અમૃતસર (જિલ્લો) : પંજાબ રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 310 04´થી 320 04´ ઉ. અ. અને 740 30´થી 750 25´ પૂ. રે. વચ્ચેનો 5,087 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે તથા પાકિસ્તાન સાથે 240 કિમી. લંબાઈની આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે. તેની ઈશાન અને પૂર્વ તરફ ગુરદાસપુર જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ કપૂરથલા જિલ્લો, દક્ષિણ તરફ ફીરોજપુર જિલ્લો તથા નૈર્ઋત્ય, પશ્ચિમ અને વાયવ્ય તરફ પાકિસ્તાન આવેલાં છે. બિયાસ નદી તેને કપૂરથલા જિલ્લાથી અને સતલજ નદી તેને ફીરોજપુર જિલ્લાથી અલગ પાડે છે. સુવર્ણમંદિરને કારણે જગપ્રસિદ્ધ બનેલા અમૃતસર શહેર પરથી આ જિલ્લાને નામ મળેલું છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ સંપૂર્ણપણે મેદાની છે, ક્યાંય ટેકરીઓ કે ખીણો નથી; જંગલવિસ્તાર પણ લગભગ નથી, પરંતુ વૃક્ષો ઠેકઠેકાણે સારા પ્રમાણમાં જોવા મળે છે. અહીંની મોટાભાગની જમીનો ‘માઇરા’ના સ્થાનિક નામથી ઓળખાતી રતાશ પડતી પીળા રંગની ગોરાડુ પ્રકારની છે, જે સુકાઈ જાય ત્યારે સખત મૃદ જેવી બની રહે છે. આ માટી કોઈ કોઈ જગાએ ‘ટિબ્બા’ના સ્થાનિક નામે ઓળખાતા ખરબચડા રેતાળ પટ્ટાના સ્વરૂપમાં પણ ફેરવાયેલી હોય છે. અહીંની ભૂમિ બિયાસના ઊંચા જમણા કાંઠાથી રાવીના ડાબા કાંઠા સુધી નૈર્ઋત્યતરફી આછો ઢોળાવ રચે છે. અમૃતસર, બાબા બકાલા, તરણ-તારણ અને પાટી તાલુકાઓની જમીનો ફળદ્રૂપ છે; પરંતુ રાવીને કિનારે આવેલા અજનાલા તાલુકાની ભૂમિ પૂર અને જળભરાવાને લીધે ખરાબાની જમીનોમાં ફેરવાઈ ગઈ છે, પરંતુ ધસ્સી બંધ થવાથી નદીના આ જળઘસારા સામે રક્ષણાત્મક અસર ઊભી કરી શકાઈ છે.

જળપરિવાહ : બિયાસ, રાવી અને સતલજ અહીંની મુખ્ય નદીઓ છે.

બિયાસ : બિયાસ નદી રોહતાંગ ઘાટ નજીકની કુલુ ખીણના ઉત્તર ભાગમાં આવેલા બિયાસ કુંડમાંથી નીકળી ગુરદાસપુર જિલ્લાના પઠાણકોટ તાલુકામાં આવેલા મિથલ ગામ ખાતે મેદાનમાં પ્રવેશે છે. ત્યાં તે હોશિયારપુર-ગુરદાસપુર જિલ્લાની અને પછીથી ગુરદાસપુર-અમૃતસર જિલ્લાની સરહદ રચે છે. આ જિલ્લામાં તેની ખીણ 7થી 10 મીટર ઊંચી ભેખડથી ઘેરાયેલી છે. અમૃતસર, કપૂરથલા, જલંધર અને ફીરોજપુર જિલ્લાઓની સરહદો જ્યાં ભેગી થાય છે ત્યાં તે જિલ્લાની દક્ષિણે આવેલા હરિકેપત્તન ખાતે સતલજને મળે છે.

સતલજ : સતલજ નદી હિમાલયના માનસરોવરમાંથી નીકળી હિમાચલ પ્રદેશમાં થઈ ભાકરા નજીક આ જિલ્લામાં પ્રવેશે છે. બિયાસ સાથેના તેના સંગમ પછી નૈર્ઋત્યતરફી વળાંક લઈ અમૃતસર-ફીરોજપુર જિલ્લાઓની સરહદ બનાવે છે. અગાઉ તેમાં વર્ષાઋતુ દરમિયાન પૂરથી પુષ્કળ તારાજી થતી હતી તે ભાકરા બંધ થવાથી અટકી છે.

