અલ્-સૂફી યા અસ્સૂફી

January, 2001

અલ્-સૂફી યા અસ્સૂફી (જ. 7 ડિસેમ્બર 903, રે, ઇરાન; અ. 25 મે 986, સિરાઝ, પર્સિયા) : ઈરાનનો ખગોળશાસ્ત્રી અબુલ-હુસેન અસ્સૂફી (એઝોફી). કેટલાક સંદર્ભોમાં એનાં બીજાં બે નામ પણ જોવા મળે છે : અબદુર્ રેહમાન સૂફી અને અબ્દુલ રહેમાન સૂફી. આમ તો મોટાભાગના પ્રાચીન તથા મધ્યયુગીન આરબ ખગોળશાસ્ત્રીઓ આકાશમાં ગ્રહોના વેધ લઈ એમની ગતિવિધિઓની તથા સૂર્યચંદ્રનાં નિરીક્ષણોની નોંધ રાખતા હતા; પણ દસમી સદીના અંતે થઈ ગયેલો ઈરાનનો ખગોળશાસ્ત્રી અલ્-સૂફી આમાં અપવાદ જણાય છે. એના જીવન અંગે બહુ આધારભૂત માહિતી સાંપડતી નથી પણ એવું મનાય છે કે તે ઉમરાવ વર્ગનો એક ઉચ્ચ પદાધિકારી હોવો જોઈએ. પોતાના દેશની લોકકથાઓ અને પૌરાણિક કથાઓ માટેનો એનો પ્રેમ અને ગણિતશાસ્ત્રમાં એનો રસ એને ખગોળ તરફ ખેંચી ગયો હોય. આરબોએ જીતેલા સ્પેનમાં કુર્તુબા કે કોર્ડોબા (Cordoba) ખાતે મૂર લોકોએ (સ્પેનના આરબો મૂર કહેવાતા) આશરે ઈ. સ. 970માં વિદ્યાનું એક કેન્દ્ર સ્થાપ્યું હતું. અલ્-સૂફીએ ત્યાં રહી સંશોધન કર્યું હોવાનું માનવામાં આવે છે. આકાશમાં સ્થિર જણાતા તારાઓનાં નિરીક્ષણો અને વર્ણન કરનાર તરીકે અલ્-સૂફી ઇસ્લામિક ખગોળશાસ્ત્રમાં ખ્યાત છે. એણે આશરે 1018 જેટલા તારાઓના નકશા સાથેનું એમની કાલ્પનિક આકૃતિઓ દર્શાવતું પુસ્તક – તારાપત્રક – બનાવેલું. આ બધી માહિતી પાછળથી મોંગોલ ખગોળશાસ્ત્રી ઉલુગબેગ(ઈ. સ. 1393-1449)ને ઘણી ઉપયોગી થઈ પડેલી. કદાચ આ પુસ્તકનું મૂળ નામ ‘સુરતલ-કખાકિબલ-ઝાબિતા’ અર્થાત્ ‘તારાઓની પ્રતિકૃતિ’ હોવું જોઈએ, જે પાછળથી યુરોપમાં ‘બૂક ઑવ્ ધી કૉન્સ્ટેલેશન્સ ઑવ્ ધ ફિક્સ્ડ સ્ટાર્સ’ નામે જાણીતું થયું. એના અનુવાદમાં મૂળ લેખક અલ્-સૂફીનું નામ એઝોફી (Azophi) તરીકે લખાયું હોઈ, પશ્ચિમના દેશોમાં અલ્-સૂફી આ નામે પણ ઓળખાય છે.

