એનો તડકો કવિસંવેદનનાં કેન્દ્રીય કલ્પનો છે. ઉન્મત્ત અને એકકેન્દ્રી થઈ જતી સંવેદનની તીવ્રતા ‘એક્સ્ટસી’ નામે ઓળખાવાયેલી રચનાઓમાં બહુ લાક્ષણિક બની રહે છે. નગરમાંથી વનની મોકળાશમાં જવાનો આનંદ  અસ્થમાના દર્દીની લાગણીના સંદર્ભે  આલેખાયેલો હોવાથી એનું એક વિશિષ્ટ રૂપ બંધાય છે. સૂકી હવાને પાગલની જેમ ફેફસાંમાં ભરતા કવિનો ‘ઉછીનુંય અલ્યા આલોને કો મને બીજું ફેફસું’ – એવો ઉદગાર કાવ્યગત સંવેદનનો ને એના રચનારૂપનો એક આગવો મરોડ રચે છે. વેધકતા અને વેગ આ સંગ્રહની પ્રકૃતિકવિતાની લાક્ષણિકતા છે. સંયોગની ઉત્કટ આકાંક્ષા ને વિયોગની તીણી વેદના સંગ્રહની પ્રેમવિષયક રચનાઓનું સંવેદન છે. ‘તું-માં વવાઈશ હું બીજ તૃષાનું તીવ્ર થૈ’ જેવા કાવ્યોદગારોમાં રચાતું આ સંવેદન રતિભાવને પણ એક વિશેષ રૂપ આપે છે.

સંગ્રહનાં અન્ય કાવ્યોમાં એક મહત્વનું પ્રતીક છે અશ્વત્થ. સંસ્કૃતિની વ્યાપક જડતા પર આક્રમણ કરી વિજયી બનતા પ્રકૃતિતત્વ તરીકે એ આલેખાય છે. કવિ આ આક્રમણનો  ક્રાંતિનો ઉદગાતા છે : ‘અમે જ ભીંત ફાડીને ઊગી નીકળતો પીપળો – લીલો બળવો !’

‘અશ્વત્થ’ની કવિતા કવિસંવેદનના અભિવ્યક્તિરૂપની, તળપદીને નાદમાધુર્યલક્ષી પદાવલિની તેમજ સંસિદ્ધ રૂપોમાં વિલસતી સર્જનાત્મક પ્રયોગશીલતાની દૃષ્ટિએ શક્તિમંત છે.

રમણ સોની