અલ્લાબેલી

January, 2001

અલ્લાબેલી (1946) : ત્રિઅંકી ઐતિહાસિક નાટક. લેખક ગુણવંતરાય આચાર્ય. રજૂઆત ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન, 1946. લાંબાં મૌલિક નાટકો ગુજરાતમાં જ્યારે અવેતન રંગભૂમિ માટે ઓછાં લખાતાં હતાં ત્યારે આ નાટક ઘણું સફળ ગણાયેલું. જસવંત ઠાકરે ઇન્ડિયન પીપલ્સ થિયેટર દ્વારા એની ફરી રજૂઆત (1947) કરી હતી. ઓખાનો પદભ્રષ્ટ માણેક કુળનો છેલ્લો વારસ મૂળુભા અને એના કાકા જોધોભા મૂળુના વિવાહના ખર્ચ માટે કોડીનારમાં ગાયકવાડી સૂબા પાસે જાય છે. તેમની વચ્ચે આ મતલબનો અગાઉ કરાર થયેલો છે; પરંતુ સૂબો કંઈ સાંભળ્યા વિના તેમનું અપમાન કરે છે. એને સમાંતર મૂળુભાનો બાળપણનો ગોઠિયો દેવોભા મૂળુ માણેકની બહેન દેવબાઈ સાથે વિવાહની વાત વિચારે છે, પણ દેવબાઈ તેમાં હા ભણતી નથી. પછી મિત્રો વિરોધીઓ બને છે. દૈવયોગે દેવોભા ગાયકવાડી રાજમાં સિપાહેસાલાર થઈ ઓખામાં નિયુક્ત થાય છે અને આ બાજુ મૂળુ માણેક ગાયકવાડની સામે બહારવટે ચઢે છે. મૂળુ માણેકની બહાદુરી અને કુનેહ સામે દેવોભા ટકી શકતો નથી. એનું કાવતરાખોર મગજ ગાયકવાડને ખુશ કરવા માટે મૂળુ માણેકની વિવાહિતા શ્યામબાઈને બાનમાં રાખવા જાય છે. એની ઝપાઝપીમાં કાકા જોધોભા કામ આવે છે. વેરનો માર્યો દેવોભા રણછોડરાયની રાંગે જોધોભાનું માથું પ્રદર્શિત કરવા તૈયાર થાય છે; પણ દેવોભાની જ મા નાગબાઈ મોતને માન આપવા પોતાનું શિર વધેરી આપે છે. માની આ કુરબાનીથી દીકરાની આંખ ખૂલે છે. શક્તિશાળી દુશ્મનની સામે હથિયાર છોડવા અને માણેક કુળના રક્ષણ માટે મૂળુને જમનાદાસ શેઠ સમજાવે છે; પણ હૃદયપરિવર્તન પામેલો દેવોભા મૂળુને પડખે આવી ઊભો રહે છે. પોતાના સાથીઓનો જાન બચાવવા કૃતનિશ્ચય મૂળુભાને હથિયાર ન છોડવા દેવોભા સમજાવે છે. જાનફેસાની અને કુરબાનીનાં મૂલ્યોને આગળ ધરતી આ કથાને અંતે મૂળુભા અને શ્યામબાઈ તથા દેવોભા અને દેવબાઈ બંને યુગલો મોતને ભેટે છે. સ્થળકાળકથાની ત્રિવિધ એકતાવાળું આ સુગ્રથિત નાટક તત્કાલીન સાહિત્ય અને રંગભૂમિના સંદર્ભમાં ખૂબ નોંધપાત્ર છે. બળૂકી લોકબોલી અને લોકગીતો નાટકમાં ઉત્તમ અસર કરે છે. રંગભૂમિ પરની એની રજૂઆત પણ એટલી જ ચોટદાર બની રહે છે. વાઘેર લોકોના જીવનની વાસ્તવિકતા રજૂ કરવા દ્વારકાથી કેટલાક વાઘેરોને છેક મુંબઈનાં રિહર્સલોમાં નિમંત્રવામાં આવ્યા હતા.

હસમુખ બારાડી