અલંગ : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું બંદર. તે ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે ખુલ્લા સમુદ્રથી 1.6 કિમી. દૂર, તળાજાથી 20 કિમી. અને ભાવનગરથી 50 કિમી. અંતરે મણાર ગામ નજીક મણારી નદી ઉપર આવેલું છે. તે ભાવનગર-તળાજા-મહુવા કંઠાર ધોરીમાર્ગથી તથા રાજ્યમાર્ગથી રાજ્ય-પરિવહનની સીધી સળંગ બસસેવા દ્વારા જોડાયેલું છે. ‘મિરાતે અહમદી’માં સોરઠ(સૌરાષ્ટ્ર)ના બંદર તરીકે તથા ‘દસ્તૂર-અલ-અમલ’(મહેસૂલી દફતર)માં પણ તેનો બંદર તરીકે ઉલ્લેખ છે. તાજેતરનાં વર્ષોમાં તે જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું બનેલું છે.

દુનિયામાં જાપાન, તાઇવાન અને કોરિયામાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ સારી રીતે ચાલે છે. ભારતમાં આ ઉદ્યોગની શરૂઆત 1970માં મુંબઈ ખાતે થયેલી. 1973, 1978 અને 1981-82માં અનુક્રમે 26,000; 82,000 અને 1.28 લાખ ટનનાં જહાજો ભંગાયાં હતાં. હૂંડિયામણની મુશ્કેલીને લીધે 1983માં માત્ર 25 જહાજો જ ભંગાયેલાં. મુંબઈમાં ત્રણ લાખ ટન જહાજો ભાંગવાની ક્ષમતા ધરાવતું માત્ર એક જ કારખાનું હતું.

1981માં ગુજરાત રાજ્યના તત્કાલીન નાણામંત્રી સનત મહેતાને સૌરાષ્ટ્રના સાગરકાંઠે આ ઉદ્યોગ સ્થાપવાની અનુકૂળતાનો ખ્યાલ આવ્યો. તેમના પ્રમુખપણા નીચે મહેતા, ઘોષ અને જોષીની સમિતિ ગુજરાત સરકાર દ્વારા નીમવામાં આવી અને 1982ના ચોથા ચરણ દરમિયાન વાંસી બોરસી (નવસારી), પોરબંદર, સચાણા (જામનગર), માંડવી (કચ્છ) અને અલંગની મુલાકાત લેવાઈ. તે પૈકી અલંગ પર પસંદગી ઊતરી અને 1982ના અંતે અલંગને વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ગાળા દરમ્યાન ઘડતર લોખંડ તથા પોલાદની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો. હતો. 13 ડિસેમ્બર, 1983ના રોજ ‘ધ ડેડિયેર’ નામના એક જહાજે અલંગના દરિયાકાંઠે લંગર નાખ્યું અને અહીં જમાનાથી ઉજ્જડ પડેલી દરિયાકાંઠાની જમીન પર આ ઉદ્યોગનો પ્રારંભ થયો. અલંગને પસંદ કરવા માટે શાંત દરિયો, સાનુકૂળ ભરતી, કિનારા નજીક ઊંડું પાણી વગેરે જેવી બાબતો લક્ષમાં લેવામાં આવેલી છે. અહીં ભાંગવાનાં જહાજોને છેક દરિયાકાંઠા સુધી લાવી શકાય છે અને તેની બંને બાજુ કામ કરી શકાય છે. અલંગ ખાતે જમીન પર જહાજ ભાંગી ભંગાર છૂટો પાડવાનું કામ ચાલે છે. વળી અહીં વાવાઝોડાં તથા ઝડપી સમુદ્રપ્રવાહનો ભય રહેતો નથી. બંદર નજીક કાટમાળને રાખવા તથા વર્ગીકરણ માટે પુષ્કળ ખુલ્લી જમીન છે. જહાજને લંગર નાખી પડી રહેવા માટે મોટું બારું પણ છે.

Calendar 2020 (Alang)

અલંગ બંદરે ચાલી રહેલું જહાજ ભાંગવાનું કામ

સૌ. "Calendar 2020" | CC BY-SA 4.0

સ્ટીલના કારખાનામાં ઉત્પન્ન થતા એક ટન જેટલા સ્ટીલના ગઠ્ઠા (ingots) માટે 450 કિવો. વીજળીની જરૂર પડે છે, જ્યારે ભંગારમાંથી બનાવાતા સ્ટીલ માટે 110થી 115 કિવો. વીજળી વપરાય છે. આમ, વીજળીની બચત થાય છે અને એકંદર ખર્ચ ઓછો આવે છે. રી-રોલિંગ મિલો ગોળ સળિયા, વળવાળા (twisted) સળિયા, હળવાં માળખાં, ઍંગલો, સેક્શન પટ્ટીઓ, તાર વગેરે તૈયાર કરે છે. 1966થી 1978ના ગાળા દરમ્યાન સંગઠિત ક્ષેત્રે આવેલી રી-રોલિંગ મિલોનો વાર્ષિક વૃદ્ધિદર માત્ર 4% હતો, જ્યારે ભંગાર વાપરતી રી-રોલિંગ મિલોમાં ઉત્પાદનવૃદ્ધિનો દર 20% હતો. એક ટન ભંગાર મેળવવા માટે 6 માનવશ્રમ-દિવસોની જરૂર પડે છે. પાંચ લાખ ટન ભંગાર મેળવવા 30 લાખ માનવશ્રમ-દિવસોની રોજગારી ઊભી થાય છે. 1,000 લોકો એક વર્ષ સુધી રી-રોલિંગ મિલમાં રોજી મેળવી શકે છે. આ ઉપરાંત રી-રોલિંગ મિલો દ્વારા 15,000 માણસોને રોજી મળી શકે. ફાઉન્ડ્રી-ઉદ્યોગ, બિનલોહધાતુ-ઉદ્યોગ, ઑક્સિજન-પ્લાન્ટ, ટ્રાન્સપૉર્ટ, સંચાલન વગેરેમાં રોકાયેલા લોકોને પણ મજૂરી અને કામ મળી શકે. અહીં આ ઉદ્યોગ સ્થપાવાથી 20થી 25 હજાર લોકોનો વસવાટ થયો છે.