રાવી : આ નદીનું રાવી નામ વેદકાલીન ઇરાવતી પરથી ઊતરી આવેલું છે. તે હિમાલય પર્વત વિસ્તારમાં આવેલા હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી નીકળી ગુરદાસપુર જિલ્લાના શાહપુર નજીક પંજાબના મેદાનમાં પ્રવેશે છે. તેના ડાબા કાંઠામાંથી માધોપુર ખાતે ઉપલી બારી દોઆબ નહેર નીકળે છે. જિલ્લામાં તેનો કાંઠો ઊંચો ન હોવાથી વર્ષાઋતુ દરમિયાન આવતાં પૂરથી તારાજી સર્જે છે, તેથી પૂરનિયંત્રણ માટે કાચો ધસ્સી બંધ બાંધવામાં આવેલો છે. આ ત્રણ નદીઓ ઉપરાંત જિલ્લામાં અજનાલા તાલુકાનું સખીનાલા તેમજ અન્યત્ર વહેતાં પટ્ટી રોહી, કસુરનાલા અને હુદિયારા નાલા ઉલ્લેખનીય છે. આ પૈકીનાં સખીનાલા અને કસુરનાલા તેમની આસપાસના ભાગોમાં વર્ષાઋતુ દરમિયાન પૂરથી વિનાશ વેરે છે.

ખેતી-પશુપાલન : જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, ડાંગર, મકાઈ અને શેરડી તથા ઢોર માટેના પાકોમાં બાજરા અને જુવારનો સમાવેશ થાય છે. અહીં ઊંચી ગુણવત્તાનાં બિયારણ, રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને અસરકારક જળવ્યવસ્થાને કારણે કૃષિપાકોની ઊપજમાં વૃદ્ધિ કરી શકાઈ છે. કૂવાઓ અને ટ્યૂબવેલ ઉપરાંત અહીં નહેરોનાં પાણીથી સિંચાઈ થાય છે. નહેરોને કારણે ભૂગર્ભજળસપાટીનું સ્તર પણ ઊંચું આવ્યું છે. અહીં બળદોની જાત પ્રમાણમાં સારી હોવા છતાં ખેડૂતોને ઊંચી ઓલાદના બળદો માટે હરિયાણા પર આધાર રાખવો પડે છે. ખેડાણયોગ્ય જમીનો ઘણી છે. ચરિયાણનાં સ્થળો વિકસ્યાં છે. ઢોરની ખોરાકી ચીજોમાં સુધારો થયો છે, તેથી દૂધનું ઉત્પાદન પણ વધ્યું છે. જિલ્લામાં પશુસંખ્યા કરતાં મરઘાંની સંખ્યા વધારે છે. દિવાળીમાં અહીં અમૃતસર ખાતે અને તરણતારણ ખાતે પશુમેળા ભરાય છે.

