અપાસરો (ઉપાશ્રય) : જૈન સાધુ-સાધ્વીઓ માટે ઊતરવાનું સ્થળ. સ્વાધ્યાયમાં વિઘ્ન ન થાય તેવું, જયણા પળાય તે માટે હવા-ઉજાસવાળું, બ્રહ્મચર્યની વાડ પળાય તે માટે સ્ત્રી, પશુ, નપુંસકના સંસર્ગથી રહિત તેમજ આધાકર્મી આદિ દોષ ન લાગે તે માટે ગૃહસ્થ આદિના નિવાસથી દૂર હોય છે. સ્વાધ્યાય, નિર્જરા અને કાયોત્સર્ગ થાય તેવું આ સ્થાન હોય છે, કેમ કે આનાથી વિપરીત થાય તો સાધુ ન રહે; વળી કોઈ શ્રાવકે કોઈની પાસેથી છીનવીને અથવા તો કોઈ પ્રાણીનો નાશ થાય તે રીતે અથવા માલિકની રજા વગર ઉપાશ્રય બનાવવો નહિ એમ જૈન ધર્મશાસન કહે છે.

અપાસરામાં સાદા મોટા ખંડો હોય છે. આગળનો ખંડ વ્યાખ્યાન માટે હોવાથી મોટો હોય છે. તેમાં વચ્ચે ભાગ્યે જ થાંભલા હોય છે. ગૃહસ્થના મકાનમાં હોય છે તેવી રસોડું, સ્નાનની ઓરડી, સંડાસ વગેરેની સગવડ તેમાં હોતી નથી, કારણ કે સાધુ-સાધ્વીને માટે તેની તે સ્થળે જરૂર હોતી નથી.

અપાસરામાં દીવો કે વીજળીબત્તી રખાતાં નથી. ‘અપાસરામાં દીવો’ એટલે અશક્ય વસ્તુ કે બાબત. તેમાં લાકડાની પાટો સિવાય અન્ય રાચરચીલું હોતું નથી. ભીંતમાં કબાટ કે ગોખલા હોય છે. સાધુઓ અને સાધ્વીઓના અપાસરા અલગ હોય છે.

કુમારપાળ દેસાઈ