અવતાર અને અવતારવાદ

January, 2001

અવતાર અને અવતારવાદ : ઈશ્વરનું  માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના. ‘અવતાર’ શબ્દ સંસ્કૃત રૂદ્દ ધાતુને अव ઉપસર્ગ લાગીને નિષ્પન્ન થયેલો છે. ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરવું, પ્રગટ થવું એવો એનો વિશિષ્ટ અર્થ થાય છે.

અવતારની વિભાવના વિશે લોકપ્રિય મત એવો છે કે પોતાના દિવ્ય રૂપનો ત્યાગ કરી નવીન જન્મ ધારણ કરવો. ભગવાનના અમુક અંશનું જ પૃથ્વી ઉપર અવતરણ એવી બીજી માન્યતા પણ છે. વળી વિષ્ણુ પોતાના રૂપના સાત્વિક સ્વરૂપે એટલે વાસુદેવ સ્વરૂપે સ્વર્ગમાં દુશ્ચર તપસ્યા કરે છે અને તામસ સ્વરૂપે એટલે કે સંકર્ષણ સ્વરૂપે સર્જન અને સંહારનું કાર્ય કરે છે. ઉપરાંત વિશ્વવ્યાપી ભગવાન નારાયણનું એક નિર્ગુણ સ્વરૂપ તે વાસુદેવ અને બીજાં ત્રણ સ્વરૂપો તે સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એવી માન્યતા પણ પ્રચલિત છે.

અવતારનાં બીજ વૈદિક ગ્રંથોમાં સ્પષ્ટત: મળી આવે છે. ઋગ્વેદના (3.53.88; 6.47.18) મંત્રોમાં ઇન્દ્ર પોતાની માયા વડે વિવિધ રૂપો ધારણ કરતો હોવાનું જણાવ્યું છે. શતપથ બ્રાહ્મણ(1.8.1.1; 7.5.1.5 અને 14.1.2.11)માં પ્રજાપતિએ મત્સ્ય, કૂર્મ તથા વરાહનો અવતાર લીધો હોવાનું જણાવેલ છે. તૈત્તિરીય બ્રાહ્મણ (1.1.3.5) તથા કાઠક સંહિતા(8.2)માં પણ વરાહ અવતારનો ઉલ્લેખ છે. રામાયણ (2.11૦) અને મહાભારત (3.187) પણ આનું સમર્થન કરે છે. અહીં આ અવતારોનો સંબંધ પ્રજાપતિ સાથે દર્શાવાયો છે, પણ કાળાંતરે વિષ્ણુના પ્રાધાન્યથી અવતારોનો સંબંધ વિષ્ણુ સાથે જોડાઈ ગયો; પરંતુ ઋગ્વેદમાં વિષ્ણુનાં ‘ઉરુગાય’ અને ‘ઉરુક્રમ’ એ વિશેષણોને તથા શતપથ બ્રાહ્મણ(1.2.5.1)માંની કથા પ્રમાણે વામન અવતાર તો મૂળથી જ વિષ્ણુનો માનવામાં આવે છે. આ રીતે બ્રાહ્મણ સાહિત્યમાં અવતારવાદ હતો, છતાં એ સમયે વિષ્ણુનું પ્રાધાન્ય ન હતું અને અવતારોની પૂજા પણ થતી નહોતી. ભાગવત સંપ્રદાયનો ઉદય થતાં કૃષ્ણ-બલરામની ભક્તિના ઉદઘોષ સાથે અવતારવાદ ઉત્કર્ષ પામ્યો. વાસુદેવ કૃષ્ણ વિષ્ણુના અવતાર હોવાની માન્યતા આરણ્યક યુગમાં ઉદય પામી જણાય છે, કારણ કે તૈત્તિરીય આરણ્યક(1૦.1)માં વિષ્ણુ-ગાયત્રી મંત્ર પ્રબોધવામાં આવ્યો છે.

