અર્જુન (2) : દ્વિદળી વર્ગના કૉમ્બ્રીટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia arjuna (Roxb.) W. & A. (સં. अर्जुन; હિં. – अर्जुना; મ. અર્જુન સાદડા, બંર્જુનગાછ; ગુ. અર્જુન, અર્જુન સાજડ) છે. T. tomentosa W & A syn. T. alata Heyne ex. Roth. નો પણ આર્યભિષક્માં ‘અર્જુન સાજડ’ કે ‘અર્જુન’ તરીકેનો ઉલ્લેખ છે. હરડે, બહેડાં, લીલી બદામ, સામજ, ઊક્ષી, ધાવડો, મધવેલ, અને મધુમાલતી તેનાં સહસભ્યો છે.

12થી 25 મી. ઊંચાં જંગલનાં વૃક્ષો, 2.5–3 મીટર વ્યાસનું થડ. લંબચોરસ રૂપે પટ્ટીઓમાં છાલથી આવૃત પ્રકાંડ. ભૂરી આંતરછાલ. આડાં-અવળાં, સામસામાં કે એકાંતરિત, પ્રારંભમાં લાલ અને પછી ઘેરાં લીલાં – સદાહરિત લંબગોળ પર્ણો. સફેદ અથવા આછાં લીલાશ પડતાં સફેદ, ઘટ્ટ ઝૂમખામાં, સંયુક્ત પુષ્પો. પહોળાં, ઊભાં, પાંચ ભાગે વહેંચાયેલાં આછાં ભૂરાં, પીળાં કે કથ્થાઈ રંગનાં પક્ષવાળાં ફળ.

આયુર્વેદ અનુસાર હૃદયરોગનું આ સર્વોત્તમ ઔષધ છે. ઉપરાંત છાલ-બીજ-ફળ ઔષધિમાં ઉમેરાય છે. તેનું રસાયન બલવર્ધક અને ભગ્નસંધાનક છે.

કોંકણ, પશ્ચિમ ઘાટ, ગુજરાતના ડાંગનાં સૂકાં જંગલો, રાજપીપળા, છોટાઉદેપુર, પંચમહાલ, અંબાજી, બાલારામ વગેરે સ્થળોએ ખૂબ જ મળે છે. રીંછ એના ઝાડ ઉપર ઊંધું ચડી જાય છે.

ઉત્તમ અને મજબૂત ઇમારતી લાકડું, બાંધકામ અને ખેતીનાં ઓજારોમાં વપરાય છે. સારી જાતનું બળતણ આપે છે અને તેમાંથી કોલસો પડે છે. કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા માટે સારું, પરંતુ અધૂરી પ્રક્રિયાથી લાકડામાં તડ કે તિરાડો પડે છે.

શોભન વસાણી

મ. દી. વસાવડા
સરોજા કોલાપ્પન