અવસ્થાભેદ (કાર્યાવસ્થા) : સંસ્કૃત રૂપકમાં લક્ષ્યસિદ્ધિ માટે પ્રયત્ન કરતા નાયકની માનસિક અવસ્થા. રૂપકના નાટકીય સમસ્ત ઇતિવૃત્તનો બીજ, બિન્દુ આદિ પાંચ અર્થપ્રકૃતિઓ સાથે સંબંધ હોય છે, તો એ નાટ્યના નાયકનો પોતાની લક્ષ્યની સિદ્ધિ માટે જે પુરુષાર્થ કે વ્યાપાર કરવા પડે છે, તેને પાંચ સ્થિતિઓ સાથે સંબંધ હોય છે, જેને ‘અવસ્થા’ નામ આપવામાં આવ્યું છે. નાટ્યશાસ્ત્રમાં ભરતે ‘અવસ્થાપંચક’, તો પરવર્તી આચાર્યોએ આને ‘કાર્યાવસ્થા’ એવું નામ આપેલું છે. આરંભ, યત્ન, પ્રાપ્ત્યાશા, નિયતાપ્તિ અને ફલાગમ નામની આ પાંચ અવસ્થાઓનો સંબંધ વસ્તુત: નાયકની માનસિક અવસ્થાઓ સાથે હોય છે. (1) આરંભ : જ્યારે નાયક કોઈ લક્ષ્યના લાભ માટે ઉત્સુક બને છે ત્યારે થતી ઔત્સુક્ય-ભાવના, (2) યત્ન (પ્રયત્ન) : નાયક લક્ષ્ય(ફલ) સિદ્ધિ માટે સચેષ્ટ બની અતિશય ત્વરાપૂર્વક જે વ્યાપાર કરે છે તે, (3) પ્રાપ્ત્યાશા : લક્ષ્ય-ફલની પ્રાપ્તિ માટે થતી ઉપાય અને અપાય (વિઘ્ન) વચ્ચેની દોલાયમાન અવસ્થા, (આમાં જોકે સફલતા સાથે નિષ્ફલતાની પણ આશંકા રહે છે, છતાં લક્ષ્યની સિદ્ધિ થવાની આશા રહેલી હોય છે.) (4) નિયતાપ્તિ : જ્યારે ફલની પ્રાપ્તિનો નિશ્ર્ચય થઈ જાય એટલે કે વિશિષ્ટ પ્રતિબંધક બાધા દૂર થઈ જતાં સફલતાનો નિશ્ચય થાય, (5) ફલાગમ : સમગ્ર ફલની પ્રાપ્તિ કે લક્ષ્યની પૂર્ણસિદ્ધિની અવસ્થા. આ પછી રૂપકની સમાપ્તિ થાય છે.

ભગવતીપ્રસાદ પંડ્યા