અવતારોની સંખ્યા અંગે મહાભારત અને પુરાણોમાં અનેક મતો મળી આવે છે. અધર્મનું પ્રાબલ્ય અને ધર્મની ગ્લાનિ થાય ત્યારે ધર્મની સંસ્થાપના માટે અને દુષ્કર્મીઓનો વિનાશ કરી સજ્જનોનું રક્ષણ કરવા ભગવાન અવતાર ધારણ કરે છે. આ તથ્ય ભગવદગીતા(4.7)માં પ્રગટ થયું છે, પરંતુ ત્યાં માત્ર રામ અને કૃષ્ણનો જ ઉલ્લેખ થયો છે (ભ.ગી. 1૦. 21, 37). મહાભારતના નારાયણીય પર્વમાં (શાંતિપર્વ 339.77.102) વરાહ, નરસિંહ, વામન, ભાર્ગવ રામ, દાશરથિ રામ અને કૃષ્ણ — એ છ અવતારોનો અને તે પછી (શાંતિપર્વ – 339.103.104માં) દશ અવતારોનો ઉલ્લેખ થયો છે; પરંતુ મહાભારતની સમીક્ષિત આવૃત્તિમાં આ નિર્દેશો પ્રક્ષિપ્ત હોવાનું મનાય છે. સાધારણત: લોકપ્રસિદ્ધ દશ અવતારોનો નિર્દેશ વરાહપુરાણ (4.2; 48.17-22), મત્સ્યપુરાણ (285.6-7), અગ્નિપુરાણ (અ. 2.16), નરસિંહપુરાણ(અ. 36) અને પદ્મપુરાણ(6.43. 13-15)માં થયેલો મળી આવે છે. ભાગવતપુરાણ (1.3)માં કૌમાર સર્ગ (સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર)માં વરાહ, નારદ, નર-નારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ, ઋષભદેવ, પૃથુ, મત્સ્ય, કચ્છપ, ધન્વન્તરિ, મોહિની, નરસિંહ, વામન, પરશુરામ, વેદવ્યાસ, રામચંદ્ર, બલરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ – આ બાવીસ અવતારોનો ઉલ્લેખ છે. તેમાં ભાગવતપુરાણના ટીકાકારો દ્વારા હંસ અને હયગ્રીવ એ બે નામો જોડીને અવતારોની સંખ્યા ચોવીસ કરવામાં આવી છે. વસ્તુત: ભાગવતકારે વિષ્ણુના આવા અંશાવતારો અસંખ્ય છે એમ કહી દીધું છે. (ભાગવતપુરાણ, 1.3-26)

અવતારોને મર્યાદિત કરવાની પરંપરા ભાગવતપુરાણ પછી શરૂ થઈ. દશાવતારની કલ્પના લગભગ ઈ. સ.ની નવમી સદીના અરસામાં થયેલી મનાય છે. કુમારિલ ભટ્ટના સમય સુધી બુદ્ધને અવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા ન હતા. પછી અગિયારમી સદીમાં ક્ષેમેન્દ્રે અને બારમી સદીમાં જયદેવે તથા અપરાર્કે બુદ્ધને અવતાર તરીકે સ્વીકાર્યા છે અને આ રીતે આજકાલ તો બે જલજ અર્થાત્ જળમાં ઉત્પન્ન થયેલા (મત્સ્ય તથા કૂર્મ); બીજા બે વનજ અર્થાત્ જંગલમાં ઉત્પન્ન થયેલા (વરાહ અને નૃસિંહ); એક ખર્વ અર્થાત્ વામન; ત્રણ રામ અર્થાત્ પરશુરામ, દાશરથિ રામ અને બલરામ, એક સકૃપ અર્થાત્ કૃપાયુક્ત બુદ્ધાવતાર અને એક અકૃપ અર્થાત્ કૃપાહીન કલ્કિ અવતાર – એમ કુલ દશ અવતારો જ માનવામાં આવ્યા છે.

શંકરાચાર્ય દશ અવતારો નીચે પ્રમાણે ગણાવે છે :

मत्स्यः कूर्मो वराहो नरहरिणपतिर्वामनो जामदग्न्यः

काकुत्स्थः कंसघाती मनसिजविजयी यश्च कल्किर्भविष्यन् ।

મુખ્ય દશાવતારો :

1. મત્સ્ય : મત્સ્યને સામાન્યત: હરિનો પ્રથમ અવતાર ગણવામાં આવે છે. તેની કથા જલપ્રલય સાથે સંકળાયેલી છે. ભગવાન વિષ્ણુએ માનવજાતિના કલ્યાણ માટે અને વેદોના ઉદ્ધાર માટે આ અવતાર ધારણ કર્યો હતો. શંખાસુરે અપહરણ કરેલા વેદોની પુન:પ્રાપ્તિ માટે ભગવાને આ અવતાર ધારણ કરેલો (પદ્મપુરાણ – ઉત્તરખંડ, 9091). વૈવસ્વત મનુએ મલયપર્વત ઉપર ઘણાં વર્ષો તપ કર્યું તે પછી બ્રહ્માએ પ્રલયસમયે સૃષ્ટિના રક્ષણની શક્તિનું વરદાન આપ્યું. પિતૃતર્પણ કરતાં હાથમાં આવેલું નાનું માછલું વૃદ્ધિ પામતાં સાગરમાં તરતું મૂક્યું એટલે તેણે અપરિમિત વિશાળ રૂપ ધારણ કર્યું. મનુએ જાણ્યું કે આ મત્સ્ય વાસુદેવ જનાર્દન છે. જલપ્રલય થતાં સર્પ-રજ્જુથી નૌકાને બાંધી શૃંગી મત્સ્ય મનુને સુરક્ષિત સ્થળે લઈ ગયું.

