અબૂ સુફયાન (જ. 1 સપ્ટેમ્બર 560, મક્કા, સાઉદી અરેબિયા; અ. 1 ઑગ્સટ 652, મદિના, સાઉદી અરેબિયા) : હ. મુહમ્મદ પેગંબરના શ્વશૂર. મૂળ નામ સખ્ર બિન હરબ બિન ઉમૈય્યા. અટક અબૂ સુફયાન. કબીલા કુરૈશની ઉમૈય્યા શાખાના ધનવાન વેપારી અને સરદાર હતા અને મક્કામાં જન્મ્યા હતા. તેમણે બદ્ર (ઈ. સ. 624) અને ઉહુદ(ઈ. સ. 625)ની લડાઈઓમાં ઇસ્લામ ધર્મ અને હઝરત મુહમ્મદની સામે યુદ્ધ કર્યું હતું. તે પછી એક મોટી સેના સાથે મદીના પર ઈ.સ. 626માં ચઢાઈ કરી હતી. પરંતુ ખાઈના કારણે નિષ્ફળ ગયા હતા. અબૂ સુફયાને હુદયબિયા સ્થળે સંધિ કરી. ઈ.સ. 630માં મુસ્લિમોએ મક્કા પર ચઢાઈ કરી તો અબૂ સુફયાને શહેર પેગંબર સાહેબને સોંપી દીધું. હઝરત મુહમ્મદ સાહેબે મક્કામાં દાખલ થતાં ઢંઢેરો પિટાવ્યો કે જે લોકો પોતાના ઘરમાં, કાબામાં કે અબૂ સુફયાનના ઘરમાં આશ્રય લેશે તેમને માફી બક્ષવામાં આવશે. અબૂ સુફયાન માટે આ એક મોટું માન હતું. મક્કાના વિજય પછી તેઓ સાચા હૃદયથી મુસલમાન થયા અને તે પછી તેમણે હુનૈન તથા તાઈફની લડાઈઓમાં ભાગ લીધો હતો. ખલીફા હઝરત ઉમર ફારૂકના સમયમાં અબૂ સુફયાન સિરિયાના યુદ્ધમાં ધર્મયોદ્ધા તરીકે જોડાયા હતા.

ઉહુદની લડાઈ(ઈ. સ. 625)માં તેઓ કુરૈશના સરસેનાપતિ હતા. એ અરસામાં તેમણે કાવ્યરચના પણ કરી હતી. તેમના પુત્ર હઝરત મુઆવિયા ઉમૈય્યા વંશના ખલીફા હતા. અબૂ સુફયાનનાં પુત્રી હઝરત ઉમ્મ હબીબા પેગંબર સાહેબનાં ધર્મપત્ની હતાં.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