ઉદ્યોગ-વેપાર : ઉદ્યોગક્ષેત્રે આ જિલ્લો રાજ્યમાં લુધિયાણા પછી બીજા ક્રમે આવે છે. અગાઉ ઘણા લાંબા સમય માટે આ જિલ્લો પશમીના, રેશમી માલસામાન તથા શેતરંજીઓ અને ગાલીચા માટે જાણીતો હતો. તેનું પ્રમાણ ઘટવા છતાં હજી ચાલુ છે, પરંતુ દેશના ભાગલા થયા બાદ હવે અહીં ઊની કાપડ-ઉદ્યોગ, કૃત્રિમ રેશમ ઉદ્યોગ, ઇજનેરી અને રાસાયણિક ઉદ્યોગો પણ વિકસ્યા છે. મોટાભાગના ઔદ્યોગિક એકમો અમૃતસર, છેહાર્તા, વેર્કા અને ગોઇંદવાલ ખાતે આવેલા છે. વેર્કા ખાતેના દૂધ-ઉદ્યોગમાંથી દૂધ, ઘી, માખણ વગેરેનું ઉત્પાદન લેવાય છે. જિલ્લાના મહત્વના ગણાતા ઉદ્યોગોમાં ઓરિયેન્ટલ કાર્પેટ મૅન્યુફૅક્ચરર્સ(OCM), કોહિનૂર પેઇન્ટ્સ, પંજાબ ડેરી, જ્વાલા ફ્લોર મિલ્સ, ભગત ઇન્ડસ્ટ્રિયલ કૉર્પોરેશન લિ., અને ખસા ડિસ્ટિલરીનો સમાવેશ થાય છે. ઘણા  જૂના કાળથી અમૃતસર રાજ્યભરમાં વેપાર-વાણિજ્યનું મથક રહ્યું છે. અમૃતસર લીલી ચા, સૂકાં ફળો, સુતરાઉ અને ઊની કાપડનું મુખ્ય મથક છે. આ શહેર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે તમામ વેપારી ચીજોનો ઇજારો ધરાવે છે. પરિવહનની ઉત્તમ સુવિધાઓને લીધે શાકભાજી અને દૂધ-પેદાશો જેવી જલદી બગડતી ચીજવસ્તુઓને અહીંથી 240 કિમી. દૂરના ચંડીગઢ ખાતે મોકલાય છે. અહીંથી રૂ, કપાસિયાં, સૂતર, કૃત્રિમ રેશમ, ગાલીચા, શેતરંજીઓ, બધી જાતનું કાપડ, ધાબળા, ઘઉં, આટો, ચોખા, ચણા, ખાદ્યાન્ન, શાકભાજી, યાંત્રિક ઓજારો, વીજળીના પંખા તેમજ વીજળીનાં અન્ય ઉપકરણો, રસાયણો, પ્લાસ્ટિકનો માલસામાન, લાકડાનાં રમકડાં વગેરેની નિકાસ થાય છે. અમૃતસર મારફતે ચાની પાકિસ્તાન, અફઘાનિસ્તાન તથા જમ્મુ-કાશ્મીર ખાતે નિકાસ થાય છે; જ્યારે મીઠું, ખાંડ, કોલસો, કોથળા, કેરોસીન, યંત્રો, રેશમી અને ટેરિલિનના રેસા તથા ઊનની આયાત કરવામાં આવે છે. ખેતીના ક્ષેત્રે આ જિલ્લાએ ઘણો વિકાસ સાધ્યો છે. અહીં જિલ્લાભરમાં 13 જેટલાં નિયંત્રિત ખેતીબજારો છે. તે બધાં પાકા માર્ગોથી જોડાયેલાં છે. આ જિલ્લાએ દૂધ-ઉદ્યોગ અને તેની પેદાશોમાં આગળપડતું સ્થાન મેળવ્યું છે.

પરિવહન : આ જિલ્લો તાલુકામથકો, વેપારી મથકો તથા નજીકના જિલ્લાઓ સાથે રેલ તથા સડકમાર્ગોથી સારી રીતે જોડાયેલો છે. તે ઉત્તર રેલવેના ફીરોઝપુર વિભાગમાં આવે છે. બ્રૉડ ગેજ રેલમાર્ગના પાંચ માર્ગો જુદી જુદી દિશાઓમાં ફંટાયેલા હોવાથી બિયાસ, અત્તારી, ખેમકરણ, ડેરા નાનક અને ગુરુદાસપુર અન્યોન્ય સંકળાયેલાં રહે છે. અમૃતસર-લાહોર વિભાગ માત્ર પાસપૉર્ટ-ધારકો માટે ઉપયોગમાં લેવાય છે. જિલ્લા અંતર્ગત રેલમાર્ગની લંબાઈ કુલ 257 કિમી જેટલી છે. જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારો 3,035થી વધુ કિમી.ની લંબાઈના પાકા સડકમાર્ગોથી ગૂંથાયેલા છે. સતલજ અને બિયાસ નદી પર અવરજવરની સુવિધા માટે અદ્યતન પુલ બાંધવામાં આવ્યા છે. અમૃતસર હવાઈ માર્ગ દ્વારા જમ્મુ, શ્રીનગર, ચંડીગઢ, દિલ્હી તથા કાબુલ સાથે જોડાયેલું છે.

પ્રવાસન : આ જિલ્લામાં અમૃતસર, તરણતારણ, બાબા બકાલા, રામતીરથ, રામદાસ, ગોઇંદવાલ, ખદુર સાહિબ અને જંડિયાલા જેવાં પ્રવાસી મથકો આવેલાં છે.

(1) તરણતારણ : અમૃતસરથી 23 કિમી.ને અંતરે આવેલું તાલુકામથક. 1590માં તેને ગુરુ અર્જુનદેવે સ્થાપેલું. 1598માં અર્જુનદેવે સ્થાપેલું બીજું દર્શનીય સ્થળ દરબાર સાહિબ પણ ખૂબ જાણીતું છે. આજનું આ મંદિર મહારાજા રણજિતસિંહે નવેસરથી બાંધ્યું છે. તેના નિભાવખર્ચ માટે મોટી મિલકત પણ આપેલી છે. ગુરુ રામદાસની સ્મૃતિમાં 1768માં બાંધેલું ઘૂમટ સહિતનું ગુરુદ્વારા પણ જોવાલાયક છે. અહીં આવેલા જળાશયના પાણીમાં કોઢ મટાડવાની શક્તિ રહેલી હોવાનું મનાય છે. અહીંથી દોઢેક કિમી. અંતરે કોઢપીડિત લોકોનું નિવાસસ્થળ છે. ત્યાં 1858માં હૉસ્પિટલ પણ બાંધવામાં આવેલી છે.