દક્ષિણ દેશાધિપતિ સત્યવ્રત રાજાને મત્સ્યાવતારી વિષ્ણુ મન્વન્તરાધિપ પ્રજાપતિ બનવાના આશીર્વાદ આપે છે અને મત્સ્યપુરાણ સંહિતાનો ઉપદેશ પણ કરે છે (ભાગવતપુરાણ 1.3–15, 8.24; મત્સ્યપુરાણ 1.33–34). સત્યવ્રત વૈવસ્વત મન્વન્તરના કૃતયુગના મનુ બને છે. વિષ્ણુધર્મ પ્રમાણે મત્સ્યરૂપ ધારી વિષ્ણુ પ્રલય પછી જીવિત સપ્તર્ષિઓને હિમાલયના શિખર ઉપર પહોંચાડે છે.

2. કૂર્મ : શતપથ બ્રાહ્મણમાં આ અવતાર મળે છે. પ્રજાપતિ સંતતિનિર્માણ માટે કૂર્મરૂપે પાણીમાં સંચરે છે (શતપથ બ્રાહ્મણ 7, 5–1; 5–1૦; પદ્મપુરાણ ઉત્તર ખંડ, 259). સમુદ્રમંથનના સમયે કૂર્મરૂપધારી વિષ્ણુ મન્દર પર્વતના આધાર તરીકે રહ્યા હતા. આ કૂર્મને વિષ્ણુનો ચતુર્થાંશ ગણવામાં આવે છે. પૃથ્વી જ્યારે રસાતલમાં ઊતરતી હતી ત્યારે પૃથ્વીને પોતાની એક લાખ યોજન વિસ્તારવાળી પીઠ ઉપર ધારણ કરી હતી (લિંગપુરાણ). આ રીતે વિષ્ણુએ પ્રલયમાં લુપ્ત થયેલી અનેક વસ્તુઓની પુન:પ્રાપ્તિ કરી હતી. સર્જનશક્તિરૂપ કશ્યપે પૃથિવી-શક્તિરૂપે મન્દરના આધાર માટે કૂર્મનું રૂપ ધારણ કર્યું હતું. અન્ય રૂપાંતર અનુસાર પ્રજાપતિએ કૂર્મરૂપ ધારણ કરીને પ્રજોત્પત્તિ કરી હતી.

3. વરાહ : આનો ઉલ્લેખ તૈત્તિરીય બ્રાહ્મણ અને શતપથ બ્રાહ્મણમાં મળે છે. વરાહનો એમૂષ તરીકે સૃષ્ટિપ્રકરણમાં ઉલ્લેખ છે. તે પૃથ્વીને જલમાંથી બહાર લાવે છે. આ વરાહને પ્રજાપતિનું રૂપ કહેવામાં આવે છે. અન્યત્ર આને વિષ્ણુ અને કૃષ્ણનો અવતાર ગણવામાં આવ્યો છે. રસાતલમાં ઊતરી ગયેલ પૃથ્વીને પોતાની દંષ્ટ્રાથી ઉપર લઈ આવે છે. તેનો વિસ્તાર 1૦ × 1૦૦ યોજનનો છે. તેને એક વિશાળ દંષ્ટ્રા હતી અને તેની આંખો લાલાશભરી હતી.

