અર્જુન એવૉર્ડ : ભારત સરકારે વિવિધ રમતોના શ્રેષ્ઠ ખેલાડીઓને સન્માનવા માટે 1961માં સ્થાપેલો એવૉર્ડ. તે જુદી જુદી રમતોના શ્રેષ્ઠ રમતવીરોને પ્રતિવર્ષ અપાય છે.

અત્યાર સુધીમાં સમગ્ર દેશના 300 ઉપરાંત ખેલાડીઓને 34 જેટલી જુદી જુદી રમતોમાં આ એવૉર્ડ અપાયો છે. અર્જુન એવૉર્ડ મેળવવા માટે ખેલાડીએ 3 વર્ષ સુધી સતત સર્વોચ્ચ દેખાવ ભારતમાં કે/અને પરદેશમાં કર્યો હોવો જોઈએ. એવૉર્ડ આપવામાં આવે તે વર્ષે તે ખેલાડીનો દેખાવ શ્રેષ્ઠ હોવો જરૂરી છે. વળી ખેલાડીએ નેતૃત્વ, ખેલદિલી અને શિસ્તના ગુણો વિશેષ સ્વરૂપમાં બતાવેલા હોવા જોઈએ. ખેલાડીની પસંદગી તે રમતના રાષ્ટ્રીય સંગઠન(national federation)ની ભલામણના આધારે કરવામાં આવે છે.

આ એવૉર્ડ માટે પ્રત્યેક રમતમાં પ્રતિવર્ષ એક જ ખેલાડી પસંદ કરાય છે, સિવાય કે બીજી વ્યક્તિ મહિલા-ખેલાડી હોય.

34 જેટલી જુદી જુદી રમતોમાં અર્જુન એવૉર્ડ અપાય છે. દા.ત., ખેલકૂદ, ઍથલેટિક્સ, બૅડમિન્ટન, શરીરસૌષ્ઠવ, બાસ્કેટ બૉલ, બૉક્સિંગ, બિલિયર્ડઝ, સ્નૂકર, ચેસ, ક્રિકેટ, ઇક્વેસ્ટ્રિયન, સાઇક્લિગં, ફૂટબૉલ, ગૉલ્ફ, જિમ્નૅસ્ટિક્સ, હૉકી, કબડ્ડી, ખો-ખો, લૉન ટેનિસ, પોલો, રોવિંગ, શૂટિંગ, સ્ક્વૉશ-રૅકેટ, સ્વિમિંગ, ટેબલટેનિસ, વૉલીબૉલ, વેઇટ-લિફ્ટિંગ, કુસ્તી, પર્વતારોહણ વગેરે.

1998માં નીચેના ખેલાડીઓને અર્જુન એવૉર્ડ એનાયત થયા હતા. રણધીરસિંહ (કબડ્ડી); અજય જાડેજા, સૌરભ ગાંગુલી (ક્રિકેટ); હરજિત કહકો (ગૉલ્ફ); આસિફ ઇસ્માઇલ (ટેનિસ); ચેતન બબ્બુર (ટેબલટેનિસ); રૂથ અબ્રાહમ (દોડકૂદ); શિલ્પીસિંહ; સતેન્દ્રકુમાર (નિશાનબાજી); સ. ક. શેખ, બાલકર, બ્રહ્માનંદ (ફૂટબૉલ); અશોક શાંડિલ્ય (બિલિયર્ડઝ); નીલમ શેટ્ટી, લક્ષ્મી, પરમજિત શર્મા; (ભાર ઊંચક); જગદીશસિંહ, સંજયકુમાર (મલ્લયુદ્ધ), મીરમ ગ્રેવાલ (સ્કવૉશ); હરમિકસિંહ, પુરેન્દરસિંહ સૌંઢી (હૉકી).

સુરેશ મશરૂવાળા