અભિનયદર્પણ

2001-01-14 01:00:00

અભિનયદર્પણ (ઈ. સ.ની પાંચમી સદી પૂર્વે) : અભિનયને લગતો નાટ્યકળાનો ગ્રંથ. તેના રચયિતા નન્દીકેશ્વર મનાય છે. (પરંપરા પ્રમાણે નન્દી શિવનો શિષ્ય કે ગણ હતો.) તેમનો સમય ઐતિહાસિક ર્દષ્ટિએ ચોક્કસપણે નક્કી થઈ શકતો નથી. તેઓ ભરતમુનિ પહેલાં થયા હોવાનું મનાય છે. ‘અભિનયદર્પણ’ સંસ્કૃત પદ્યમાં અનુષ્ટુપ છંદમાં રચાયેલો ગ્રંથ છે. આ આખોય ગ્રંથ ઇન્દ્ર અને નન્દીકેશ્વરના સંવાદ રૂપે છે. ઇન્દ્ર નન્દીકેશ્વરને નૃત્ત અને નૃત્ય વિશે સમજ આપવાનું કહે છે ત્યારે તે નૃત્ત, નૃત્ય અને નાટ્યના અભિનયની વિગતો ‘ભરતાર્ણવ’ના સંક્ષેપ રૂપે આપે છે. માથું, ડોક, હસ્ત – સંયુક્ત અને અસંયુક્ત, પગ, આંખ વગેરેના અભિનયોનું તેમાં નિરૂપણ છે. આ ગ્રંથોમાં કેવળ આંગિક અભિનયની જ વિગતો છે તેથી તે અધૂરો હોવાનું મનાય છે. ગુજરાતીમાં ડૉ. પનુભાઈ ભટ્ટે તેનો અનુવાદ ચિત્રો સાથે ‘અભિનયદર્પણ’ – એ નામે આપ્યો છે. અંગ્રેજી અનુવાદ સાથે પ્રો. મનમોહન ઘોષે આ ગ્રંથનું સંપાદન કર્યું છે.

ચીનુભાઈ નાયક