અરબી દ્વીપકલ્પ

January, 2001

અરબી દ્વીપકલ્પ

એશિયા ખંડના નૈર્ઋત્ય છેડે આવેલો વિશાળ દ્વીપકલ્પ. ભૌગોલિક સ્થાન : તે આશરે 12° 03´ ઉ. અ.થી 32° 01´ ઉ. અ. અને 37° 00´ પૂ. રે.થી 60° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 2.60 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની મહત્તમ લંબાઈ આશરે 1,900 કિમી. અને મહત્તમ પહોળાઈ આશરે 2,100 કિમી. જેટલી છે. કર્કવૃત્ત (23° ૩0´ ઉ. અ.) તેના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. આ દ્વીપકલ્પની નૈર્ઋત્યમાં રાતો સમુદ્ર, દક્ષિણમાં એડનનો અખાત અને અરબી સમુદ્ર તથા ઈશાનમાં ઈરાની અખાત અને ઓમાનનો અખાત આવેલા છે. તે પરંપરાગત રીતે અરબસ્તાનના નામથી પણ ઓળખાય છે.

અરબી દ્વીપકલ્પ સાઈનાઇ (સિનાઈ) દ્વીપકલ્પ દ્વારા ભૂમિમાર્ગે આફ્રિકા ખંડ સાથે સંકળાયેલો છે, પરંતુ સામાન્યતયા આફ્રિકા પહોંચવા માટે રાતા સમુદ્રનો ઉપયોગ કરવામાં આવે છે. એશિયા સાથે તે ભૂમિમાર્ગે તેમજ દરિયાઈ માર્ગે સહેલાઈથી સંપર્કમાં રહે છે. હિંદી મહાસાગરમાં 352 કિમી.ને અંતરે દક્ષિણ તરફ આવેલો સોકોટ્રા ટાપુ રાજકીય રીતે અરબી દ્વીપકલ્પ સાથે સંકળાયેલો છે. રાજકીય સંદર્ભમાં જોતાં, અરબી દ્વીપકલ્પનો સમગ્ર વિસ્તાર આઠ સાર્વભૌમ રાષ્ટ્રોથી બનેલો છે : સાઉદી અરેબિયા, યેમેન, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, બહેરીન અને કતાર. આ ઉપરાંત સાઉદી અરેબિયા અને ઇરાકની સરહદે આવેલો એક નાનો બિનસાર્વભૌમ તટસ્થ વિસ્તાર પણ છે, તે બંનેને હસ્તક છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા-જમીનો : ભૂપૃષ્ઠરચનાની દૃષ્ટિએ અરબી દ્વીપકલ્પને બે વિભાગોમાં વહેંચેલો છે : (i) પશ્ચિમે આવેલો અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ. (ii) પૂર્વ, ઈશાન અને વાયવ્યમાં આવેલા નિક્ષેપિત થાળાંના પ્રદેશો. અરબસ્તાનના ઉચ્ચપ્રદેશમાં સાતમી સદી પહેલાં જ્વાળામુખીપ્રસ્ફુટનો થયાં હશે એવું અનુમાન કરવામાં આવે છે. આજે પણ આ વિસ્તારમાં લાવાના થરો પથરાયેલા છે, પરંતુ નિક્ષેપિત થાળાના વિસ્તારો ઉચ્ચપ્રદેશની જેમ પ્રાચીન પ્રદેશો તરીકે ઓળખાતા નથી. આ નિક્ષેપિત મેદાનો મોટેભાગે ચૂનાખડકો અને મૃદ-ખડકોથી બનેલાં છે. અહીં થયેલું નિક્ષેપનું કાર્ય મોટેભાગે પ્રથમ જીવયુગમાં તેમજ મધ્યજીવયુગના જુરાસિક-ક્રિટેસિયસ કાળમાં થયું હશે તેમ મનાય છે. આ પ્રદેશમાં આશરે 4,000 મીટર કરતાં ઓછી ઊંડાઈએથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મળે છે. યેમેનના પર્વતો ઉચ્ચપ્રદેશની ભૂપૃષ્ઠરચનાથી ઘણા જુદા પડે છે.

અરબી દ્વીપકલ્પ

આ દ્વીપકલ્પને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે : (i) પશ્ચિમનો પહાડી પ્રદેશ. (ii) દક્ષિણનો પહાડી પ્રદેશ. (iii) ઓમાનનો પહાડી પ્રદેશ.