Atlas Al Sufi

અલ્-સૂફીનો ઍટલાસ

સૌ. "Atlas Al Sufi" | CC BY-SA 3.0

આવું કદાચ સહુથી પ્રાચીન તારાપત્રક ગ્રીક ખગોળશાસ્ત્રી હિપાર્કસે (આશરે ઈ. પૂ. 146-127) ઈસુના જન્મ પૂર્વે આશરે 129 વર્ષ પહેલાં બનાવેલું. એમાં એણે 850 તારાઓની વિગતો આપેલી અને તારાઓના તેજસ્વિતા અનુસાર, છ વર્ગ પાડેલા; જેમ કે, અત્યંત ચળકતા તારાઓને એણે પહેલા વર્ગના, જ્યારે નરી આંખે પરાણે દેખાતા ઝાંખા તારાઓને છઠ્ઠા વર્ગના તારા ગણ્યા હતા. તારાઓની તેજસ્વિતા અનુસાર તેમના વર્ગ (magnitude) નક્કી કરવાની આવી પદ્ધતિ પાછળથી ટૉલેમીએ (આશરે ઈ. સ. 100-178) પણ સ્વીકારી છે. ટૉલેમીએ 48 તારામંડળોની યાદી આપી છે. એમાં આપેલા તારાઓનાં નામ આજે પણ આપણે વાપરીએ છીએ. ગ્રીકમાં ‘સ્વર્ગ’ કે ‘આકાશ’ માટે urano શબ્દ છે. આકાશમાંના, ખાસ કરીને સ્થિર તારાઓનાં વર્ણન અને નકશા દર્શાવતું પુસ્તક એટલે યુરેનોગ્રાફિયા અર્થાત્ તારાપત્રક. અલ્-સૂફીએ ટૉલેમીના યુરેનોગ્રાફિયા ઉપર ઘણો આધાર રાખ્યો છે; એટલું જ નહિ, જરૂર પડ્યે એમાં પોતાનાં નિરીક્ષણો ઉમેરીને ધરખમ સુધારા પણ કર્યા છે. એણે એક પછી એક તારામંડળ લઈને એમાંના આશરે 1018 જેટલા તારાઓનાં નામ, સ્થાન, રંગ અને એમની તેજસ્વિતા અનુસાર વર્ગ દર્શાવ્યા છે. હિપાર્કસે મૂળ અપનાવેલી તારાઓના તેજ પ્રમાણેની વર્ગીકરણની પદ્ધતિ આજે પણ સ્વીકારાય છે એટલું જ નહિ, સિંહપુચ્છ કે ઉત્તરા ફાલ્ગુની (Denebola) જેવા કેટલાક તારાઓના અપવાદોને બાદ કરતાં અલ્-સૂફીએ પ્રત્યેક તારામંડળના બે નકશા આપ્યા છે. એકમાં જાણે ખગોળીય ગોળાની બહારથી તારાઓ જોવાતા હોય તેવો અને  બીજો એ ગોળાની અંદરથી, એટલે કે આકાશના ગુંબજમાં નીચેથી તારાઓ જોવાતા હોય તેવા રૂપે આપ્યા છે. વળી, આ તારાપત્રકમાં નકશાઓ ઉપરાંત, એ બધા જ તારાઓનાં અરબી નામ, એમનાં સ્થાન, વર્ગ અને પિછાણ માટેની કેટલીક લાક્ષણિકતાઓ દર્શાવતાં કોષ્ટકો પણ એણે આપ્યાં છે. આ પૈકી આલ્ડીબરાન (Ald-ebaran, રોહિણી), રિગેલ (Rigel, બાણરજ), બેટેલજૂઝ (Betelgeuse, આર્દ્રા), આલ્ગોલ કે અલ્ગૂલ (Algol) વગેરે જેવાં સંખ્યાબંધ નામો તો આજે પણ વપરાશમાં છે. વળી એ સુવિદિત છે કે જે તારાઓના તેજમાં, સમય સમયને આંતરે તેજની વધઘટ થતી રહે છે તે રૂપવિકારી તારા (variable stars) કહેવાય છે. અલ્ગૂલ આવો રૂપવિકારી તારો છે. આ અરબી શબ્દનો અર્થ ‘રાક્ષસ તારો’ (Demon star) એવો  થાય છે. એવી જ રીતે, પ્રાચીન ગ્રીક લોકોએ અલ્ગૂલને વીર પર્સિયસે (યયાતિએ) હણેલી ખોફનાક મેડૂસા રાક્ષસીની શાપિત આંખ ગણ્યો છે. આમ પ્રાચીન ગ્રીકોએ કે મધ્યયુગીન અરબોએ કરેલી કલ્પના સૂચવે છે કે એમને અલ્ગૂલના રૂપવિકાર અંગે જાણકારી હશે જ. પણ આશ્ચર્ય તો એ છે કે અલ્ગૂલ અંગે ઉલ્લેખ થયો છે ખરો, પણ એના આ રૂપવિકારનો કયાંય ઉલ્લેખ થયો નથી. અલ્ગૂલની આ લાક્ષણિકતા તો પકડાઈ છેક ઈ. સ. 1667માં, સાવ આકસ્મિક રીતે, એક ઇટાલિયન ખગોળશાસ્ત્રી દ્વારા અલ્ગૂલના તેજમાં થતી વધઘટ ભલે અલ્-સૂફીએ ન નોંધી હોય, પણ એણે દેવયાની–તારાવિશ્વ(andromeda galaxy)ની નોંધ ‘એક ઝાંખા વાદળ’ તરીકે કરી છે અને આવી નોંધ કરનાર એ પ્રથમ માનવી છે, કારણ કે હિપાર્કસે બે, જ્યારે ટૉલેમીએ આ બે ઉપરાંત પોતે જોયેલા ત્રણેક ધૂંધળા પદાર્થો લઈને કુલ પાંચેકની નોંધ લીધી છે ખરી, પણ એમાં ક્યાંય દેવયાની–તારાવિશ્વનો ઉલ્લેખ સરખોયે નથી. એટલું જ નહિ, આશરે 500 વર્ષ સુધી, એટલે કે પંદરમી સદીમાં માત્ર એક ડચ નકશામાં દેવયાની–તારાવિશ્વની નોંધ લેવાયાના અપવાદને બાદ કરીએ તો છેક ઈ. સ. 1667 સુધી પશ્ચિમના કોઈ પણ ખગોળશાસ્ત્રીએ આની નોંધ લીધી નથી ! વધુ આશ્ચર્યની વાત તો એ છે કે ટાયકો બ્રાહે (ઈ. સ. 1546-1601) જેવા અવ્વલ કક્ષાના ખગોળનિરીક્ષકે આકાશના આ જ વિસ્તારમાં એની પાસે જ આવેલા છેક 4થા વર્ગના એક ઝાંખા તારાની હાજરીની નોંધ કરી છે, પરંતુ આજે પણ નરી આંખે દેખી શકાતા આ દેવયાની–તારાવિશ્વની અછડતી નોંધ પણ ક્યાંય કરી નથી! આમ દેવયાની–તારાવિશ્વને જોઈ અને તેની નોંધ લેનાર સંશોધક તરીકેનું માન ખાટી જનાર અલ્-સૂફી છે.

અલ્-સૂફીએ વેધો લેવામાં જે ચોકસાઈ દેર્શાવી છે તે એમ માનવા પ્રેરે છે કે એણે આ માટે જાતે જ કેટલાંક ઉત્કૃષ્ટ ખગોળીય ઉપકરણો બનાવ્યાં હોવાં જોઈએ. વળી આ પ્રખ્યાત તારાપત્રક ઉપરાંત, એણે એક પુસ્તક વેધયંત્ર (astrolabe) ઉપર અને બીજું જ્યોતિષશાસ્ત્ર (astrology) ઉપર લખ્યું છે.

સુશ્રુત પટેલ