અવશિષ્ટ અંગો

January, 2001

અવશિષ્ટ અંગો (vestigial organs) : આરંભે ક્રિયાશીલ પરંતુ વિકાસપ્રક્રિયા દરમિયાન નિરર્થક બનીને અવશેષ રૂપે જોવા મળતાં સજીવોનાં અંગો.

વનસ્પતિ અને પ્રાણીઓમાં આવાં અવશિષ્ટ અંગો જણાય છે. આ એવાં અંગો છે જે સમય જતાં અનુપયોગી બનીને માત્ર ક્ષીણ સ્વરૂપમાં રહે છે. આ જ અંગો ભૂતકાળમાં તેમના સંબંધી સજીવોમાં કે પૂર્વજોમાં નિશ્ચિત કાર્યો કરતાં સક્રિય અંગો હતાં. ઉત્ક્રાંતિ દરમિયાન વિવિધ બદલાતા પર્યાવરણને અનુકૂળ થવાની ક્રિયા દરમિયાન તે ઉપયોગિતા ગુમાવી ચૂક્યાં છે. આવાં અંગોનું અસ્તિત્વ વિવિધ સજીવોની સમાન ઉત્પત્તિ સૂચવે છે. તેનાં અસંખ્ય દૃષ્ટાંતો આપી શકાય. મનુષ્યમાં જોવા મળતું આંત્રપુચ્છ; બાહ્ય કર્ણના (કર્ણ) પલ્લવના હલનચલન માટે જવાબદાર (કર્ણ) પલ્લવ સ્નાયુપેશી, આંખના ખૂણે જોવા મળતું ત્રીજું પારદર્શક પોપચું અને ડહાપણની દાઢ; માનવ નરમાં સ્તન, પુચ્છ કશેરુકા (caudal vertebra) અને કાકડા. પ્રાણીસૃષ્ટિમાં અજગરની નિતંબમેખલા (pelvic girdle); શાહમૃગ અને કિવી પક્ષીની અલ્પવિકસિત પાંખો અને બકરીના ગળે લટકતાં સ્તનો વગેરે.

વનસ્પતિમાં અવશિષ્ટ અંગો તરીકે વંધ્ય પુંકેસર (staminodes), તૃણપુષ્પમાં અવિકસિત દલપુંજ (lodicules), પુંકેસર અને પર્ણિકાઓનું ગ્રંથિમાં રૂપાંતરણ, સેલાજિનેલા (selaginella) અને આઇસોઇટિસ (isoetes)નું જિહવક (ligula) વગેરે આવેલાં હોય છે.

નરેન્દ્ર ઈ. દાણી

રા. ય. ગુપ્તે