મત્સ્યપુરાણાનુસાર સુમનસ્-પર્વત ઉપર વરાહરૂપધારી વિષ્ણુએ હિરણ્યાક્ષ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. એક વખત પ્રહલાદે વિષ્ણુની પ્રાર્થના કરી હતી અને વિષ્ણુએ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો. દાનવોથી પીડિત પૃથ્વીએ વિષ્ણુની પ્રાર્થના કરતાં યજ્ઞવરાહનું વિશાળ રૂપ ધારણ કરી હિરણ્યાક્ષને ચીરી નાખી તેનો ઉદ્ધાર કર્યો હતો. પ્રાચીન ભારતમાં વરાહપૂજા પ્રચલિત હતી અને કાંચીના પલ્લવવંશના સમયનાં વરાહમંદિરો ઉપલબ્ધ થયેલાં છે. નર્મદાતીરે આવેલ વરાહતીર્થમાં વિષ્ણુના વરાહસ્વરૂપની પૂજા થાય છે.

4. નૃસિંહ : હિરણ્યકશિપુ નામે મહાશક્તિશાળી રાક્ષસે ઘોર તપસ્યા કરી બ્રહ્મા પાસેથી અવધ્યતાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. પછી દેવો અને અન્ય લોકને સંતાપવાનું શરૂ કર્યું. દેવો વિષ્ણુ પાસે સ્વરક્ષણાર્થે ગયા. વિષ્ણુએ ઓંકારની સહાયથી નર-સિંહરૂપ (અર્ધમાનુષ, અર્ધસિંહરૂપ) ધારણ કર્યું અને હિરણ્યકશિપુની સભામાં ગયા. હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ વિષ્ણુનો પરમ ભક્ત હતો. પિતાએ તેના વિનાશ માટે અનેક યત્નો કર્યા હતા. પ્રહલાદે નરસિંહમાં વિષ્ણુનાં દર્શન કર્યાં. હિરણ્યકશિપુ અને નરસિંહ વચ્ચે ભયંકર દ્વંદ્વયુદ્ધ થયું. નરસિંહે પોતાના તીવ્ર નખોથી હિરણ્યકશિપુને ચીરી નાખ્યો. ચતુર્થ મન્વન્તરમાં સાગરકાંઠે વિષ્ણુએ આ અવતાર ધારણ કર્યો હતો.

વૈદિક સંહિતાઓમાં નૃસિંહાવતારનાં બીજ જોવા મળતાં નથી. પરંતુ તૈત્તિરીય બ્રાહ્મણમાં આ અવતારકથા સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓનાં નામ પ્રાપ્ત થાય છે (દા. ત., પ્રહલાદ). વળી તૈત્તિરીય આરણ્યકમાં રાક્ષસદૂત તરીકે હિરણ્યાક્ષનું નામ ઉપલબ્ધ થાય છે. મહાભારતના આરણ્યક પર્વમાં તથા હરિવંશ, ભાગવતપુરાણ, મત્સ્યપુરાણ વગેરે પુરાણોમાં આ અવતારકથાનું સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે. ભાગવતપુરાણ (7.8.18 અને પછીના) પ્રમાણે નૃસિંહનો તપ્ત સ્તંભમાંથી પ્રાદુર્ભાવ થયો હતો.

5. વામન : પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધમાં દેવો પરાજિત થયા અને ઇન્દ્રે ઇન્દ્રાસન ગુમાવ્યું. પુત્રોને રાજ્યની પુન:પ્રાપ્તિ થાય તે માટે અદિતિએ ઉગ્ર તપસ્યા કરી કૃષ્ણને પ્રસન્ન કર્યા અને ઇન્દ્ર માટે ત્રૈલોક્યનું આધિપત્ય યાચ્યું. કૃષ્ણે જણાવ્યું કે તે કશ્યપ અને અદિતિના પુત્ર તરીકે અંશાવતાર લેશે અને ઇન્દ્રના શત્રુઓનો સંહાર કરશે. પ્રહલાદના પૌત્ર બલિને શુક્રાચાર્યે ચેતવણી આપી હતી કે વામનને દક્ષિણામાં કશું જ આપવું નહિ. તેનો અનાદર કરીને બલિએ આંગણે આવેલ વામનરૂપી હરિને યથેચ્છ માગણી માટે વિનંતી કરી. વામને ફક્ત ત્રણ ડગલાં પૃથ્વી માગી. બલિએ સંકલ્પનું જળ મૂકતાં જ વામનપ્રભુએ વિરાટરૂપ ધારણ કરી ત્રણે લોક માપી બલિને સૂતલ નામક પાતાલમાં સ્થાન આપ્યું અને ઇન્દ્રને ત્રણે લોકનું આધિપત્ય સુપરત કર્યું. વામન અવતાર ત્રેતાયુગના સાતમા મન્વન્તરમાં થયો હતો. ધર્મ તેના પુરોહિત હતા.

