અલંકાર સંપ્રદાય : કાવ્યનું સર્વસ્વ અલંકાર છે એવું મંતવ્ય ધરાવનાર એક વિશિષ્ટ વર્ગ. આ સંપ્રદાયમાં રસ, ધ્વનિ જેવાં બધાં તત્વો અલંકારમાં જ સમાવિષ્ટ થાય છે એમ સિદ્ધ થયું છે. આ સંપ્રદાયના પ્રવર્તક ભામહ (સપ્તમ શતક), પોષક દંડી (સપ્તમ શ.), ઉદભટ (અષ્ટમ શ.), રુદ્રટ (નવમ શ.) તથા પ્રતિહારેન્દુરાજ (દશમ શતક) અને સમયાન્તરે જયદેવ (12૦૦થી 125૦), તથા અપ્પય દીક્ષિત (1520-1593) આદિ અલંકારવાદી આચાર્યો છે. આમાં ‘ચન્દ્રાલોક’ના કર્તા જયદેવનું તો એવું કથન છે કે ‘જે વિદ્વાન અલંકારથી રહિત શબ્દ તથા અર્થને કાવ્ય તરીકે માને છે તે અગ્નિને શીતલ કેમ માનતો નથી ?’

અલંકાર સંપ્રદાયનો ઇતિહાસ જોતાં અલંકારોનો વિકાસ ધીમે ધીમે થતો જ રહ્યો છે. ભરતના નાટ્યશાસ્ત્રમાં ઉપમા, રૂપક, દીપક અને યમક – એમ ચાર અલંકારોનો નિર્દેશ મળે છે. વસ્તુત: અલંકાર સંપ્રદાયનો આરંભ ભામહથી થાય છે. ભામહના 39 અલંકારોમાંથી અપ્પય દીક્ષિત સુધી જતાં દીક્ષિતજીના કુવલયાનંદ ગ્રંથમાં અલંકારોની સંખ્યા 124 સુધી પહોંચી ગઈ છે; જોકે આ સંખ્યાની જેમ અલંકારોના સ્વરૂપ તથા લક્ષણમાં પર્યાપ્ત અંતર દેખાય છે.

અલંકારશાસ્ત્રના કે ભામહ આદિ આચાર્યોએ રસને કાવ્યનો આત્મા માન્યો નથી; પણ તેને અલંકારનો જ એક પ્રકાર બતાવ્યો છે. રસ તથા ભાવના સમગ્ર વિષયને રસવત્, પ્રેય, ઊર્જસ્વી તથા સમાહિત અલંકારોની અંદર સમાવાયો છે એવા નિર્દેશો ભામહ, દંડી, ઉદભટ તથા રુદ્રટ વગેરેના અલંકારગ્રંથોમાં મળે છે. અલંકાર સંપ્રદાયના આચાર્યો કાવ્યમાં પ્રતીયમાન અર્થ ધરાવતા ધ્વનિના સિદ્ધાંતથી પણ પરિચિત હતા, છતાં તેઓ ધ્વનિ કે ગુણીભૂત વ્યંગ્ય જેવા શબ્દોનો પોતાની કૃતિઓમાં ઉલ્લેખ કરતા નથી; પણ અપ્રસ્તુતપ્રશંસા, સમાસોક્તિ તથા આક્ષેપ જેવા અલંકારોમાં પ્રતીયમાન અર્થસંબદ્ધ ધ્વનિના અનેક પ્રકારોને સમાવે છે.

ભગવતીપ્રસાદ પંડ્યા