અમૂર ગુરુરાજ શ્યામાચાર્ય

January, 2001

અમૂર, ગુરુરાજ શ્યામાચાર્ય (જ. 8 મે 1925, ધારવાડ, કર્ણાટક; અ. 28 સપ્ટેમ્બર 2020, બૅંગાલુરુ, કર્ણાટક) : અંગ્રેજી તથા કન્નડ ભાષાના વિદ્વાન, વિવેચક તથા અનુવાદક. તેમને તેમની શ્રેષ્ઠ વિવેચનાત્મક કૃતિ ‘ભુવનદ ભાગ્ય’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

તેમણે કન્નડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી અને તેમનું પોસ્ટ-ડૉક્ટરલ સંશોધનકાર્ય યેલ અને કૅલિફૉર્નિયા યુનિવર્સિટીઓમાં પૂરું કર્યું. તેમણે લગભગ 40 વર્ષ સુધી પોતાનું જીવન દેશ અને વિદેશમાં યુનિવર્સિટી-શિક્ષણમાં ગાળ્યું છે. તે સાથે તેમણે ઉચ્ચતમ ફુલબ્રાઇટ સંશોધનકાર તથા હેયસ ફેલો તરીકે પણ કામ કર્યું છે.

અત્યાર સુધીમાં તેમનાં અંગ્રેજી અને કન્નડમાં 28 પુસ્તકો પ્રગટ થયાં છે. તે પૈકી ‘કૉન્સેપ્ટ ઑવ્ કૉમેડી’, ‘પરસેપ્શન્સ ઑવ્ ઇન્ડિયન લિટરેચર’, ‘સમકાલીન કથા – કાદમ્બરી’ અને ‘અર્થલોક’ મુખ્ય છે. આ માટે તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર તથા ધર્મસ્થળ મંજુનાથ ટ્રસ્ટ સન્માન પ્રાપ્ત થયાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ભુવનદ ભાગ્યમાં કન્નડના પ્રસિદ્ધ સાહિત્યકાર ડી. આર. બેન્દ્રેની કવિ-પ્રતિભાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેમાં તેમની ગંભીર વિવેચનાત્મક અંતરદૃષ્ટિ વ્યાપક અને ગહન વિચારણા, વિનીત રજૂઆતરીતિ અને તર્કબદ્ધ પૃથક્કરણ-પદ્ધતિના કારણે આ કૃતિનું કન્નડમાં લખેલ ભારતીય સાહિત્યવિવેચનમાં મહત્વનું પ્રદાન છે.

બળદેવભાઈ કનોજિયા