અલગતાવાદ (isolationism) : અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ  (1939-45) પહેલા સુધી અપનાવેલો વિદેશનીતિનો સિદ્ધાંત. અલગતાવાદ, તટસ્થતા અને બિનજોડાણ શબ્દપ્રયોગોનો ઉપયોગ વિદેશનીતિના ક્ષેત્રમાં થાય છે. રાજ્યશાસ્ત્રની દૃષ્ટિએ આ ત્રણે શબ્દોના અર્થ ભિન્ન છે. વળી અલગ અલગ ઐતિહાસિક સંદર્ભમાં તેમનો ઉપયોગ થયેલો છે.

‘અલગતાવાદ’, ‘અલગતાવાદી માનસ’ એ શબ્દોનો ઉપયોગ અમેરિકાનાં સંયુક્ત રાજ્યોના બીજા દેશો સાથેના સંદર્ભમાં થયો છે. સ્વતંત્ર થયા પછી, અમેરિકાએ છેક બીજા વિશ્વયુદ્ધ (1939-45) પહેલાં સુધી ‘અલગતાવાદી’ વિદેશનીતિ અપનાવી હતી. 12 જૂન 1787ના રોજ અમેરિકન કૉંગ્રેસમાં એક ઠરાવ પસાર થયો. યુરોપનાં રાષ્ટ્રોના રાજકારણ અને વિવાદોમાં શક્ય હોય તેટલું ઓછું સંડોવાય, તેમાં અમેરિકાનું હિત રહેલું છે એવો તેનો આશય હતો. વૉશિંગ્ટને પણ જણાવ્યું હતું કે વિદેશો સાથેના સંબંધમાં આપણે માટે વર્તાવનો એક મોટો નિયમ એ છે કે તેમની સાથે (યુરોપનાં રાષ્ટ્રો સાથે) વ્યાપારી સંબંધો વિકસાવવા, પરંતુ રાજકીય સંબંધો શક્ય તેટલા ઓછા રાખવા. યુરોપનાં રાજ્યોનાં મૂળભૂત હિતો સાથે આપણે નજીવો સંબંધ છે…. આપણી સાચી નીતિ વિદેશી દુનિયાના કોઈ પણ ભાગ (ખાસ કરીને યુરોપ) જોડે કાયમી જોડાણોથી દૂર રહેવાની છે…. અસાધારણ કટોકટીને પહોંચી વળવા આપણે કામચલાઉ જોડાણોનો આશરો જરૂર લઈ શકીએ. આમ યુરોપના દેશો સાથે મુત્સદ્દી અને લશ્કરી જંજાળોમાં ન ફસાવાની નીતિને મુખ્યત્વે અલગતાવાદની નીતિ તરીકે ઓળખાવવામાં આવે છે.

આમ છતાં અમેરિકાના સંદર્ભમાં પણ ‘અલગતાવાદ’નો આ એક જ અર્થ નથી. ‘અલગતાવાદ’ એ અમેરિકાના બીજા દેશો સાથેના સંબંધોમાં અમુક વલણો અને ધારણાઓને રજૂ કરે છે. અલગ અલગ સમયે સંજોગો અનુસાર તેનાં વિવિધ અર્થઘટનો કરવામાં આવ્યાં છે.

‘અલગતાવાદ’ શબ્દનો એક બીજો પણ અર્થ અમેરિકનોએ કર્યો છે, જેની અસર અમેરિકાના યુરોપ સાથેના સંબંધો પર, અમેરિકાએ અલગતાવાદની નીતિનો ત્યાગ કર્યા પછી પણ રહેલી છે. અમેરિકા, યુરોપથી ભિન્ન છે અને તે માત્ર ભૌગોલિક દૃષ્ટિએ જ નહિ પરંતુ નૈતિક રીતે, આધ્યાત્મિક રીતે, વિચારસરણીની દૃષ્ટિએ પણ અલગ છે. બંનેની જીવન જીવવાની રીતો પણ અલગ છે. યુરોપના દેશો સામંતશાહી વલણ ધરાવે છે, અમેરિકા લોકશાહીમાં શ્રદ્ધા રાખે છે. યુરોપના દેશો સત્તા માટેની ખટપટોમાં રાચે છે, સત્તાના સંતુલનની રમત વર્ષોથી રમે છે. અમેરિકાને સત્તાના અભિગમમાં શ્રદ્ધા નથી. યુરોપ રાજાશાહી અને મુત્સદ્દી ખટપટોમાંથી બહાર આવતું નથી. અમેરિકાને મુત્સદ્દી ખટપટોમાં નહિ પણ લોકશાહીમાં વિશ્વાસ  છે. યુરોપની સરકારો રાજકીય અને ધાર્મિક લઘુમતીઓ પ્રત્યે અસહિષ્ણુ છે; અમેરિકા તો આવી સ્થળાંતર કરી આવેલી લઘુમતીઓ અને તેમના મિલનમાંથી જ સર્જાયેલો દેશ છે. યુરોપના દેશો ભૂતકાળ તરફ નજર નાખે છે, અમેરિકા વર્તમાનમાં જીવે છે અને સુંદર ભવિષ્યનું સ્વપ્ન જુએ છે. એક ખંડ જેવડા મોટા દેશમાં સ્થાનિક સ્વાતંત્ર્યનો ભોગ આપ્યા વગર લોકશાહી ઢબે રાજ્યતંત્ર ચલાવીને અમેરિકનોએ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોવાથી, અમેરિકાના લોકોમાં પોતે વિશિષ્ટ હોવાની લાગણી વધુ પ્રબળ છે.