પશ્ચિમે રાતા સમુદ્રને કિનારે અકાબાથી મક્કા સુધી સળંગ વિસ્તરેલી લાંબી હેજાઝ (અર્થ : અવરોધક) પર્વતીય હારમાળા તથા મક્કાથી નજરાન સુધી વિસ્તરેલી અસીર (અર્થ : મુશ્કેલી) પર્વતીય હારમાળા : હેજાઝ હારમાળાના સર્વોચ્ચ શિખરની ઊંચાઈ  2,890 મીટર છે. ઉત્તરથી દક્ષિણે જતાં તેની ઊંચાઈમાં ક્રમશ: ઘટાડો થતો જાય છે. મદીનાના થાળામાંથી નીકળતું ઝરણું ‘વાદી-અલ-હમદ’ પર્વતીય હારમાળાને કોરીને રાતા સમુદ્રને મળે છે. મક્કા પાસે આવો જ એક માર્ગ અલ-તાઈફવાદીઓ દ્વારા જ તૈયાર થયેલો છે. અસીર હારમાળાના સર્વોચ્ચ શિખરની ઊંચાઈ 2,900 મીટર જેટલી છે. રાતા સમુદ્રને કિનારે આવેલાં મેદાનોની પહોળાઈ 80 કિમી. કરતાં વધુ નથી. મદીના અને મક્કાની દક્ષિણે આવેલાં મેદાનો અનુક્રમે તિહામત-અલ-હિજાઝ અને તિહામત-અસીર નામોથી ઓળખાય છે.

રાતા સમુદ્રને કિનારે મોટાં જહાજો માટે કોઈ કુદરતી બંદર આવેલું નથી, પરંતુ નાનાં વહાણો માટે પૂરતી વ્યવસ્થા છે. અલ્વાજીહ, થાનબુ, રાબીઘ, જિદ્દા, અલ યુથ, અલકુન ફુદાહ, હાલી અને મોચા જેવાં જાણીતાં બંદરો આ સમુદ્રને કિનારે આવેલાં છે. કિનારાના દક્ષિણ ભાગમાં આવેલા ટાપુઓ પર વસ્તી જોવા મળતી નથી, પરંતુ કાચબા અને પરવાળાં જોવા મળે છે. અહીંના મુખ્ય ટાપુઓમાં ફરાસાન અને કમરાન વધુ જાણીતા છે. આ દ્વીપકલ્પના મધ્યભાગમાં આવેલા ‘હિસ્મા’ના ઉચ્ચપ્રદેશમાં રેતીખડકો આવેલા છે. આ ઉચ્ચપ્રદેશની ઊંચાઈ આશરે 1,300 મીટર જેટલી છે. નજદના ઉચ્ચપ્રદેશનો પશ્ચિમ ભાગ અરબસ્તાનના ઉચ્ચપ્રદેશ સાથે સંકળાયેલો છે. તેની સરેરાશ ઊંચાઈ 1,૩00 મીટર જેટલી છે, પૂર્વ ભાગની ઊંચાઈ 600 મીટર છે. વરસાદની ઋતુમાં નાનાં નાનાં અનેક ઝરણાં પશ્ચિમથી પૂર્વ તરફના ઢોળાવને અનુસરીને વહે છે. ઉત્તરે આવેલો અર-રુમાહનો જળ-પ્રવાહ રણપ્રદેશમાં સમાઈ જાય છે. આ પ્રવાહમાં જરૂરી ફેરફારો કરીને બસરા (ઇરાક) સુધી લંબાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. મધ્યભાગમાં આવેલી હનીફ, અસ સાહબા, અલ જફુરાહ જેવી પ્રવાહપ્રણાલીઓ રણમાં લુપ્ત થઈ જાય છે; જ્યારે દક્ષિણે વહેતી પ્રવાહપ્રણાલીઓને જીવિત રાખવા ઢાંકી દેવામાં આવી છે. આ ઉચ્ચપ્રદેશમાં આવેલું ઈર્ક-અસ-સુબાયનું રણ આ વિસ્તારનું મોટું રણ ગણાય છે; જ્યારે અન-નાફુડ રણ વિસ્તારની દૃષ્ટિએ બીજા ક્રમે આવે છે; તેનો વિસ્તાર આશરે 65,000 ચોકિમી. જેટલો છે. આ રણની રેતી પવન દ્વારા ઊડીને તૈમા, અલ જાવાફ, સકાકાહ અને હૈલ શહેરો સુધી પહોંચે છે. અન-નાફુડમાં કેટલીક જગાએ પાણી મળી આવે છે, ત્યાં ઘાસ ઊગી નીકળતાં વિચરતી જાતિઓ ત્યાં પોતાના કબીલા સાથે આશ્રય લે છે. ઉત્તર અરબસ્તાનમાં આવેલ અસ-સિરહાન વાદી(નીચી ભૂમિનો વિસ્તાર કે જ્યાં ઝરણું વહે છે)ની લંબાઈ આશરે 320 કિમી. જેટલી છે.