પ્રારંભમાં ભાંગવા માટેનાં જહાજો મુખ્યત્વે ઉતારુ પ્રકારનાં જહાજો આવતાં હતાં. આ જહાજોમાંથી વીજળીના પંખા, વીજળીનાં અન્ય સાધનો, કૅબિનો, રાચરચીલું, વીજાણુ સાધનો, કીમતી લાકડાં વગેરે જેવી વસ્તુઓ સસ્તા ભાવથી મળે છે. હાલ વધુ સ્ટીલ મળે તે માટે માલવાહક જહાજો, ટૅન્કરો વગેરે ભાંગવા માટે વધુ પસંદ કરાય છે. ભિલાઈ ખાતેનું સ્ટીલનું કારખાનું જેટલું રોલ્ડ સ્ટીલ ઉત્પન્ન કરે છે તેથી વધુ સ્ટીલ ભાવનગર અને આસપાસની રી-રોલિંગ મિલો ઉત્પન્ન કરે છે. અહીં નજીકનાં ગામોમાં પણ ફાઉન્ડ્રી અને ઑક્સિજનનાં કારખાનાં જોવા મળે છે.

પ્રારંભમાં અલંગ ખાતે 60 પ્લૉટો હતા. હાલ અલંગ અને નજીકનાં ગામોમાં 173 પ્લૉટો છે. આ પ્લૉટો 30 × 45 મીટરથી માંડીને 120 × 50 મીટર સુધીના વિવિધ માપના છે. ડૉલર કે અન્ય પરદેશી હૂંડિયામણમાં એકીસાથે કિંમત આપનારને તે પ્લૉટો ફાળવાય છે. ‘મૅટલ સ્ક્રૅપ ટ્રેડિંગ કૉર્પોરેશન’ દ્વારા વહેલો તે પહેલોની નીતિ અનુસાર પ્લૉટ ફાળવાતો હતો અને એક જહાજ ભાંગવા માટે અપાતું હતું. હવે ટેન્ડર મંગાવીને હરાજીથી પ્લૉટોનું વેચાણ થાય છે. જૂના પ્લૉટધારક માટે 10 મીટરદીઠ વાર્ષિક ભાડું લેવાય છે. નવા પ્લૉટધારકનો મીટરદીઠ 2,700 રૂપિયા અપસેટ કિંમત ઉપરાંત બોલી બોલાય તે પ્રમાણે પ્લૉટ અપાય છે. આ પ્લૉટ 10 વર્ષ માટે અપાય છે. આ ઉપરાંત વૉર્ફ ચાર્જ, પાઇલટ-સેવાનો ચાર્જ પણ લેવાય છે.

પ્રારંભમાં આ ઉદ્યોગમાં અઢીથી ત્રણ કરોડ રૂપિયાનું રોકાણ હતું, તે વધીને હવે 300 કરોડ જેટલું થયું છે. કુલ ભંગારમાંનો મોટો ભાગ ભાવનગર, શિહોર, વરતેજ વગેરે શહેરો અને ગામવિસ્તારની રી-રોલિંગ મિલો અને ફાઉન્ડ્રીઓ વાપરે છે. 101 ટ્રક જેટલા ભંગારની ગુજરાત રાજ્ય બહાર નિકાસ થાય છે.

આ ઉદ્યોગમાં મુખ્યત્વે ઓરિસાના મજૂરો કામ કરે છે. તેઓ જહાજ ભાંગવાના પ્લૉટ સામેની ખુલ્લી જમીનમાં ઝૂંપડાં બાંધીને રહે છે. બિનકુશળ કામદારોને રોજના રૂ. 60 અને કુશળ કામદારોને જણદીઠ રૂ. 100  રોજી મળે છે.

ભાંગવા માટેનાં જહાજો યુ. એસ., પનામા, ગ્રીસ, જાપાન, રશિયા વગેરે દેશોમાંથી આવે છે. આ ધંધામાં મુખ્યત્વે હરિયાણા અને પંજાબના ઉદ્યોગપતિઓ છે. થોડાક રાજસ્થાની અને ગુજરાતી ઉદ્યોગપતિઓ પણ છે. 2021ના વર્ષમાં  ભારતનું સૌથી મોટું યુદ્ધ જહાજ વિક્રાંત અહીં તોડવા માટે લાવવામાં આવ્યું હતું.

શિવપ્રસાદ રાજગોર