અમરેલી : ગુજરાત રાજ્યનો એક જિલ્લો અને તેનું વડું મથક. જિલ્લાનો વિસ્તાર : 6,760 ચોકિમી. જિલ્લાનો ઉત્તરનો ભાગ ટેકરાળ છે. શેત્રુંજી, રાવલ, ધાતરવાડી, શિંગવડો, સુરમત, રંઘોળી, વડી, ઠેબી, શેલ, કાળુભાર અને ઘેલો વગેરે નદીઓ અમરેલી જિલ્લામાંથી વહે છે. શેત્રુંજી નદી પરના બંધ પાસે ખોડિયાર ધોધ આવેલો છે. આબોહવા સમધાત છે. વરસાદ : વાર્ષિક સરેરાશ 515 મિમી.

વસ્તી : જિલ્લો – 15,14,190 (2011) શહેર-58, 241; વસ્તીવૃદ્ધિ દર 1,000 દીઠ 27.14; ગીચતા દર ચોકિમી. 160; શહેરી વસ્તી 2,20,342 (1981). અમરેલી શહેર જિલ્લાનું સૌથી વધુ વસ્તીવાળું શહેર છે. આ ઉપરાંત જિલ્લામાં ધારી, ચલાળા, રાજુલા, કોડીનાર, જાફરાબાદ, વડિયા, બગસરા, બાબરા, લાઠી અને દામનગર વગેરે નગરો આવેલાં છે. કોડીનાર શહેર અને તેની આસપાસનો થોડો ભાગ  અરબી સમુદ્રના કિનારાની પાસે આવેલો છે. જિલ્લામાં 10 તાલુકા, 4 નગર અને 549 ગ્રામપંચાયતો આવેલી છે.

જિલ્લાનું અર્થતંત્ર ખેતી પર આધારિત છે. રૂ, મગફળી, ઘઉં અને કઠોળ જિલ્લાના મુખ્ય પાકો છે. તેનો હાથસાળ અને ખાદીકામનો ઉદ્યોગ હવે પહેલાં જેટલો સમૃદ્ધ રહ્યો નથી. રંગાટીકામ, ચાંદીકામ, ખાદ્યતેલ વગેરે ઉદ્યોગો જિલ્લામાં વિકસ્યા છે.

210 36´ ઉ. અક્ષાંશ અને 710 13´ પૂ. રેખાંશ ઉપર ખીજડિયા વિસાવદર રેલવેનું સ્ટેશન અમરેલી ભૂતકાળમાં ગાયકવાડી રાજ્યના અમરેલી પ્રાંતનું મથક હતું.

અમરેલી નજીકના ગોહિલવાડી ટીંબા અને તેની ફરતી 10 કિમી.ની ત્રિજ્યામાંથી મળેલા ઈ. પૂ. 700થી ઈ. સ. 700 સુધીના અનુહરપ્પન, લોહયુગ, ક્ષત્રપ, ગુપ્ત અને મૈત્રકકાલીન ચાલ્સીડોનીની પતરીઓ, ત્રાંબાની વસ્તુઓ, લાલ માટીનાં ચકચકિત વાસણો, ઝાંખાં લાલ અને કાળાં વાસણો, મૂર્તિઓ, મુદ્રાઓ, સોનીની કુલડીઓ, આંધ્ર ક્ષત્રપ ને ગુપ્તકાલીન સિક્કાઓ, ગ્રીક-રોમન અસરસૂચક બૌદ્ધ મૂર્તિઓ અને વાસણો વગેરે અવશેષો ભૂતકાળમાં તે મહત્ત્વનું વેપારી મથક હશે તેમ સૂચવે છે. ‘આઈને અકબરી’માં તેનો મહાલના મથક તરીકે ઉલ્લેખ છે.

ગોહિલવાડી ટીંબામાંથી મળેલાં શિલ્પો

દામાજીરાવ બીજાના સમયમાં જીવાજી શામરાવે સૈયદ, કાઠી અને જૂનાગઢના ફોજદારના કબજામાંથી અમરેલી જીતી લીધું હતું. જૂનું શહેર દક્ષિણ-પશ્ચિમ તરફ હતું. ચિત્તળની વખતસિંહની ચઢાઈ પછી તેની વસ્તી અત્રે વસી હતી. 1811 પછી ફરી જિતાયા બાદ વિઠ્ઠલરાવ દેવાજીએ નાગનાથનું મંદિર અને અન્ય સગવડો વધારી હતી. કામનાથ અને ત્ર્યંબકેશ્વરનાં મંદિરો જૂનાં છે.

1926, 1933 અને 1941માં વડોદરા રાજ્ય પ્રજામંડળનાં અને 1939માં અમરેલી પ્રાંતિક પરિષદનાં અધિવેશનો અત્રે ભરાયાં હતાં. 1925માં ગાંધીજીએ ખાદીપ્રચાર અને અસ્પૃશ્યતાનિવારણ અર્થે મુલાકાત લીધી હતી. ધોલેરા સત્યાગ્રહ, 1942ની ‘હિંદ છોડો’ ચળવળ અને જૂનાગઢના મુક્તિસંગ્રામમાં અમરેલીનો મહત્ત્વનો ફાળો હતો.

ડૉ. જીવરાજ મહેતા તથા રામજી હંસરાજ કામાણી તથા મુંબઈ અને કલકત્તા વસતાં અમરેલીવાસીઓનાં દાનથી વિજ્ઞાન, વાણિજ્ય અને વિનયન કૉલેજો, બે ટૅકનિકલ સંસ્થાઓ, ચાર માધ્યમિક શાળાઓ, ખેતીવાડી શાળા, સાર્વજનિક પુસ્તકાલય, ગિરધરલાલ મહેતા સંગ્રહસ્થાન, વ્યાયામમંદિર, છાત્રાલયો વગેરે અસ્તિત્વમાં આવ્યાં છે.

શિવપ્રસાદ રાજગોર

હેમન્તકુમાર શાહ