અરબસ્તાનના દક્ષિણ ભાગમાં વિસ્તારની દૃષ્ટિએ દુનિયાનું સૌથી મોટું ગણાતું રણ રબ-અલ-ખાલી આવેલું છે. તેનો વિસ્તાર આશરે 5,74,000 ચોકિમી. જેટલો છે. આ વિસ્તારમાં કોઈ ખાસ રણદ્વીપ આવેલો નથી. વીસમી સદીના પૂર્વાર્ધકાળ સુધી વણજારાઓ આ રણને પાર કરવાનું સાહસ કરતા નહિ. ઈ. સ. 1950માં ખનિજતેલના સંશોધન અર્થે સર્વપ્રથમ વાર આધુનિક સાધનોની મદદ દ્વારા ખોજ હાથ ધરવામાં આવતાં આ રણમાં પ્રવેશ શક્ય બન્યો છે. વસ્તીવિહીન આ રણપ્રદેશમાં દસ દસ વર્ષ સુધી દુષ્કાળની પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળે છે. પશ્ચિમે આવેલો ખડકાળ પ્રદેશનો ભાગ આ રણવિસ્તારની સીમા બને છે. આ રણનો સૌથી વિશાળ રેતીનો ઢૂવો પૂર્વમાં આવેલો છે. તેની ઊંચાઈ આશરે 160 મીટર અને લંબાઈ 48 કિમી. જેટલી છે. આ રણની અગ્નિ દિશામાં ભૂગર્ભજળના ભંડારો આવેલા છે. પૂર્વમાં અલજીવાની રણદ્વીપ ભૂમિના કેટલાક વિસ્તાર માટે સંયુક્ત આરબ અમીરાત સાથે સીમા-વિવાદ ચાલી રહ્યો છે.

ઈરાનના અખાતની ઉત્તરે કુવૈત આવેલું છે. આ અખાતમાં કોઈ સારાં કુદરતી બંદરો આવેલાં નથી; પરંતુ કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન અને કતાર દેશોએ પોતાની જરૂરિયાતો સંતોષવા કૃત્રિમ બંદરો ઊભાં કર્યાં છે. અહીંના નીચાણવાળા વિસ્તારમાં પાણીનાં ઝરણાંને આધારે કૂવા નિર્માણ કરાયા છે. વધુ ઊંડાઈએ ખોદકામ કરતાં ખનિજતેલ અને કુદરતી વાયુના ભંડારો પ્રાપ્ત થયા છે.

યેમેન : યેમેન એક સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય છે. તેનો વિસ્તાર આશરે 2,00,000 ચોકિમી જેટલો છે. અરબી દ્વીપકલ્પમાં સૌથી ઊંચા પર્વતીય વિસ્તારો આ રાજ્યમાં આવેલા છે. અહીંના ‘હાદુરશ્વાબ’ની ઊંચાઈ 3,762 મીટર છે, જ્યારે ‘સાન-એ’ની ઊંચાઈ 2,016 મીટર છે. રાતા સમુદ્રને કિનારે આવેલા અસ-સલીફ ખાતે સિંધાલૂણની ખાણો આવેલી છે. રબ-અલ-ખાલી પ્રાચીન શહેર તરીકે જાણીતું બન્યું છે. હોદેઈદા અને તાઇફ અહીંનાં મહત્વનાં નગરો છે. મોકા આ રાજ્યનું મુખ્ય બંદર છે.

યેમેન (એડન) : દક્ષિણ અરબસ્તાનના દ્વીપકલ્પના દક્ષિણ કાંઠા પર આવેલું રાજ્ય. તેનો વિસ્તાર 2,87,612 ચોકિમી. છે. અહીં આવેલું એડન બંદર જ્વાળામુખી પ્રક્રિયાને કારણે અસ્તિત્વમાં આવેલું છે. અહીંનાં કિનારાનાં મેદાનો 50 કિમી. જેટલાં પહોળાં છે. અરબસ્તાનની એકમાત્ર નદી વાદી હજર આ રાજ્યમાં આવેલી છે. તેની લંબાઈ આશરે 90 કિમી. જેટલી છે. માશિલ્હા વાદીનું મહત્વ પણ વધુ છે. એડન આ રાજ્યનું પાટનગર છે. શેખ ઉસમાન અહીંનું અન્ય નગર છે. અલ મુકાલ્લા અને પરિમ અહીંના અગત્યના ટાપુઓ છે.

1990ના મે માસમાં ઉત્તર યેમેન અને દક્ષિણ યેમેનનું એકત્રીકરણ થયું છે. આ રાજ્યની કુલ વસ્તી આશરે 16.9 લાખ જેટલી છે.

