અરુણા અસફઅલી (જ. 16 જુલાઈ 1909, કાલકા, પંજાબ; અ. 29 જુલાઈ 1996, દિલ્હી) : ભારતનાં અગ્રણી સ્વાતંત્ર્યસેનાની. મૂળ નામ અરુણા ગાંગુલી. તેમનો જન્મ બંગાળી કુટુંબમાં થયો હતો. તે કુટુંબ બ્રહ્મોસમાજમાં માનતું હતું. તેમણે લાહોર અને નૈનીતાલમાં મિશનરી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું હતું. તેમના પિતા નૈનીતાલમાં હોટલ ચલાવતા હતા. અરુણા બંગાળના ક્રાંતિકારીઓની અસર હેઠળ ક્રાંતિ તરફ ઢળ્યાં હતાં. 18 વર્ષની વયે તેમણે કૉલેજ છોડીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવ્યું. તેઓ કૉંગ્રેસી નેતા બૅરિસ્ટર અસફઅલીના નિકટ પરિચયમાં આવ્યાં અને પોતે બ્રાહ્મણ હોવા છતાં તેમનાથી વીસ વરસે મોટા અસફઅલી સાથે લગ્ન કર્યાં. તેઓ ગાંધીજી અને રાષ્ટ્રીય નેતાઓના સંપર્કને લીધે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયાં. જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન, રામમનોહર લોહિયા વગેરેના સંસર્ગથી તેમણે સમાજવાદી વિચારસરણી અપનાવી.

તેમણે 1930ની સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લઈ, ધરપકડ વહોરીને એક વર્ષની કેદની સજા ભોગવી. 1932માં સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેમને છ મહિનાની જેલની સજા થઈ. વ્યક્તિગત સત્યાગ્રહ(1940-’41)માં ભાગ લેવા માટે તેમણે એક વરસનો કારાવાસ ભોગવ્યો. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં 9 ઑગસ્ટના રોજ મુંબઇમાં ગોવાલિયા ટૅન્ક મેદાન પર તેમણે કૉંગ્રેસનો તિરંગી ધ્વજ લહેરાવ્યો અને પછી ગુપ્તવાસમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું આયોજન, માર્ગદર્શન અને સંગઠન  સાધવા માટે દેશના વિવિધ પ્રદેશોનો પ્રવાસ કર્યો. તેમની ધરપકડ કરવાના બ્રિટિશ પોલીસના અનેક પ્રયાસો તેમણે નિષ્ફળ બનાવ્યા. 26 જાન્યુઆરી, 1946ના રોજ તેમની ધરપકડનું વૉરન્ટ સરકારે રદ કર્યા બાદ તેઓ ગુપ્તવાસમાંથી પ્રગટ થયાં.

ભારત સ્વતંત્ર થયા બાદ તેઓ દિલ્હી કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ તરીકે ચૂંટાયાં; પરન્તુ તેમના ઉગ્ર વિચારોને કારણે કૉંગ્રેસના નેતાઓ સાથે સંઘર્ષ થયો અને 1948માં તેઓ સમાજવાદી પક્ષમાં જોડાયાં. એ વર્ષે ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેમણે મેક્સિકોમાં યુનેસ્કોની પરિષદમાં હાજરી આપી. 1950માં સોવિયેત સંઘની મુલાકાત લઈ ત્યાંની સામ્યવાદી કાર્યવહીથી પ્રભાવિત થયાં. તે પછી તેમણે ઇન્ડો-સોવિયેત કલ્ચરલ સોસાયટીની સ્થાપના કરી. 1955માં તેઓ સામ્યવાદી પક્ષમાં જોડાયાં અને મજૂર સંઘની ચળવળમાં સક્રિય ભાગ લીધો. ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસનાં ઉપાધ્યક્ષ પણ બન્યાં. ત્યારબાદ સામ્યવાદી પક્ષનો તેમણે ત્યાગ કર્યો.

દિલ્હી મહાનગર પાલિકાનાં પ્રથમ મહિલા મેયર તરીકે 1958માં તેઓ ચૂંટાયાં. 1959માં ફરી વાર મેયર બન્યા બાદ, અમલદારશાહી તથા ખટપટના કારણે તે પદનો ત્યાગ કર્યો. ડાબેરી ઝોકવાળા ‘લિંક’ નામના સાપ્તાહિક અને ‘પેટ્રિયટ’ દૈનિક સાથે તેઓ સંકળાયેલાં હતાં. અખિલ હિંદ મહિલા પરિષદ તથા ઑલ ઇન્ડિયા વિમેન્સ ફેડરેશનના પ્રમુખ તરીકે તેમણે ઉપયોગી કાર્ય કર્યું હતું. તેમને મળેલા પુરસ્કારોની રકમનો તેઓ જાહેર કામોમાં ઉપયોગ કરતાં હતાં.

વિશ્વશાંતિ સ્થાપવા માટેના તેમના પ્રદાન બદલ તેમને લેનિન શાંતિ પારિતોષિક અને સોવિયેત લૅન્ડ નેહરુ પારિતોષિક આપવામાં આવ્યાં હતાં. તેમને 1986માં ઇન્દિરા ગાંધી ઍવૉર્ડ, 1991માં આંતરરાષ્ટ્રીય સદભાવ માટેનો જવાહરલાલ નેહરુ ઍવોર્ડ, 1992માં ‘પદ્મવિભૂષણ’ તથા 1994માં નૅશનલ સિટિઝન્સ ઍવૉર્ડ મળેલાં. જુલાઈ, 1997માં તેમને દેશનો ‘ભારતરત્ન’નો સર્વોચ્ચ ખિતાબ મરણોત્તર આપવામાં આવ્યો હતો.

જયકુમાર ર. શુક્લ