અર્ધમાગધી કોશ (1923-1938) : સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર્યાયો આપતો અર્ધમાગધી ભાષાનો કોશ. જૈન મુનિ રત્નચંદ્રજીએ રચેલો અને શ્વેતામ્બર સ્થાનકવાસી કૉન્ફરન્સ, ઇન્દોર દ્વારા પાંચ ભાગમાં પ્રકાશિત થયેલો છે.

પ્રથમ ચાર ભાગમાં અર્ધમાગધી ભાષામાં રચાયેલાં 11 અંગો, 12 ઉપાંગો, 6 છેદસૂત્રો, 4 મૂળસૂત્રો અને 7 પ્રકીર્ણકો એટલા આગમગ્રંથો ઉપરાંત કર્મગ્રંથો, કર્મપ્રકૃતિ, પ્રવચનસારોદ્ધાર આદિ પ્રકરણગ્રંથો મળીને લગભગ પચાસ ગ્રંથોના પચાસ હજાર અર્ધમાગધી શબ્દો સંગૃહીત થયા છે. તે પ્રત્યેક શબ્દના સંસ્કૃત, ગુજરાતી, હિંદી અને અંગ્રેજી અર્થ આપવામાં આવ્યા છે.

કર્તાના સમય સુધીમાં આગમોની મુખ્યત્વે ત્રણ આવૃત્તિઓ પ્રકાશિત થયેલી : (1) ધનપતિસિંહ દ્વારા મુર્શિદાબાદથી પ્રકાશિત આગમો (ઈ. સ. 1875-1886), (2) જૈન આગમોદય સમિતિ, મુંબઈ દ્વારા પ્રકાશિત આગમો (ઈ. સ. 1910-1920) અને (3) અમોલક ઋષિ સંપાદિત હૈદરાબાદ ગ્રંથમાળાના આગમો (ઈ. સ. 1919-1920). આ ત્રણે આવૃત્તિઓ પ્રાચીન પદ્ધતિએ સંપાદિત થયેલી છે. મુખ્યત્વે આ ત્રણ આવૃત્તિઓને આધારે પ્રસ્તુત કોશની રચના થયેલી. આ ત્રણ ઉપરાંત વિદેશી વિદ્વાનો દ્વારા સુસંપાદિત કેટલાક ફુટકળ આગમોનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે.

છેલ્લા પાંચમા ભાગમાં પરિશિષ્ટ રૂપે મહારાષ્ટ્રી પ્રાકૃત અને દેશ્ય ભાષાના શબ્દો તથા પહેલાં છૂટી ગયેલા અર્ધમાગધી શબ્દોનો સમાવેશ કરવામાં આવેલો છે.

એનો પ્રથમ ભાગ 1923માં, બીજો ભાગ 1927માં, ત્રીજો ભાગ 1930માં અને ચોથો ભાગ 1932માં પ્રગટ થયો હતો. 1939માં એનો અંતિમ પાંચમો ભાગ પ્રગટ થયો હતો. પ્રથમ ચાર ભાગમાં મૂળ અર્ધમાગધી શબ્દ આપી તેની સંસ્કૃત છાયા, એ પછી એનો ગુજરાતીમાં અને હિંદીમાં અર્થ મુનિ રત્નચંદ્રજીએ પોતે આપ્યો છે, પરંતુ એ પછી અંગ્રેજીમાં અર્થ તે ભાષાના વિદ્વાન અધ્યાપક દ્વારા ઉમેરેલ છે. જે અર્થમાં આગમમાં પ્રયુક્ત થયેલા હોય તે જ અર્થો આખા કોશમાં આપવામાં આવ્યા છે. પાંચમા ભાગમાં પ્રથમ વિભાગના પરિશિષ્ટ ખંડમાં આગળના ચાર ભાગોમાં આગમોના બાકી રહી ગયેલા અને પાછળથી એકત્ર કરેલા શબ્દો ઉપર્યુક્ત ભાષાઓમાં એ જ રીતે આપ્યા છે. પરંતુ બીજા વિભાગમાં મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષાના શબ્દોમાં મૂળ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં શબ્દ આપી તેની સંસ્કૃતમાં છાયા આપી હિંદી અને અંગ્રેજીમાં તેના અર્થો આપ્યા છે. ગુજરાતીમાં અર્થો આપ્યા નથી. તેના ત્રીજા અને અંતિમ વિભાગે દેશ્ય શબ્દોમાં દેશ્ય શબ્દ જ આપ્યો છે. તેની સંસ્કૃત છાયા હોય જ નહિ તેથી તે છાયા અને ગુજરાતીમાં અર્થ આપ્યાં નથી. ફક્ત દેશ્ય શબ્દ આપી તેનો હિંદી અને અંગ્રેજીમાં અર્થ જ નોંધ્યો છે. પાંચમા વિભાગમાં શબ્દનો અંગ્રેજી અર્થ ગિરધરલાલ બેચરદાસ પાસે રજૂ કરાવ્યો છે. આ કોશનું પુનર્મુદ્રણ અમર પબ્લિકેશન્સ, વારાણસી અને 1988માં મોતીલાલ બનારસીદાસ, દિલ્હીથી કરવામાં આવ્યું છે.

રમણિકભાઈ મ. શાહ

પ્ર. ઉ. શાસ્ત્રી