ઓમાન : આ રાજ્યનું ભૂપૃષ્ઠ આશરે 1,000 મીટરની ઊંચાઈ ધરાવે છે. અલ હજર પર્વતના શિખરની ઊંચાઈ 3,૩૩૩ મીટર છે, જે ‘ગ્રીન માઉન્ટન’ તરીકે ઓળખાય છે. સમુદ્રકિનારેથી વાતા પવનો ચોમાસામાં વરસાદ આપતા હોવાથી સમુદ્રકિનારાનાં મેદાનો તથા પર્વતખીણોમાં ખેતીની પ્રવૃત્તિ વધુ વિકસી છે. આ રાજ્યના સમુદ્રકિનારે આવેલા મહત્વના ટાપુઓમાં કુરિયા-મુરિયા અને અલ-મશિરાહ મુખ્ય છે. અહીંનું પાટનગર મસ્કત છે. સુહાર અને સલાલ્હા મહત્વનાં શહેરો છે. આ રાજ્યની વસ્તી 47,17,000 (2019) છે. આ રાજ્યમાં ખનિજતેલનો જથ્થો વિપુલ પ્રમાણમાં રહેલો છે.

અરબી દ્વીપકલ્પની આબોહવાનો સાચો ખ્યાલ હવામાનની આંકડાકીય માહિતીને આધારે આવી શકતો નથી. સમગ્ર અરબસ્તાનમાં ઉનાળાનું તાપમાન 540 સે. જેટલું રહે છે. તેના અંતરિયાળ વિસ્તારમાં હવા અત્યંત સૂકી રહે છે, પરંતુ નૈર્ઋત્યના કિનારે અને દક્ષિણ ભાગમાં ભેજવાળું વાતાવરણ રહે છે. શિયાળામાં ક્યારેક ઠંડી કે કરાવર્ષાનો અનુભવ પણ થાય છે. ચોમાસાની ઋતુમાં સમુદ્રકિનારા નજીકના ભાગોમાં 77થી 102 મિમી. જેટલો વરસાદ પડે છે. રણવિસ્તારમાં તો વરસાદ ભાગ્યે જ પડે છે. કોઈક વાર નદીઓમાં પૂર પણ આવે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં દુષ્કાળની પરિસ્થિતિ વર્ષો સુધી ચાલુ રહેતી જોવા મળે છે.

વનસ્પતિ-પ્રાણીજીવન : આ દ્વીપકલ્પના ઊંચાઈના વિસ્તારોને બાદ કરતાં સમગ્ર પ્રદેશમાં ખજૂર અને તાડનાં વૃક્ષો નજરે પડે છે. વિવિધ પ્રકારની કાંટાળી વનસ્પતિ સરળતાથી ઊગી નીકળે છે. સમુદ્રકિનારે નાળિયેરી ઉગાડાય છે. વાદીઓના પ્રદેશમાં થતી ખેતીમાં ઘઉં, જુવાર, બાજરી, મુખ્ય ખાદ્ય પાકો છે. આ સિવાય તમાકુ અને કપાસની ખેતી પણ થાય છે. કેટલીક વાડીઓ શાકભાજી અને ફળો માટે જાણીતી છે. અહીં ફૂલોનું પ્રમાણ ઓછું છે, જંગલો પણ નથી. રાકનાં વૃક્ષોની ડાળીઓ દાતણ માટે ઉપયોગમાં લેવાય છે. જ્યાં ઘાસ ઊગી નીકળે છે ત્યાં પશુપાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. આ દ્વીપકલ્પમાં વણજારાઓ માટે ઊંટ સૌથી મહત્વનું પ્રાણી છે. તેનાં ચામડાં, માંસ, હાડકાં, દૂધનો ઉપયોગ સૌથી વધુ થતો હોવાથી તે ‘કામધેનુ’ ગણાય છે. ભારવહન માટે અહીં ગધેડાંનો ઉપયોગ થાય છે. અન્ય પ્રાણીઓમાં જરખ, વરુ, શિયાળ, શિકારી કૂતરા મુખ્ય છે. આ ઉપરાંત અહીં સસલાં અને નોળિયા પણ જોવા મળે છે. સાપ, વીંછી, કાચિંડા અને ગરોળીઓનું પ્રમાણ પણ વિશેષ છે. પક્ષીઓમાં ગીધ, ઘુવડ, બાજ અને ગરુડ રણવિસ્તારમાં જોવા મળે છે. સમુદ્રકિનારે સુરખાબ અને બગલાનું પ્રમાણ અધિક છે. રાતો સમુદ્ર, અરબ સાગર અને ઈરાનના અખાતને કિનારે આવેલાં રાજ્યો મત્સ્યપ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. ઈરાનના અખાતમાં કાલુ માછલી દ્વારા ઉત્તમ પ્રકારનાં મોતીની ખેતી થાય છે. મોતીનાં મુખ્ય વેપારી કેન્દ્રો બહેરીન, કતાર અને સાઉદી અરેબિયા ખાતે આવેલાં છે.

ખનિજ સંપત્તિ : ખનિજ તેલ આ દ્વીપકલ્પની મુખ્ય ખનિજ સંપત્તિ છે. દુનિયાનો સૌથી વધુ ખનિજ તેલનો અનામત જથ્થો અહીં સંઘરાયેલો છે. 1932માં સૌપ્રથમ વાર બહેરીનમાંથી ખનિજ તેલ મળ્યું. ખનિજ તેલ, કુદરતી વાયુ, તાંબું, સોનું, ચાંદી, ચિરોડી, ચૂનાખડકો, સિંધાલૂણ, ક્વૉર્ટ્ઝ, આરસ-પહાણ તેમજ વિવિધ પ્રકારની માટી પણ મેળવવામાં આવે છે.

