અબૂ સઈદ અયૂબ (જ. 1906, કોલકાતા; અ. 21 ડિસેમ્બર 1982, કોલકાતા) : બંગાળી લેખક. ભારતના અગ્રણી તત્વચિંતક અને સાહિત્યના સમાલોચક. માતૃભાષા ઉર્દૂ. મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી. સોળ વર્ષના થયા ત્યારે રવીન્દ્રનાથની મૂળ રચનાઓ વાંચી શકે એ માટે બંગાળીનું ઊંડું અધ્યયન કર્યું. કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી ફિલસૂફીનો વિષય લઈને એમ. એ.ની ઉપાધિ મેળવી. ‘યુગાન્તર’, ‘શનિબારેર ચિઠી’, ‘પ્રવાસી’ ઇત્યાદિ બંગાળી સામયિકોમાં તેમણે લેખો લખવા માંડ્યા. તેનાથી બંગાળી લેખક તરીકેની તેમને પ્રતિષ્ઠા મળી. રવીન્દ્રનાથ, પ્રમથ ચૌધરી, સુકુમાર સેન વગેરેએ એમની પ્રશંસા કરી. એમણે પ્રેસિડેન્સી કૉલેજ, કલકત્તા વિશ્વવિદ્યાલય તથા વિશ્વભારતી વિશ્વવિદ્યાલયમાં ફિલસૂફીના પ્રાધ્યાપક તરીકે કામ કરેલું. ‘ક્વેસ્ટ’ નામના સામયિકનું પણ સંપાદન કરેલું. 1940ની બંગાળી કવિતાનું સંકલન કર્યું હતું. 1958માં પચીસ વર્ષની બંગાળી કવિતાનું સંપાદન કર્યું. એમનો વિવેચનલેખોનો સંગ્રહ ‘આધુનિકતા ઓ રવીન્દ્રનાથ’ને 1970ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા રવીન્દ્ર પુરસ્કાર મળ્યા છે. ગુજરાતીમાં નગીનદાસ પારેખે ‘આધુનિકતા અને રવીન્દ્રનાથ’(1969)માં ઉપર્યુક્ત પુસ્તકના આધુનિકતાવિષયક ચાર પ્રકરણોનો અનુવાદ આપ્યો છે. તે ઉપરાંત ‘આધુનિકતા વિશે વધુ’  એ લેખ પણ છે. એમની બીજી જાણીતી કૃતિઓ ‘પાન્થજનેર સખા’ (1974) અને ‘પથશેષ કોથાય’ (1970) છે. બંને ચિંતનગ્રંથો છે. ‘પાન્થજનેર સખા’નો પણ નગીનદાસ પારેખે ગુજરાતીમાં ‘પાન્થજનના સખા’ (1977)  એ નામે અનુવાદ કર્યો છે. એ ગ્રંથને આનંદ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમણે ગાલિબની ઉર્દૂ કવિતાનું બંગાળીમાં ભાષાંતર પણ કર્યું છે, જે 1975માં પ્રગટ થયેલું છે.

ચન્દ્રકાન્ત મહેતા