અલીઘની પર્વતમાળા

January, 2001

અલીઘની પર્વતમાળા : ઉત્તર અમેરિકાનાં પેન્સિલ્વેનિયા અને વર્જિનિયા રાજ્યોમાં આવેલી પર્વતમાળા. તેની પૂર્વે ઍપેલેશિયન પર્વતનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉત્તરે પેન્સિલ્વેનિયાની મધ્યમાંથી તે શરૂ થાય છે અને દક્ષિણ વર્જિનિયામાં પૂરી થાય છે.

પેન્સિલ્વેનિયામાં આ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ડેવિસ 980 મીટરની ઊંચાઈએ છે : જ્યારે વર્જિનિયામાં તેનું સર્વોચ્ચ શિખર સ્પ્રુસ નૉબ 1300 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વતમાળાની હારો ઉત્તરપૂર્વ અને દક્ષિણપશ્ચિમ લગભગ સમાંતર જેવી આવેલી છે.

જ્યૉર્જ વૉશિંગ્ટન અને જેફરસન નૅશનલ ફૉરેસ્ટનો કેટલોક ભાગ તેની અંતર્ગત છે. તે કુદરતી સૌન્દર્યથી ભરપૂર છે.

હેમન્તકુમાર શાહ