લોકો : અરબી દ્વીપકલ્પમાં 1980ના દાયકાના આરંભમાં ત્રણ ટકાના દરે વસ્તી વધતી રહી હતી. પ્રજાનો મોટો ભાગ આરબ છે. સુન્ની મુસ્લિમો બહુમતીમાં છે. તેઓ અરબી ભાષા બોલે છે. જોકે બીજી અનેક પ્રાદેશિક બોલીઓ પણ અસ્તિત્વમાં છે. ઇસ્લામનું સૌથી મહત્વનું ધાર્મિક કેન્દ્ર મક્કા અહીં છે. ત્યાં વર્ષે 20 લાખ યાત્રાળુઓ હજ માટે આવે છે. મદીના પણ અહીં આવેલું છે. બે-તૃતીયાંશ જેટલી વસ્તી શહેરી છે. કુવૈત, મનામા, અબુ ધાબી, દોહા, રિયાધ, જિદ્દા, મક્કા અને મદીના મોટાં શહેરો છે.

પ્રાચીન પ્રણાલિકા અનુસાર આરબો મૂળ બે જાતિઓમાંથી ઊતરી આવ્યા હોવાનું મનાય છે. એક જાતિ અરબી દ્વીપકલ્પમાં નૈર્ઋત્ય પ્રદેશમાં અને બીજી ઉત્તર-મધ્ય અરબી દ્વીપકલ્પમાં હતી, જે અબ્રાહમના પુત્ર ઇસ્માઇલની વંશજ હોવાનું કહેવાય છે. દરેક આરબ જાતિ આ બેમાંથી એક પોતાની પૂર્વજ જાતિ હોવાનું માને છે; પરંતુ વિચરતી જાતિઓ અને સ્થાયી જાતિઓ – એવા બે વિભાગ પાડવાનું વધુ વ્યવહારુ છે. ભૂતકાળમાં આરબો આફ્રિકી કાળાઓને ગુલામો તરીકે રાખતા અને સાઉદી અરેબિયામાં તો 1962 સુધી  ગુલામી નાબૂદ થઈ ન હતી. હવે તેઓ મુક્ત થયા છે, એટલું જ નહિ, પરંતુ સ્થાનિક પ્રજા સાથે ભળી ગયા છે.

બીજા વિશ્વયુદ્ધ પછી અરબી દ્વીપકલ્પમાં તેલક્ષેત્રો શોધાતાં કામધંધા અર્થે લેબનન, સીરિયા, જૉર્ડન, ઇરાક, ઇજિપ્ત, ભારત અને પાકિસ્તાનથી અનેક લોકો ત્યાં આવીને વસ્યા છે અને એમની અસર પણ સ્થાનિક આરબ પ્રજા ઉપર મોટા પ્રમાણમાં પડી છે. વિદેશીઓ શિક્ષણને કારણે વધુ ઊંચા હોદ્દા ભોગવવા લાગ્યા, તેથી સ્થાનિક પ્રજાને પણ વિદેશોમાં ભણવા જવાની ઉત્કંઠા જાગી છે. અરબી દ્વીપકલ્પનાં રાષ્ટ્રો ભારે સમૃદ્ધ દેશો બની જતાં જનજીવન પર પણ તેની ભારે અસર પડી છે. ઓમાનમાં ભારતીય ઉપખંડની અસર મોટા પ્રમાણમાં વર્તાતી રહી છે.

સામાજિક અને વહીવટી સ્થિતિ : અરેબિયામાં સરકારનું બંધારણીય સ્વરૂપ પ્રણાલીગત રીતે વિકસ્યું જ નથી. આ સરકારોએ રાજકીય પક્ષને લોકોની અભિવ્યક્તિના માધ્યમ તરીકે સ્વીકાર્યો જ નથી. કોઈ પણ સરકારવિરોધી મંતવ્યો પ્રગટ થવા દેવાની સંમતિ પણ અપાતી નથી. કુવૈત સિવાય તમામ દેશોમાં પ્રણાલીગત ઇસ્લામી કાનૂન અથવા શરિયતને જ દીવાની કે ફોજદારી કાનૂન માટે આધારભૂત ગણવામાં આવે છે. માત્ર કુવૈતમાં જ આધુનિક કાનૂન-વ્યવસ્થા અમલમાં છે. આ આરબ રાષ્ટ્રો બિનજોડાણવાદ અથવા પશ્ચિમ તરફ ઢળેલાં છે. જોકે યેમેન (એડન) કૉમિકૉન(રશિયા દ્વારા સંગઠિત કાઉન્સિલ ફૉર મ્યુચ્યુઅલ ઈકોનૉમિક આસિસ્ટન્સ)ના અનેક સભ્ય દેશો સાથે સંધિથી સંકલિત છે. બ્રિટન- હસ્તક રક્ષિત રાજ્યો હતાં તે બ્રિટન સાથે ગાઢ લશ્કરી સંબંધો ધરાવે છે. મોટાભાગનાં રાષ્ટ્રોમાં પ્રસારણ-માધ્યમો સરકારની માલિકીનાં અથવા સરકાર દ્વારા અંકુશિત છે.