(2) બાબા બકાલા : અમૃતસરથી પૂર્વમાં 45 કિમી.ને અંતરે જલંધર-બટાલા માર્ગ પર આવેલું તાલુકામથક. અહીં નવમા ગુરુ તેગબહાદુરની સ્મૃતિમાં બાંધેલું એક ગુરુદ્વારા આવેલું છે. દર વર્ષે બળેવને દિવસે અહીં મેળો ભરાય છે.

(3) રામતીરથ : અમૃતસરથી પશ્ચિમે 13 કિમી.ને અંતરે આવેલું રામાયણ સાથે વાલ્મીકિ આશ્રમ સાથે સંકળાયેલું સ્થળ. તે સીતા તેમજ લવ-કુશની સ્મૃતિ સાથે જોડાયેલું છે. અહીં એક પાકું બાંધેલું જળાશય તેમજ મંદિરો છે, તે દેશભરમાંથી આવતા યાત્રિકોથી ભરચક રહે છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમાએ થોડા દિવસો સુધી ચાલતો મેળો ભરાય છે. રામતીરથ સુધાર સભાના પ્રયાસોથી તેને રમણીય બનાવવામાં આવેલું છે.

(4) રામદાસ : અમૃતસરથી આશરે 45 કિમી.ને અંતરે અમૃતસર-ડેરા બાબા નાનક માર્ગ પર આવેલું નગર છે. તે ડેરા બાબા નાનક અને અમૃતસર સાથે રેલમાર્ગથી પણ જોડાયેલું છે. આ નગર ચોથા શીખગુરુ રામદાસે સ્થાપેલું. અહીં બાબા બુધની સ્મૃતિમાં એક ગુરુદ્વારા અને જળાશય આવેલાં છે. આ સ્થળ માટેની લોકવાયકા એવી છે કે બાબા બુધ નામનો એક છોકરો રોજ અહીંનાં ખેતરો નજીક ઢોર ચરાવવા જતો હતો. એક દિવસે તે ગુરુ નાનકની સ્મૃતિમાં લીન હતો ત્યારે તેનાં ઢોર ખેતરમાં ઘૂસી ગયેલાં. ખેતરનો માલિક આ છોકરાને શોધતો શોધતો આવ્યો ત્યારે તેણે ત્યાં લાંબા કેશ અને દાઢી સહિતના વૃદ્ધને જોયો. ત્યારથી આ સ્થળ બાબા બુધના નામથી જાણીતું બનેલું છે. બાબા જે ખાટલા પર સૂતા હતા તે ખાટલો પણ અહીં જાળવી રખાયેલો છે.

(5) ગોઇંદવાલ : બિયાસ નદીને કિનારે આવેલા તરણતારણથી 23 કિમી. અંતરે આવેલું સ્થળ. આ નગર ગુરુ અમરદાસ કે જેઓ અહીં રહેતા હતા તેમની યાદ સાથે જોડાયેલું છે. ગુરુએ બંધાવેલું બાવલી સાહિબ ગુરુદ્વારા અહીં આવેલું છે. ચૌબારા સાહિબ ગુરુદ્વારા નામનું બીજું મંદિર પણ અહીં જ છે.

(6) ખદુર સાહિબ : તે તરણતારણ તાલુકામાં ગોઇંદવાલ નજીક, અમૃતસરથી પૂર્વમાં 32 કિમી. અંતરે આવેલું છે. ગુરુ અંગદદેવે 1552માં અહીં છેલ્લો શ્વાસ લીધેલો. મહારાજા રણજિતસિંહે 1815માં અહીં આ ગુરુની સમાધિ બનાવરાવી છે. સમાધિ નજીક એક ગુરુદ્વારા અને જળાશય પણ બંધાવેલાં છે.

