અલ્સેસ્ટિસ

January, 2001

અલ્સેસ્ટિસ (ઈ. પૂ. 438) : યુરિપિડીસનું ગ્રીક નાટક. તેમાં કરુણ અને હાસ્યરસનું મિશ્રણ થયું છે. નાટક સુખાંત છે. વૃદ્ધ રાજા એડમેટ્સની પત્ની અલ્સેસ્ટિસ પતિ, બાળકો અને રાજવંશને ચાલુ રાખવા તથા મૃત્યુના મુખમાંથી પતિને બચાવવા પોતાનું બલિદાન આપવા તૈયાર થાય છે. રાજાને બચાવવા એપૉલોએ ફેટ્સ(ભાવિ)ને કહ્યું, ત્યારે તેને બદલે બલિદાનની માંગણી થઈ. હેરાક્લીસ અલ્સેસ્ટિસને મૃત્યુના પંજામાંથી ખેંચી લાવે છે. નાટકમાં એપોલો અને થેનટોસ (મૃત્યુ) વચ્ચે વિચિત્ર મિલન થાય છે. હેરાક્લીસ આ વાતથી અજાણ એટમેટ્સના આમંત્રણથી તેનો મહેમાન બને છે. હેરાક્લીસ અલ્સેસ્ટિસના બલિદાનની વાત જાણીને આતિથ્યનો બદલો વાળવા મૃત્યુ પાસેથી બુરખાધારી અલ્સેસ્ટિસને પાછી લાવે છે. બુરખો દૂર થતાં પતિપત્નીનું ફરી આનંદજનક મિલન થાય છે. નાટકની નાયિકા તરીકે અલ્સેસ્ટિસનું પાત્ર કરુણ અને વીરરસથી ઉજ્જ્વળ બન્યું છે.

કૃષ્ણવદન જેટલી