અહીંનું જીવનધોરણ 1970ના દાયકા બાદ બહુ ઝડપથી ઊંચું આવ્યું છે; પરંતુ આરોગ્યની સગવડો મોટાં શહેરો પૂરતી જ મર્યાદિત રહેવા પામી છે. પીવાના પાણીની મુશ્કેલી સાથે જ મોટાભાગની સમસ્યાઓ સંકળાયેલી છે. આથી મોટાભાગના વિસ્તારોમાં મલેરિયા અને ઇન્ફ્લુએન્ઝા જેવા રોગો હજુ મોટા પ્રમાણમાં વ્યાપેલા છે. ઉચ્ચ શિક્ષણ માટે લોકો બહાર જાય છે, અને સ્ત્રીશિક્ષણના ખ્યાલને હજુ આ વિસ્તારોમાં વ્યાપક સામાજિક-ધાર્મિક માન્યતા પ્રાપ્ત થઈ નથી. અક્ષરજ્ઞાનનો દર ઘણો જ નીચો છે અને પ્રાથમિક શિક્ષણ માટે પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા નથી. સામાજિક સલામતીના કાર્યક્રમો પણ ભાગ્યે જ અમલમાં મુકાયા છે.

અર્થકારણ : યેમેન (એડન) સિવાય અરબી દ્વીપકલ્પનાં બધાં રાષ્ટ્રોમાં મુક્ત સાહસનું અર્થકારણ અસ્તિત્વમાં છે, જોકે મોટાભાગનાં સાહસો રાજવી કુટુંબો અથવા જે તે દેશના આયોજન-સત્તાવાળાઓ દ્વારા અંકુશિત છે. 1980ના દાયકાના આરંભમાં અરબી દ્વીપકલ્પનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (G.N.P.) 175 અબજ અમેરિકન ડૉલર હતું, જે અમેરિકાનાં સંયુક્ત રાજ્યો(U.S.A.)ના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના ૧૫મા ભાગ જેટલું થાય છે. આમાંની મોટાભાગની આવક ખનિજ તેલ ઉદ્યોગની છે. સરેરાશ માથાદીઠ વાર્ષિક આવક આશરે 9,000 અમે. ડૉલર છે, જોકે તે બહુ અસમાન રીતે એ દેશોમાં વહેંચાયેલી છે. યેમેન(એડન)ની માથાદીઠ વાર્ષિક આવક 420 અને સાઉદી અરેબિયાની 30,000 અમે. ડૉલર છે. 1970ના દાયકામાં ખનિજ તેલના ભાવો ઊંચા ગયેલા.

ખનિજ તેલ ઉપર સમગ્ર અરેબિયાનું અર્થકારણ આધારિત છે એમ કહી શકાય. વિશ્વની 40 % ખનિજ તેલની અનામતો અરબી દ્વીપકલ્પમાં છે. તેમાંની મોટાભાગની પર્શિયન અખાતમાં કે તેને કિનારે છે. ઈરાનમાં 1908માં પહેલું તેલક્ષેત્ર શોધાયું. પરંતુ 1932 સુધી અરબી દ્વીપકલ્પમાં તેલક્ષેત્ર શોધાયું ન હતું. બહેરીનમાં પહેલું તેલ મળ્યું. ત્યારબાદ સાઉદી અરેબિયા અને કુવૈતમાં 1938માં તેલ શોધાયું. 1939માં કતારમાં અને સાઉદી અરેબિયા કુવૈતના તટસ્થ વિસ્તારમાં 1953માં, અબુ ધાબી વિસ્તારમાં 1959માં અને ઓમાનમાં 1964માં તેલ શોધાયું. દરિયામાં પણ તેલક્ષેત્રો મળ્યાં છે. આ માટે મોટા પાયા ઉપર સંશોધનો થયાં હતાં. વળી કુદરતી વાયુ પણ મોટા પ્રમાણમાં મળે છે. તેના વ્યાપારી ઉપયોગ માટે મોટા પ્રમાણમાં મૂડીરોકાણ પણ કરવામાં આવ્યું છે.

