અવશિષ્ટ નિક્ષેપો

January, 2001

અવશિષ્ટ નિક્ષેપો (residual deposits-rocks) : વિભંજન અને વિઘટન જેવી ભૌતિક-રાસાયણિક ખવાણની સતત અસર હેઠળ ભૂપૃષ્ઠના ખડકો અને ખનિજ જથ્થાઓમાંનાં ઘટકદ્રવ્યો નરમ પડીને ક્રમે ક્રમે એકબીજાંથી મુક્ત થતાં જાય છે. આ પૈકીનાં આર્થિક દૃષ્ટિએ બિનજરૂરી ખનિજદ્રવ્યો દ્રાવણ સ્વરૂપે પાણીના પરિબળ દ્વારા અને સૂક્ષ્મ દ્રવ્યો પાણી તેમજ પવનના પરિબળ દ્વારા સ્થાનાંતરિત થતાં જાય છે. અદ્રાવ્ય કે ઓછાં દ્રાવ્ય ખનિજો આ ક્રિયામાંથી બાકાત રહી, અનુકૂળ સ્થળોમાં એકત્ર થતાં જાય છે. પાછળ રહી ગયેલાં સંકેન્દ્રણો, મૂળ ખડકજથ્થાનો કદઘટાડો થઈને અવશેષસ્વરૂપ હોવાથી, અવશિષ્ટ સંકેન્દ્રણો કહેવાય છે. આ રીતે તૈયાર થયેલાં ખડક-સંકેન્દ્રણો કે ખનિજ-સંકેન્દ્રણો પૂરતી શુદ્ધતા ધરાવતાં હોય, ઊંચી ગુણવત્તા અને સપ્રમાણ જથ્થામાં સંવર્ધિત થયેલાં હોય તો તેમનું ખનનકાર્ય આર્થિક ધોરણે  પરવડી શકે છે.

ઉત્પત્તિસ્થિતિ : અવશિષ્ટ નિક્ષેપો તૈયાર થવા માટે મુખ્ય ચાર સંજોગોનું અનુકૂલન અનિવાર્ય બની રહે છે : (1) ખવાણક્રિયાની અસર હેઠળ આવતા ખડકજથ્થાઓમાં મૂલ્યવાન ખનિજોની હાજરી હોવી જોઈએ. (2) પ્રાદેશિક આબોહવાના સંપર્ક હેઠળ ખનિજ ઘટકોનો રાસાયણિક ક્ષય (chemical decay) થવો જોઈએ. (3) પ્રાદેશિક ઢોળાવનું પ્રમાણ માફકસરનું હોવું જોઈએ, જેથી મૂલ્યવાન દ્રવ્યોના અવશેષોનું સ્થાપન થતા અગાઉ ધોવાણની ક્રિયામાં સ્થાનાન્તરણ ન થઈ જાય અને (4) લાંબા ગાળાની પ્રાદેશિક સ્થિરતા પણ એટલી જ આવશ્યક ગણાય; નહિ તો, ભૂકંપીય કે અન્ય ભૂસંચલનબળોથી સ્થાપિત સંકેન્દ્રણો છિન્નભિન્ન થઈ જાય; દા.ત., ઉપરના ચારેય સંજોગોની પર્યાપ્ત સાનુકૂળતામાં ગૌણ લોહ ઑક્સાઇડની અશુદ્ધિવાળા અને અન્ય અશુદ્ધિઓ રહિત ચૂનાખડક-વિસ્તાર જો વર્ષોવર્ષ સતત રાસાયણિક ખવાણની અસર હેઠળ ધોવાતા રહે તો તેમાંનો પેલો થોડો લોહ ઑક્સાઇડ અદ્રાવ્ય હોઈ, અવશેષરૂપ પાછળ રહેતો જાય, સંવર્ધિત થતો જાય, ચૂનાખડકના સ્તર પછી સ્તર ધોવાણ પામી ઓછા થતા જાય, અને સમય જતાં લોહ દ્રવ્યનું સંવર્ધિત થતું જતું સંકેન્દ્રણ અનુકૂળ સ્થળે આર્થિક મહત્વવાળું આચ્છાદન કે આવરણ તૈયાર કરી કાર્યોપયોગી અવશિષ્ટ નિક્ષેપના સ્વરૂપમાં પરિણમે.

આ જ પ્રમાણે સાયનાઇટમાં વિપુલ પ્રમાણમાં રહેલો ઑર્થોક્લેઝ ફેલ્સ્પાર (K2O.Al2O36SiO2) જો ક્રમે ક્રમે વિઘટન પામતો જાય તો, (K2O → KOH)માં, સંયોજિત SiO2 મુક્ત SiO2ના રૂપમાં દ્રવીભૂત થઈ, અંતે માટી (kaolin) – Al2O 2SiO2 2H2Oના સંવર્ધિતસંકેન્દ્રણરૂપે મહત્વના અવશિષ્ટ માટીનિક્ષેપો રચે છે.

અયનવૃત્તીય અને સમશીતોષ્ણ આબોહવાના પ્રદેશોમાં જ્યાં જ્યાં ઉપર જણાવ્યા મુજબના ચારેય સંજોગોની અનુકૂળતા એકસાથે મળી રહે છે ત્યાં અવશિષ્ટ સંકેન્દ્રણો મળી આવે છે. લોહ અને મૅંગેનીઝનાં  અયસ્ક, બૉક્સાઇટ, લૅટેરાઇટ, વિવિધ પ્રકારના માટીનિક્ષેપો, નિકલ કલાઈ-સુવર્ણ-નિક્ષેપો, ફૉસ્ફેટ, ગેરુ, કાયનાઇટ, બેરાઇટ વગેરે અવશિષ્ટ નિક્ષેપોનાં વિવિધ પ્રકારનાં ઉદાહરણો છે.

ગિરીશભાઈ પંડ્યા