(7) જંડિયાલા : અમૃતસરથી 18 કિમી.ને અંતરે આવેલું નાનું નગર. તે જંડિયાલા ગુરુ નામથી પણ જાણીતું છે. ગુરુ અર્જુનદેવના સમકાલીન બાબા હરદાજી અહીં જન્મેલા. તેઓ નિરંજન પંથના સ્થાપક હતા. બાબા હરદાજીની સ્મૃતિમાં અહીં એક ગુરુદ્વારા અને પાકું જળાશય બંધાવેલાં છે. અહીં ગુરુ ગ્રંથસાહિબનો સતત ચોવીસે કલાક પાઠ ચાલતો રહે છે. જ્યોતિસર નામનું બીજું પણ એક ગુરુદ્વારા અહીં આવેલું છે. આ નગરમાં જૈનોની મુખ્ય વસ્તી છે, તેમનાં ત્રણ જૈન મંદિરો પણ છે. આ ઉપરાંત આ જિલ્લાનાં ધાર્મિક તેમજ અન્ય સ્થળોએ જુદા જુદા ગુરુઓની તથા અન્ય મહત્વની વ્યક્તિઓની યાદમાં તેમજ વાર-તહેવારે ઘણા મેળા તથા ઉત્સવો યોજાય છે.

વસ્તી : આ જિલ્લાની વસ્તી 2011ની વસ્તીગણતરી અનુસાર 24,90,891 છે, તે પૈકી 13,37,503 પુરુષો અને 11,67,057 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 11,56,045 અને 13,34,611 જેટલું છે. જિલ્લામાં મુખ્યત્વે પંજાબી અને હિન્દી ભાષાઓ બોલાય છે. અહીં ધર્મ-વર્ગીકરણના મુજબ હિન્દુઓ, મુસ્લિમો, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, અન્યધર્મી તથા અનિર્ણીત ધર્મવાળા વસે છે.  અમૃતસર ખાતે 17 જેટલી કૉલેજો આવેલી છે. જિલ્લામાં તબીબી સેવાની સુવિધાઓ સારા પ્રમાણમાં છે. પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો, તબીબી ચિકિત્સાલયો, હૉસ્પિટલો, કુટુંબનિયોજનકેન્દ્રો, પ્રસૂતિગૃહો તથા બાળકલ્યાણ-કેન્દ્રોની સગવડો છે. જિલ્લાને વહીવટી સરળતા માટે તાલુકાઓ અને  સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 10 નગરો આવેલાં છે.

ઇતિહાસ : આજનો અમૃતસર જિલ્લો અગાઉ મંઝ (Manjh) રાજપૂતોનો શાસિત પ્રદેશ હતો. તે પછી મુસ્લિમ શાસનકાળ દરમિયાન મુસ્લિમ સત્તાનું મથક લાહોર ખાતે ગયું હતું. રણજિતસિંહના સમય દરમિયાન આ પ્રદેશ ત્રણ પરગણાંઓમાં વહેંચાયેલો હતો : (1) અમૃતસર, મજિથા અને જંડિયાલા જેવાં સ્થળોનું અમૃતસર પરગણું; (2) તરણતારણ, સરહાલી અને વૈરોવાલનો સમાવેશ કરતું તરણતારણ પરગણું. (3) છિન્ના, થોબા અને કરિયાલ જેવાં સ્થળોનો સમાવેશ કરતું સૌરિયન (અજનાલા તાલુકો) પરગણું. 1846માં શીખ યુદ્ધ થયું અને બ્રિટિશરોની જીત થઈ; છતાં શીખોએ સતલજ અને બિયાસ વચ્ચેનો વિસ્તાર તથા કેટલાક પર્વતપ્રદેશો કબજે કર્યા. 1849માં અમૃતસરનો પ્રદેશ પંજાબમાં ભળ્યો. અમૃતસરને જિલ્લો બનાવી અમૃતસર, તરણતારણ, અજનાલા અને રાયા (નરોવાલ) તાલુકાઓને તેમાં મૂક્યા. 1897માં નરોવાલ તાલુકાને સિયાલકોટ(આજના પાકિસ્તાન)માં મૂકવામાં આવ્યો; પરંતુ તે જ વર્ષે બટાલા તાલુકો અમૃતસર જિલ્લામાં ફેરવ્યો, પછીથી તેને ફરીથી ફેરવીને ગુરદાસપુરમાં ગોઠવ્યો. 1947માં લાહોર વિભાગના કેટલાક વિસ્તારોને આ જિલ્લામાં ગોઠવ્યા, આજે તે પાટી તાલુકામાં છે. આજે આ જિલ્લો અમૃતસર, તરણતારણ, પાટી, અજનાલા અને બાબા બકાલા તાલુકાઓમાં વહેંચાયેલો છે. બાબા બકાલા તાલુકો મૂળ અમૃતસર તાલુકામાંથી છૂટો પાડેલો નવો તાલુકો છે.

ગિરીશભાઈ પંડ્યા