વામન અવતારનાં બીજ ઋગ્વેદનાં વિષ્ણુસૂક્તોમાં ર્દષ્ટિગોચર થાય છે. ઋગ્વેદ(1.154)માં આવેલ विचंक्रमाणस्रेघोरुगायः यस्योरुषु त्रिषु विक्रमणेषु, त्रिभिरित्पदेभि: વગેરે વર્ણનો ‘ત્રણ પગલાં’ની વિભાવનાનાં પુરોગામી બને છે. અવતારકથાનાં બીજ બ્રાહ્મણ સાહિત્યમાં વિકસતાં જોવા મળે છે; દા. ત., અહીં વામનનું રૂપ અસુરો પાસેથી દેવોના લાભાર્થે પૃથ્વીની પ્રાપ્તિ માટે છે. ઉત્તરકાલીન સાહિત્યમાં વામનકથા વિસ્તૃત બને છે.

6. જામદગ્ન્ય પરશુરામ : દૈવવશાત્ જ્યારે જગતનો નાશ કરનારા અને બ્રાહ્મણોનો દ્રોહ કરનારા ક્ષત્રિયો વધી ગયા હતા ત્યારે વૈવસ્વત મન્વન્તરમાં ભૃગુ ઋષિના વંશજ ઋચિક ઋષિના પુત્ર જમદગ્નિ અને રેણુકાના પુત્ર તરીકે ભગવાને ઉગ્ર પરાક્રમી પરશુરામનું રૂપ ધારણ કર્યું હતું. એક વખત કાર્તવીર્ય અર્જુને જમદગ્નિમુનિ આશ્રમમાં નહોતા ત્યારે કામધેનુ ગાયનું અપહરણ કર્યું. બંને વચ્ચેના યુદ્ધમાં પરશુરામે કાર્તવીર્ય અર્જુનના સહસ્ર બાહુઓ કાપી નાખ્યા અને તેનો સંહાર કરી કામધેનુ ગાય પાછી મેળવી. કાર્તવીર્ય અર્જુનના પુત્રોએ પિતાના મૃત્યુનું વેર જમદગ્નિનો વધ કરીને લીધું. આ હત્યાના પ્રસંગથી ભગવાન પરશુરામના ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઊઠી. તેમણે પૃથ્વી ઉપર કંટક સમાન ક્ષત્રિયોનો એકવીસ વાર તીક્ષ્ણ પરશુથી સંહાર કર્યો. સીતા-સ્વયંવરપ્રસંગે શિવધનુષ્યભંગની જાણ થતાં તે દાશરથિ રામ પાસે ઉપસ્થિત થયા. વસ્તુસ્થિતિનું જ્ઞાન થતાં તેમનું વિષ્ણુતેજ દાશરથિ રામમાં ભળી ગયું. આ અવતાર 19મા ત્રેતાયુગમાં થયો હતો અને વિશ્ર્વામિત્ર તેમના પુર:સર હતા. આ અવતારનાં બીજ અથર્વવેદમાં પ્રાપ્ત થાય છે.

7. દાશરથિ રામ : રાવણના વધ માટે 24મા ત્રેતાયુગમાં આ અવતારનો પ્રાદુર્ભાવ થયો હતો. આ અવસરે વસિષ્ઠ પુરોહિત હતા. રામાયણના બાલકાંડમાં રામનો પ્રાદુર્ભાવ ગણવામાં આવ્યો છે; જ્યારે અન્ય કાંડોમાં રામનું ચરિત્ર માનવ સમાન છે. અન્ય ગ્રંથોમાં તેમને અવતાર ગણવામાં આવ્યા છે.

