અલગતા (અલગીકરણ – isolation) : એક જાતિનાં સજીવોનાં વિવિધ જૂથ એકમેકના સંપર્કમાં ન આવી શકવાની પરિસ્થિતિ. વિવિધ પ્રકારનાં સજીવો વિશાળ ભૌગોલિક પ્રદેશમાં પથરાયેલાં હોય છે. આવા સમૂહ અનેકવિધ અવરોધોને કારણે જૂથોમાં વહેંચાઈ જાય છે તેને કારણે અલગતા સર્જાય છે. તેને માટે ઊંચા પર્વતો, વિશાળ જળસંચય ઇત્યાદિ જવાબદાર હોય છે. અલગીકરણ માટે અન્ય જવાબદાર કારણો પણ છે, જે એક વિસ્તારમાં રહેતાં સજીવોમાં અલગીકરણ પ્રેરે છે. વર્તનીય, મોસમી, દેહધાર્મિક, પર્યાવરણીય તથા યાંત્રિક અલગીકરણ આવા પ્રકારોમાં સમાવેશ પામે.

અલગીકરણને પરિણામે એક જાતિનાં હોવા છતાં સજીવો લિંગી પ્રજનન કરી શકતાં નથી તેથી બે સજીવોનાં જનીનો એકત્રિત થતાં નથી. તેને પરિણામે સજીવોનાં લક્ષણોની ભિન્નતા જળવાઈ રહે છે. આ ભિન્નતા કાળક્રમે એવી કક્ષાએ પહોંચે છે કે તે સજીવો વચ્ચે પ્રજનન શક્ય રહેતું નથી. આમ થાય ત્યારે સજીવોના તે રીતે અલગ થયેલા સમૂહો અલગ જાતિમાં ફેરવાય છે. આમ અલગતા, ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં નવી જાતિના ઉદભવ માટે જવાબદાર બને છે.

સજીવોનાં લક્ષણોમાં રહેલી વિવિધતા તથા અલગીકરણને કારણે આ વિવિધતાની જાળવણી અને વૃદ્ધિ, નવી જાતિના સર્જન માટેની પ્રક્રિયાનાં મહત્વનાં પાસાં છે.

નરેન્દ્ર ઈ. દાણી