યુરોપ પ્રત્યેના અમેરિકાના આ અભિગમની ચર્ચા કરતાં સ્ટેનલી હૉફમાન નોંધે છે તેમ, જ્યારે અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18)માં દાખલ થયું ત્યારે તેનો ખ્યાલ યુરોપનું રક્ષણ કરવાનો નહિ, પરંતુ એક પતિત ખંડનો ઉદ્ધાર કરવાનો હતો. અમેરિકા જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં દાખલ થયું ત્યારે પણ યુરોપના દેશોને મુક્તિ અપાવનારની ભૂમિકા અમેરિકાએ ભજવી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ યુરોપ અને વિશ્વને સામ્યવાદથી બચાવવાનું કાર્ય હાથ ધર્યું હતું. રુકાવટ(containment)ની નીતિ, નાટોનું સર્જન અને માર્શલ પ્લાન એ આ માટેનાં સાધનો હતાં. આ પેઢીના અમેરિકનોએ યુરોપને બીમાર ગણીને સારવાર અને સહાનુભૂતિને પાત્ર માન્યું હતું. 1960ના દાયકાના અમેરિકનોને યુરોપ એક એવો ખંડ લાગ્યો છે, જે સતત અમેરિકનોના ધ્યાનમાં આવવાની કોશિશ કરે છે. આ અમેરિકનોની દૃષ્ટિએ અમેરિકા અને યુરોપના ધ્યેયો સમાન છે. છતાં યુરોપ, અમેરિકાની સહાયની આશા રાખવા છતાં અમેરિકાને સહયોગ આપતું નથી. હૉફમાનના મતે આથી અમેરિકનોના યુરોપ પ્રત્યેના વલણમાં અધીરતા (impatience) દેખાય છે. યુરોપ, અમેરિકાની જનની છે એ ખ્યાલ અમેરિકામાં ભુલાતો જાય છે અને અમેરિકનોના યુરોપ પ્રત્યેના વલણમાં એક જાતનો કંટાળો (boredom) નજરે પડે છે.

વીસમી સદીની શરૂઆતમાં અમેરિકાએ હાંસલ કરેલી આર્થિક સ્વાવલંબનની શક્તિ દર્શાવવા માટે પણ ‘અલગતાવાદ’ શબ્દનો ઉપયોગ થયો છે. 19૦૦ પછી અમેરિકાએ લશ્કરી સલામતી પ્રાપ્ત કરી અને પશ્ચિમ ગોળાર્ધમાં તે અજેય બન્યું તે દર્શાવવા પણ ‘અલગતાવાદ’ શબ્દનો ઉપયોગ થયો છે. અમેરિકાની પ્રજાને આંતરિક બાબતોમાં જેટલો રસ છે, તેટલો વિદેશીય સંબંધોમાં નથી, એ અભિગમને પણ ‘અલગતાવાદ’ દર્શાવે છે. ‘અલગતાવાદ’નો અર્થ ‘રાષ્ટ્રીય સાર્વભૌમત્વની જાળવણી અને નિર્ણય લેવામાં સ્વતંત્રતા’ એવો પણ કરવામાં આવ્યો છે. ક્રાંતિ સમયે અમેરિકાને મદદ કરનાર દેશો (ફ્રાન્સ), ક્રાંતિ પછી પણ અમેરિકા તેમના પર આધાર રાખે તેવું ઇચ્છતા હતા. આ સંદર્ભમાં ‘અલગતાવાદ’નો અર્થ ઉપર પ્રમાણે કરવામાં આવ્યો. આ સિવાય ‘અલગતાવાદ’ એટલે એકપક્ષીય વાદ (unilateralism) કે એકલે હાથે જ કામ કરવાનું વલણ એવો પણ કરવામાં આવ્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી અમેરિકા રાષ્ટ્રસંઘ (League of Nations)માં ન જોડાયું અને મર્યાદિત પ્રમાણમાં જ આંતરરાષ્ટ્રીય સહકારને તેણે આવકાર્યો. બીજા વિશ્વયુદ્ધનાં વાદળો ઘેરાયાં ત્યારે સરમુખત્યારોનો સામનો કરવા માટે પણ અમેરિકા આ વલણને કારણે બીજાં રાષ્ટ્રો સાથે અમુક સમય સુધી સહકાર સાધી શક્યું ન હતું. ‘અલગતાવાદ’નો અર્થ ‘ખંડવાદ’ (continentalism) એવો પણ કરવામાં આવ્યો છે. 1823માં પ્રમુખ મનરોએ એક જાહેરાત (Monroe Doctrine) કરી. એ મુજબ, ઉત્તર અમેરિકા ખંડના કોઈ પણ સ્વતંત્ર થયેલા દેશને, યુરોપનાં રાજ્યો સંસ્થાન (colony) બનાવી શકશે નહિ. આવા પ્રયત્નોને અમેરિકા સાંખી લેશે નહિ.