સૂર્યવંશમાં ઇક્ષ્વાકુવંશજ દશરથને ત્રણ રાણીઓ હતી : કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. કૌશલ્યાનંદન રામનો જન્મ ચૈત્ર શુક્લની નવમીને દિવસે મધ્યાહ્ને પુનર્વસુ નક્ષત્રમાં થયો હતો. સુમિત્રાના બે પુત્રો : લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા, જ્યારે કૈકેયીને એક પુત્ર ભરત હતો. વસિષ્ઠ પાસેથી તેમણે સાંગવેદોપવેદનું અધ્યયન કર્યું હતું. યજ્ઞના સંરક્ષણ માટે વિશ્ર્વામિત્રને બાલ રામની જરૂર હતી. આ સહવાસમાં વિવિધ વિદ્યાઓ વિશ્ર્વામિત્ર પાસેથી પ્રાપ્ત થઈ હતી. તાટકાદિ રાક્ષસ-રાક્ષસીઓનો તેમણે વધ કર્યો હતો. વિશ્ર્વામિત્રના આશ્રમમાં હતા, ત્યારે સીતાસ્વયંવર પ્રસંગે નિમંત્રણ મળતાં વિશ્ર્વામિત્ર સાથે રામ અને લક્ષ્મણ જનક રાજાના દરબારમાં ગયા; ત્યાં શિવધનુષ્યનો ભંગ કર્યો અને તેમનો સ્વયંવરની રીત મુજબ સીતા સાથે વિવાહ થયો. આ પ્રસંગે લક્ષ્મણનો ઊર્મિલા સાથે, ભરતનો માંડવી સાથે અને શત્રુઘ્નનો શ્રુતકીર્તિ સાથે વિવાહ થયો. રામના રાજ્યાભિષેક પ્રસંગે મંથરાની બુદ્ધિથી પ્રેરાઈ કૈકેયીએ દશરથ પાસે, પૂર્વે આપેલ, બે વચનોની માંગણી કરી : 1. રામનો ચૌદ વર્ષ વનવાસ અને 2. ભરતનો રાજ્યાભિષેક. વનવાસને કારણે રામવિયોગથી દશરથનું – શ્રવણનાં માતાપિતાએ પૂર્વકાળમાં આપેલ શાપ મુજબ – મૃત્યુ થયું. રામની વનવાસયાત્રામાં શૃંગવેરપુર પાસે ગુહરાજે રામનું સ્વાગત કરી ભાગીરથી નદી પાર કરાવી. ચિત્રકૂટમાં રામ અને ભરતનું મિલન થયું. રામની પાદુકાઓ રાજ્યસિંહાસન પર પધરાવી ભરતે રાજ્યધુરાનું વહન કરવાનું સ્વીકાર્યું, વનવાસમાં રામ, લક્ષ્મણ અને સીતા અગસ્ત્ય ઋષિના આશ્રમે આવ્યાં. અયોગ્ય માગણીના કારણે શૂર્પણખાનાં નાક-કાન પંચવટીમાં લક્ષ્મણથી છેદાયાં. મારીચને સુવર્ણમૃગનું રૂપ ધારણ કરાવી રાવણે સીતાનું સંન્યાસીના વેશમાં રામ અને લક્ષ્મણની ગેરહાજરીમાં કપટથી હરણ કર્યું. લંકાગમનના માર્ગમાં સીતાના બચાવનો પ્રયત્ન કરનાર જટાયુની પાંખ રાવણે કાપી નાખી તેને મૃત્યુતુલ્ય અવસ્થામાં મૂક્યો. સીતાન્વેષણમાં આગળ વધતાં રામ અને લક્ષ્મણને સુગ્રીવનો મેળાપ થયો. રામે વાલીનો વધ કરી સુગ્રીવને રાજગાદી અપાવી. તેમની મદદથી સીતાની શોધ આરંભી. વાયુપુત્ર હનુમાને સીતાને અશોકવાટિકામાં શોધી કાઢ્યાં. ઋક્ષ અને વાનરસેનાની મદદથી તેમજ સુગ્રીવાદિની મદદથી રામનું રાવણ સાથે સીતાપ્રાપ્તિ માટે ભયંકર અનુપમ યુદ્ધ થયું. તેમણે દશાનન રાવણનો વધ કર્યો. અગ્નિપરીક્ષા બાદ રામે સીતાને સ્વીકાર્યાં. રામાજ્ઞાનુસાર લક્ષ્મણે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો. પુષ્પક વિમાન દ્વારા રામ, સીતા અને લક્ષ્મણ પુન: અયોધ્યા પધાર્યાં. શુભ મુહૂર્તમાં વસિષ્ઠે રાજ્યાભિષેક કર્યો. લોકનિંદાને કારણે કઠોરગર્ભા સીતાનો રામે પરિત્યાગ કર્યો. વાલ્મીકિ આશ્રમમાં લવ અને કુશનો જન્મ થયો. રામે અશ્વમેધ યજ્ઞ આરંભ્યો અને પત્ની સીતાને સ્થાને સીતાની સુવર્ણપ્રતિમા સ્થાપી. સમય જતાં માતા પૃથ્વીને પ્રાર્થના કરી સીતા પૃથ્વીવિવરમાં સમાઈ ગયાં. અંતે અયોધ્યાવાસીઓ સહિત રામ સરયૂતીરે ગયા અને ત્યાંથી વિમાનમાં બેસી નિજધામ સિધાવ્યા.