જમીનનો કૃષિક્ષેત્રમાં ઉપયોગ 1 % કરતાં સહેજ જ વધારે છે. તેમ છતાં 60 % પ્રજા હજુ પણ કૃષિમાંથી પોતાનું પેટિયું રળે છે. અન્ન-ઉત્પાદનમાં અરબી દ્વીપકલ્પ સ્વાવલંબી નથી. 30 % જમીન પિયત છે. દરિયાકિનારાના મોટાભાગના વિસ્તારોમાં મત્સ્યોદ્યોગ વ્યાપક છે. અરેબિયાનું બૅંકિંગ ક્ષેત્ર વીસમી સદીના નવમા દાયકાના આરંભમાં દુનિયામાં કદાચ સૌથી વધુ ઝડપથી વિકસતું રહેલું. આંતરિક પરિવહન બહુ જ ઓછા પ્રમાણમાં વિકસેલું છે. દેશો વચ્ચે પરસ્પર પરિવહન-સંબંધો પણ ઝાઝા વિકસેલા નથી. પર્શિયન અખાત ઉપરનાં બંદરો દુનિયાનાં સૌથી મોટાં અને તકનીકી રીતે સૌથી વધુ વિકાસ પામેલાં બંદરોમાં ગણાય છે. નિકાસોમાં ખનિજ તેલનું પ્રમાણ સૌથી વધુ છે. નિકાસ સૌથી વધુ પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાના દેશોમાં થાય છે, જ્યારે આયાત અમેરિકાનાં સંયુક્ત રાજ્યો, જર્મની અને જાપાનથી થાય છે.

ઇતિહાસ : પુરાપાષાણયુગમાં ત્યાં માનવ-વસવાટ હોવાના પુરાવા મળે છે. ઈ. પૂ. 3000ના ગાળા દરમિયાન સુમેર સંસ્કૃતિ સાથે તેના સંબંધો પણ પ્રસ્થાપિત હતા.

ઇસ્લામના ઉદય પહેલાં અરબી દ્વીપકલ્પમાં અનેક આદિવાસી જાતિઓ વસતી હતી અને તે મહદંશે કૃષિ પર આધારિત હતી. દરિયાકિનારે વેપારી, ધાર્મિક અને માછીમારોના વર્ગો વસતા હતા. અરબી સંસ્કૃતિ શામ વંશજ જાતિઓમાંથી વિકસેલી સંસ્કૃતિઓમાંનો એક ભાગ હતી. આને કારણે અને આ પ્રકારની અન્ય સંસ્કૃતિઓની અસરને કારણે ખરેખર અરબી સંસ્કૃતિ શું છે તે કહેવાનું પણ ઘણી વાર મુશ્કેલ બને છે, કારણ કે મોટા વ્યાપારી માર્ગો અરબી દ્વીપકલ્પમાંથી પસાર થતા હતા અને આ સંસ્કૃતિ ઇજિપ્ત, ગ્રીસ, રોમ અને ભારતની સંસ્કૃતિઓ સાથે પણ સંબંધ ધરાવતી હતી. અરેબિયાના અંદરના વિસ્તારો ઘણા અલગ રહી ગયા હોવાથી સદીઓનાં પરિવર્તનો તેમને સ્પર્શી શક્યાં નહિ. અરબી દ્વીપકલ્પ ઇસ્લામનું પારણું બન્યું અને એ દ્વારા એણે દરેક મુસ્લિમ પ્રજા ઉપર પ્રભાવ ઊભો કર્યો. ઇસ્લામ તેના મૂળ સ્વરૂપમાં તો અરબી જ હતો. તેને ઉપરછલ્લી બાહ્ય અસરો લાગી, પરંતુ વિશ્વની સંસ્કૃતિને અરબી દ્વીપકલ્પે આપેલું આ મહત્વનું પ્રદાન છે. અત્યંત ગતિશીલ અને અભિવ્યક્તિમાં પાવરધી એવી અરબી ભાષા ઇસ્લામના વહનનું સાધન બની; એટલું જ નહિ, અરબો અરબી કાવ્યને ઉદાત્ત બિનસાંપ્રદાયિક સિદ્ધિ ગણે છે. તેણે ફારસી, તુર્કી, ઉર્દૂ, મલય, સ્વાહિલી અને હૌસા ભાષાઓ ઉપર પણ પ્રભાવ પાડ્યો છે. ઇસ્લામના ઉદય પહેલાંનું અરબી સ્થાપત્ય પણ સારા એવા પ્રમાણમાં વિકસેલું હતું. ખાસ કરીને યેમેનમાંના અવશેષો તેની ભવ્યતાની સાક્ષી પૂરે છે. મધ્યયુગીન મકાનોના અવશેષો પણ અરબી દ્વીપકલ્પની સુંદર સ્થાપત્યકળાનો નમૂનો પૂરો પાડે છે. સાગરખેડુ પ્રજા તરીકે પણ અરબોએ આ ગાળા દરમિયાન નામના મેળવી હતી.