1776માં અમેરિકા સ્વતંત્ર થયું ત્યારથી 1939 સુધી, (પ્રથમ વિશ્વયુદ્ધના અપવાદને બાદ કરતાં) એટલે કે 150 વર્ષથી પણ વધુ સમય માટે અમેરિકાએ સફળતાપૂર્વક અલગતાવાદની નીતિ અપનાવી હતી. આ નીતિ એ અમેરિકાની સર્વસંમત રાષ્ટ્રીય નીતિ હતી. બધા પક્ષો અને સમાજનાં બધાં જૂથો એને ટેકો આપતાં હતાં. જોકે ભૂતકાળની જેમ, બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અલગતાવાદી રહ્યું નથી. સેનેટર રૉબર્ટ ટેફટે 1950માં કહ્યું, ‘હું જાણતો નથી કે તેઓ અલગતાવાદનો અર્થ શું કરે છે. આજે કોઈ અલગતાવાદી નથી.’ એક સર્વોચ્ચ સત્તા (super power) બનવાને કારણે અને બીજા વિશ્વયુદ્ધ પહેલાંની અનેક મોટી સત્તાઓનો ક્ષય થતાં, અમેરિકા વિશ્વ પ્રત્યેની જવાબદારી ટાળી શકે તેમ નથી.

આમ છતાં અમેરિકા, અલગતાવાદની અસરથી મુક્ત થયું નથી. નવ-અલગતાવાદે (neo-isolationism) અમેરિકામાં બે સ્વરૂપો ધારણ કર્યાં છે. (1) ઉદાર નવ-અલગતાવાદ (liberal neo-isolationism) : આ વિચારસરણી ધરાવતા બુદ્ધિવાદી અમેરિકનો માને છે કે કોરિયા યુદ્ધ (1950-53) અને વિયેટનામ યુદ્ધો(1964-73)માં અમેરિકાએ સંડોવાવું જોઈએ નહિ અને વિશ્વની ચોકી (world policing) કરવાનું કામ કરવું જોઈએ નહિ. તેણે પોતાનાં ધ્યેયો સિદ્ધ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘને ટેકો આપવો જોઈએ, ત્રીજા વિશ્વના દેશોને આર્થિક મદદ કરવી જોઈએ, આ દેશોની ક્રાંતિકારી ચળવળોને ટેકો આપવો જોઈએ. એક ઉચ્ચ દાખલો પૂરો પાડીને અમેરિકા વિશ્વમાં પોતાની વગ વધારી શકે. (2) રૂઢિચુસ્ત નવ-અલગતાવાદ (conservative neo-isolatonism) : આ વિચારધારામાં માનનારા પણ અમેરિકાની વૈશ્વિક જવાબદારીઓ ઘટાડવા માગે છે. પરંતુ આ માટેનાં એમનાં કારણો અલગ છે. એમની દૃષ્ટિએ અમેરિકાના જૂના મિત્રો ભરોસાપાત્ર નથી. ત્રીજા વિશ્વના દેશોને પુષ્કળ મદદ કરી હોવા છતાં અમેરિકા નવા મિત્રો બનાવી શક્યું નથી. અમેરિકાના પ્રયત્નો છતા વિશ્વમાં શાંતિ અને સ્થિરતા લાવી શકાઈ નથી. ટૂંકમાં, વિશ્વનું વાતાવરણ જ અમેરિકાને માટે અનુકૂળ નથી. રાષ્ટ્રનાં સાધનોનો ઉપયોગ રાષ્ટ્રનાં લશ્કરી કે આર્થિક હિતો માટે જ થવો જોઈએ.