રામાયણની કથાનાં પ્રસિદ્ધ પાત્રોનો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં પ્રાપ્ત થાય છે, પરંતુ કથાનું સૂત્ર વિચ્છિન્ન રહે છે. વાલ્મીકિ રામાયણ ઉપરાંત ભારતીય ભાષાઓમાં રામકથા પ્રાપ્ત થાય છે.

8. કૃષ્ણ : ચંદ્રવંશના યદુકુળના સાત્વત વંશમાં જન્મેલા શૂરના પુત્ર વસુદેવ અને દેવક રાજાની પુત્રી દેવકીના આઠમા પુત્ર તરીકે કૃષ્ણનો જન્મ શ્રાવણ માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે મધ્યરાત્રીએ રોહિણી નક્ષત્રમાં કારાગારમાં થયો હતો. વસુદેવ અને દેવકીને બ્રહ્મના અંશ કશ્યપ અને પૃથ્વીના અંશ અદિતિ તરીકે વર્ણવવામાં આવ્યાં છે. કંસે દેવકીના અગાઉના સાત પુત્રોનો નાશ કર્યો હતો, તેથી તેમના જણાવ્યા મુજબ નવજાત પુત્રને રક્ષણાર્થે નંદગોપગૃહે મૂકી આવવામાં આવ્યો હતો. કૃષ્ણની બાળલીલાઓનું અને ચરિત્રનું વિશદ વર્ણન મહાભારત અને શ્રીમદભાગવતપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ વગેરેમાં ઉપલબ્ધ થાય છે. બાળલીલાઓમાં પૂતનાવધ, તૃણાવર્તવધ, શકટભંજનલીલા, ગોવર્ધનધારણલીલા, કાલિયદમન, કુબ્જાની કુરૂપતાનો નાશ વગેરેનો ઉલ્લેખ કરી શકાય. રાસલીલાપ્રસંગ અને ઉદ્ધવપ્રસંગ પણ પ્રસિદ્ધ છે. કંસનો વધ કરી ઉગ્રસેનને તેમણે ગાદી ઉપર પુન: સ્થાપિત કર્યા. કૃષ્ણની અષ્ટ પટારાણીઓનાં નામ છે : 1. રુક્મિણી, 2. જામ્બવતી, 3. સત્યભામા, 4. ભદ્રા, 5. મિત્રવિન્દા, 6. સત્યા, 7. કાલિન્દી અને 8. લક્ષ્મણા.

કૃષ્ણ એક વિચક્ષણ રાજનીતિજ્ઞ અને તત્વજ્ઞ હતા. પાંડવ-કૌરવોના યુદ્ધમાં તેઓ અર્જુનના સારથિ બન્યા અને ગીતાનો ઉપદેશ આપ્યો. પાંડવોને તેમનું રાજ્ય સોંપી તેમણે દ્વારકા તરફ પ્રસ્થાન કર્યું. દ્વારાવતી નગરીના નિવાસ દરમ્યાન મિત્ર સુદામા સાથેનો પ્રસંગ સુવિખ્યાત છે. સમય જતાં દ્વારિકામાં દુશ્ર્ચિહ્નો દેખાવા લાગ્યાં ત્યારે સ્ત્રીઓ અને વૃદ્ધજનો સિવાય બધા યાદવોને કૃષ્ણે શંખોદ્ધાર તીર્થમાં મોકલ્યા અને પોતે બલરામ સહિત પ્રભાસ પધાર્યા. સુરાપાનથી મત્ત થયેલા યાદવો વચ્ચે આંતરકલહ થયો અને તેમાં સૌનો વિનાશ થયો. બલરામને આની જાણ થતાં તેમણે યોગધારણાથી દેહત્યાગ કર્યો. બલરામનો દેહોત્સર્ગ જોઈને કૃષ્ણ એક પીપળાના વૃક્ષ નીચે જમણા પગ પર ડાબો પગ રાખી બેઠા. સ્વાત્મસ્વરૂપનો વિચાર કરતા હતા તેવામાં જરા નામક પારધીએ મૃગની ભ્રાંતિથી તેમને બાણ માર્યું. વસ્તુસ્થિતિનું જ્ઞાન થતાં પારધીએ કૃષ્ણ પાસે ક્ષમાયાચના કરી. અંતે કૃષ્ણ નિજધામ પધાર્યા અને બીજી બાજુ દ્વારકા પર સાગરનાં નીર ફરી વળ્યાં. કૃષ્ણ અવતારી છે, જ્યારે બીજા અવતારો છે : कृष्णस्तु भगवान् स्वंय ।  કૃષ્ણકથાનાં બીજ વૈદિક સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે.

