અમૃતવર્ષિણી વાવ (1723) : અમદાવાદમાં પાંચકૂવા દરવાજા પાસે આવેલી વાવ. આ નંદાપ્રકારની વાવમાં એક પ્રવેશ અને ત્રણ કૂટ (મંડપ) છે. જોકે તેમાં કાટખૂણાકાર રચના કરેલી હોઈ તે આ પ્રકારની વાવોમાં વિશિષ્ટ ભાત પાડે છે. પશ્ચિમ દિશામાંથી વાવમાં પ્રવેશતાં બે કૂટ વટાવ્યા પછી બીજો ચોરસ પડથાર આવે છે. ત્યાંથી વાવ કાટખૂણે વળાંક લે છે અને ત્યારપછી પગથિયાં અને ત્રીજો કૂટ ને તે પછી મુખ્ય કૂવો કરેલો છે. કોતરણી પરત્વે વાવ બિલકુલ સાદી છે. બીજા અને ત્રીજા કૂટનો તેમજ કૂવાનો ઘણો ભાગ નાશ પામ્યો છે. વળી કૂટને ઢાંકતા પાટો અને તે પરના મંડપો કે ઘુમ્મટો પણ નષ્ટ થયા છે. આ વાવમાં તેની રચના અંગે સંસ્કૃત અને ફારસી એમ બે ભાષાઓમાં લેખ છે. લેખમાં આ વાવ ક્ષાત્ર ગોકુલના પૌત્ર અને ભગવાનના પુત્ર રાજા રઘુનાથે કરાવ્યાની નોંધ છે.

પ્રવીણચંદ્ર પરીખ