વિયેટનામના દુ:ખદ અનુભવો પછી અમેરિકાના નાગરિકો માટે દ્વિધા ઊભી થઈ છે. વિશ્વની એક સર્વોચ્ચ સત્તા હોવાને કારણે અમેરિકા ભૂતકાળની જેમ અલગતાવાદી બની શકે તેમ નથી. વિશ્વના રાજકારણમાં સત્તાનો ઉપયોગ કે તેનું પ્રદર્શન ન કરવાથી પણ અમેરિકાનાં હિતોને નુકસાન થાય છે. કાર્ટરના સમયમાં આનો સારો એવો અનુભવ અમેરિકનોને થયો. બીજી બાજુએ વિયેટનામ જેવાં યુદ્ધો અમેરિકા માટે ખૂબ ખર્ચાળ બને છે. અમેરિકાની રાષ્ટ્રીય શૈલી અને આવાં લાંબાં યુદ્ધો સુસંગત બનતાં નથી. 198૦ના દાયકાના અમેરિકનો ‘શાંતિ’ અને ‘શક્તિ’ બંને ઇચ્છે છે. આથી ‘પસંદગીનાં ક્ષેત્રોમાં દરમ્યાનગીરી’ ‘નવી રીતો દ્વારા દખલગીરી’ની નીતિ અમેરિકામાં અપનાવવામાં આવે છે. પરંતુ અમેરિકન દખલગીરીનો દરેક પ્રસંગ અમેરિકાના આંતરિક જીવનમાં ચર્ચા, વિવાદ અને વિખવાદનો પ્રસંગ બને છે. ‘અલગતાવાદ’ના સમયની સોનેરી સર્વસંમતિ અદૃશ્ય થતાં આમ બન્યું છે. આને કારણે જ પ્રમુખ અને કૉંગ્રેસ વચ્ચેનો સંઘર્ષ પણ વધુ ઉગ્ર બન્યો છે. આ બંને સંસ્થાઓ પાસે નીતિ (policy) જ નથી એવા સામસામે આક્ષેપો થાય છે. અમેરિકાના પ્રમુખનાં વચનોમાંથી બીજા દેશોની શ્રદ્ધા ઘટી છે.

‘અલગતાવાદ’ની નીતિથી અમેરિકાને કેટલાક લાભ મળ્યા છે, તો અમુક અંશે નુકસાન પણ થયું છે. 1812થી લગભગ એક સદી સુધી એક નાના ભૂમિદળની મદદથી અને નૌકાદળની ગેરહાજરીમાં અમેરિકા જો પોતાનું રક્ષણ કરી શક્યું હોય તો તેનો યશ અલગતાવાદની નીતિને જાય છે. આ અભિગમથી અમેરિકા ‘નબળાઈ દ્વારા શક્તિ’(strength through weakness)નું સર્જન કરી શક્યું. આથી જ પોતાના કુલ કાચા રાષ્ટ્રીય ઉત્પાદન(gross national product)નો એક ટકા જેટલો જ ખર્ચ સલામતી પાછળ કરીને પણ અમેરિકા સલામત રહી શક્યું. પોતાનાં લશ્કરી દળોનો ઉપયોગ અમેરિકા રેડ ઇન્ડિયનોને દબાવવામાં અને આંતરિક શાંતિ અને રાજકીય સ્થિરતા સ્થાપવામાં કરી શક્યું. આને કારણે જ પોતાની કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અમેરિકા સમૃદ્ધ બની શક્યું. આ સિવાય અલગતાવાદની નીતિનું બીજું મોટું પ્રદાન એ હતું કે તેનાથી અમેરિકા સામાજિક એકતા પણ જાળવી શક્યું. વિશ્વના અનેક દેશોમાંથી લોકો સ્થળાંતર કરીને અમેરિકા આવ્યા હતા. યુરોપના દેશો ઓગણીસમી સદી અને વીસમી સદીમાં પરસ્પર ઝઘડતા હતા. આનાથી તેઓ અમેરિકામાં દખલ કરી શક્યા નહિ અને અમેરિકાની સ્વતંત્રતા સચવાઈ શકી. અમેરિકાએ યુરોપના આ કે તે દેશની તરફેણમાં વિદેશનીતિ ઘડી હોત, તો જેમની તરફેણમાં આ નીતિ ઘડાઈ હોત તેવાં અમેરિકન જૂથોનો ટેકો આ નીતિ માટે મળી શકત. આવાં જૂથોને હજી માતૃદેશ તરફ પ્રીતિ હોવાને કારણે. પરંતુ સમગ્ર અમેરિકન રાષ્ટ્રનો ટેકો મળી શકત નહિ. આ સંજોગોમાં અલગતાવાદની નીતિ ડહાપણભરેલી હતી. અમેરિકા એક રાષ્ટ્ર તરીકે એકતા વિકસાવે, સ્થિરતા પ્રાપ્ત કરે, વિકાસ સાધે, પછી પોતાને ગમતી વિદેશનીતિ અપનાવે એ વધુ યોગ્ય હતું.