9. બુદ્ધ : દેવોના શત્રુઓ વેદમાર્ગમાં અત્યંત નિષ્ઠાવાળા હોઈ મયદાનવે રચેલા જગતમાં અર્દશ્ય રૂપે વિચરતાં સુવર્ણ, રજત અને લોહનાં – ત્રણ નગરોનો આશ્રય કરી લોકોનો વિનાશ કરવા લાગ્યા ત્યારે, ભગવાને તેમની સમક્ષ બુદ્ધિને મોહ ઉપજાવનાર અને અત્યંત લોભાવનાર વેશ પ્રગટ કરી અનેક પ્રકારના પાખંડી ધર્મનો બૃહસ્પતિ તરીકે ઉપદેશ કરી દૈત્યોને મોહ પમાડી વેદધર્મથી બાહ્ય કર્યા. તેમનો જન્મ કીકટ દેશમાં થયો હતો. બુદ્ધનાં નેત્રો કમલ સમાન સુંદર હતાં અને શરીર દેવતાઓ સમાન દેદીપ્યમાન હતું. શુદ્ધોદનસુત ‘મહામોહ’ સ્વરૂપે ગણાય છે. તેમના પુરોહિત દ્વૈપાયન હતા. બુદ્ધની અવતાર તરીકે ગણના ઈ. સ. 55૦માં મુકાય.

1૦. કલ્કિ/કર્કિ : આ અવતાર અંગે શાસ્ત્રોમાં કથન છે કે યુગાન્ત સમયે સન્ધ્યાંશ માત્ર શેષ હશે ત્યારે અને સજ્જનોના ઘરમાં હરિકથા થશે નહિ ત્યારે; બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો પાખંડી થશે ત્યારે; રાજાઓ શૂદ્ર બની જશે ત્યારે; સ્વાહા, સ્વધા અને વષટ્ વાણી કોઈ પણ સ્થળે સંભળાશે નહિ ત્યારે; અર્થાત્ દેવકાર્ય અને પિતૃકાર્યનો વિલય થશે ત્યારે; અધર્મ ચરમ શિખરે પહોંચશે ત્યારે; શાસકોનાં દુષ્ટ કર્મોથી પ્રજાનું નિતાન્ત દમન અને ઉત્પીડન થશે ત્યારે; બ્રાહ્મણધર્મની સાર્વત્રિક નિંદા થશે ત્યારે બ્રાહ્મણપીડકોના સંહારાર્થે કલિયુગને શિક્ષા કરનાર ભગવાન કલ્કિનું રૂપ લઈને સંભલ નામક ગામમાં વિષ્ણુયશ/પારાશર્ય નામક બ્રાહ્મણને ત્યાં અવતરશે અને શૂદ્ર રાજાઓનો તેમજ નાસ્તિકોનો ચક્રથી સંહાર કરશે.

યાજ્ઞવલ્ક્ય અને પારાશર્ય તેમના પુરોહિતો ગણાય છે. કલ્કિનો રંગ હરિતપિંગલ હશે. તે અશ્ર્વારૂઢ થઈને પોતાનું કાર્ય સંપાદન કરશે. સહાયક શસ્ત્રધારી બ્રાહ્મણગણ ઘોડાઓ ઉપર વિચરશે. તેમનું કાર્યક્ષેત્ર ગંગા-યમુનાનો અંતર્વેદી પ્રદેશ રહેશે. પચીસમા કલિયુગમાં પોતાના સૈનિકો સાથે સમુદ્રપર્યન્ત અધાર્મિક શૂદ્રોને શિક્ષા કરી તેમનો સમૂલ નાશ કરશે અને વિશ્રામ લેશે. પ્રજા એમનાથી સંતુષ્ટ થશે અને તેમની સાધનામાં નિરત રહેશે.

કલ્કિ અવતારનો ઉલ્લેખ મહાભારતના એક પ્રક્ષિપ્ત શ્ર્લોકમાં ઉપલબ્ધ થાય છે. હરિવંશમાં અને પુરાણોમાં (દા. ત., મત્સ્યપુરાણ) તેના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.

નારાયણ કંસારા

પરમાનંદ દવે
સુરેશચંદ્ર કાંટાવાળા