ઇસ્લામ પૂર્વે અરબી દ્વીપકલ્પમાં નૈર્ઋત્યે માઇન, સાબા, કતબન, હાદ્દામાત વગેરે રાજ્યો વિકસ્યાં હતાં. સાબાઓએ તો મારિબ ખાતે એક બંધ બાંધ્યો હતો અને તેમાંથી સિંચાઈની વ્યાપક વ્યવસ્થા ઊભી કરી હતી.

મહંમદ પયગંબર ઈ. સ. 622માં મક્કાથી મદીના ગયા અને અરબી દ્વીપકલ્પમાં ઇસ્લામનો યુગ શરૂ થયો. વીસેક વર્ષમાં તો સમગ્ર અરબસ્તાન મુસ્લિમ બની ગયું, પરંતુ મહંમદના અનુયાયીઓમાં લડાઈ થતાં દમાસ્કસમાં વડા મથક સાથે ઉમાયાદ ખિલાફતની સ્થાપના થઈ. ઇસ્લામનું રાજકીય કેન્દ્ર પછી ક્યારેય અરબી દ્વીપકલ્પમાં આવ્યું નહિ અને પછી તે પ્રદેશ નાનાં નાનાં રાજ્યોમાં ફેરવાયો, વિવિધ જાતિઓ વચ્ચે યુદ્ધો થતાં રહ્યાં અને બિન-આરબ ઇસ્લામની સત્તાઓનો પ્રભાવ પણ રહ્યો.

ઑટોમન સામ્રાજ્યે સોળમી સદીમાં સમગ્ર અરબસ્તાનનો અંકુશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની ઘૂસણખોરી દક્ષિણ અરબસ્તાનમાં ઘણી અલ્પજીવી નીવડી; એટલું જ નહિ, પણ પર્શિયન અખાત અને અરબસ્તાનના અંદરના વિસ્તારોમાંના લોકોને તેમના અસ્તિત્વનો અનુભવ પણ ન થયો. સત્તરમી અને અઢારમી સદીમાં ફારસીઓએ બેહરીન તથા સોળમી અને સત્તરમી સદીમાં પૉર્ટુગીઝોએ ઓમાન કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિક નેતાઓએ બંને સ્થળે તેમને મારી હઠાવ્યા હતા.

વહાબી પ્રભાવ હેઠળ સાઉદી કુટુંબે મધ્ય અરબસ્તાનમાં પ્રસાર કર્યો અને બીજી તરફ અંગ્રેજોએ પર્શિયન અખાતમાં પોતાનાં રક્ષિત રાજ્યો મસ્કત (પછીથી ઓમાન) 1798માં, સંધિયુક્ત રાજ્યો (પછીથી સંયુક્ત આરબ અમીરાત) અને બેહરીન 1820માં, એડન 1839માં, કુવૈત 1899માં અને અંતે સાઉદી અરેબિયા 1915માં  સ્થાપ્યાં. યેમેન (સાના) કદી બ્રિટિશ રક્ષણ હેઠળ આવ્યું ન હતું, અને 1934માં તેની સ્વતંત્રતાને માન્યતા મળી હતી. સાઉદી અરેબિયાને 1927માં સ્વાતંત્ર્ય મળ્યું. કુવૈતે 1961માં, યેમેને (એડન) 1967માં અને ઓમાને 1970માં સ્વતંત્રતા પ્રાપ્ત કરી. અંગ્રેજોએ અરબસ્તાનમાંથી ઉચાળા ભરતાં 1971માં સંયુક્ત આરબ અમીરાતને આઝાદી મળી.

અરબી દ્વીપકલ્પમાં સાઉદી અરેબિયાનો પ્રભાવ આંતરરાષ્ટ્રીય અને આંતરિક રાજકારણમાં સતત વર્તાતો રહ્યો છે. તેણે અને અખાતી દેશોએ ઈરાનની આયાતોલ્લાહ ખોમેનીની સરકાર પ્રત્યે હમેશાં શંકાસ્પદ વલણ જ અપનાવ્યું હતું, કારણ કે આ દેશોમાં પણ ઇસ્લામના ક્રાંતિકારી સ્વરૂપની અસરથી તેઓ બીતા હતા. 1979માં મક્કાની મસ્જિદ એક ધાર્મિક લડાયક સશસ્ત્ર જૂથે થોડા સમય માટે કબજે કરી ત્યારે આ અખાતી દેશો અને સમગ્ર ઇસ્લામી જગત ખળભળી ઊઠ્યાં હતાં. ઇજિપ્ત સિવાય અન્ય ઇસ્લામી જગત સાથે અખાતી દેશોના સંબંધો મહદંશે સુમેળભર્યા રહ્યા છે. તેમના આર્થિક અને રાજનૈતિક સંબંધો આરબ લીગ ‘ઓપેક’, આર્થિક અને સામાજિક વિકાસ માટેનું ભંડોળ તથા આરબ નાણાભંડોળ દ્વારા ગોઠવાયેલા છે.

હેમન્તકુમાર શાહ

નીતિન કોઠારી