‘અલગતાવાદ’ની નીતિ અપનાવવાથી અમેરિકાને કેટલાક ગેરલાભો પણ થયા. આ નીતિ વૉશિંગ્ટન, જેફરસન અને મનરોના સમયમાં જરૂર યોગ્ય હતી. પરંતુ ‘અલગતાવાદ’ના સિદ્ધાંતો અમેરિકાના રાજકીય જીવનના ભાગ બની ગયા હોવાથી બદલાયેલા સંજોગોમાં પણ તેમને દોહરાવવામાં આવતા હતા. અમેરિકાનું રાષ્ટ્રીય માનસ ‘અલગતાવાદ’ની અસર નીચે એટલું બધું આવ્યું હતું કે તેને બીજા વિશ્વયુદ્ધ માટે તૈયાર કરતાં પ્રમુખ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટને ખાસ્સો સમય લાગ્યો હતો. જાપાનના પર્લ હાર્બર પરના હુમલાએ આપેલા આંચકાથી જ અમેરિકન પ્રજા યુદ્ધમાં દાખલ થવા તૈયાર થઈ હતી. ‘અલગતાવાદ’ની સફળતાએ અમેરિકનોની શબ્દો, ઠરાવો અને જાહેરાતો પરની આસ્થા મજબૂત કરી હતી. અમેરિકનો એ પણ ભૂલ્યા હતા કે બ્રિટનનાં નૌકાદળોની હાજરીએ તેમની સલામતીમાં મોટો ભાગ ભજવ્યો હતો. ‘‘અલગતાવાદથી ‘સલામતી’ ’’ના ખ્યાલમાં માનતું હોવાને કારણે અમેરિકા મોટા અને અસરકારક સૈન્યતંત્રનું સર્જન કરી શક્યું નહોતું. 192૦ અને 1930ના દાયકાની શરૂઆતમાં અમેરિકાનું લશ્કર ત્રીજી કક્ષાની યુરોપીય સત્તાથી પણ ઊતરતું હતું. આમ ‘અલગતાવાદ’ની નીતિ અનુસરવાથી રાષ્ટ્રીય સલામતીના સાચા આધારો સમજવામાં અને એ માટે યોગ્ય પગલાં લેવામાં અમેરિકાને નિષ્ફળતા મળી હતી.

અમેરિકાની યુરોપના દેશો તરફની સૂગને કારણે અમેરિકાને મુત્સદ્દીગીરી (diplomacy) તરફ પણ સૂગ ઊભી થઈ હતી. આથી જ અમેરિકામાં મુત્સદ્દીસેવા(diplomatic service)ની રચના છેક 1924માં થઈ શકી. તે પછીનાં પચાસ વર્ષ બાદ પણ અમેરિકાના મુત્સદ્દીઓનાં પગાર અને સેવાની શરતો આકર્ષક ન હતી. આ વાતાવરણમાં વિદેશખાતું (State Department) ઓરમાયું ખાતું બન્યું હતું. તેને અમેરિકન પ્રજાનાં એવાં કોઈ જૂથોનો ટેકો ન હતો (કૃષિ કે ઉદ્યોગખાતાની જેમ) કે જે તેના વિકાસમાં રસ લે. ખુદ અમેરિકાના પ્રમુખોને પણ આ વિભાગ પ્રત્યે શંકા રહે છે. છેલ્લે, ‘અલગતાવાદ’ની નીતિ અનુસરવાથી અમેરિકન પ્રજાને પણ વિદેશસંબંધોમાં ઓછો રસ રહ્યો છે.

મહેન્દ્રભાઈ ઠા. દેસાઈ