અપાલા : સંસ્કૃત સાહિત્યનું પૌરાણિક પાત્ર. અત્રિ ઋષિનાં બ્રહ્મવાદિની પુત્રી. શરીરે કોઢ જેવો ચર્મરોગ હોવાથી પતિ દ્વારા ત્યજાયેલાં હોવાથી પિતાને ઘેર રહેતાં અપાલા દેવરાજ ઇન્દ્રની પ્રસન્નતા માટે આતુર હતાં. એક સમયે નદીએ જળ ભરવા જતાં તેમણે સોમ-વલ્લી જોઈ; તેને પોતાના મુખમાં મૂકીને ચર્વણ કરતાં થયેલા અવાજને સાંભળી ઇન્દ્ર ત્યાં આવી પહોંચ્યા, અપાલાએ તે ચર્વિત રસ ઇન્દ્રને અર્પ્યો. તેથી પ્રસન્ન થયેલ ઇન્દ્રે પોતાના રથના છિદ્રમાં અપાલાના શરીરને રાખી ત્રણ વાર ખેંચ્યું; તેથી તે કુષ્ઠરોગથી મુક્ત થઈ સુંદર કેશ ધરાવતી સુંદરી બની ગયાં. આ રીતની અપાલા વિશેની ઘટના સાયણાચાર્યે ‘શાકટાયનબ્રાહ્મણ’ ગ્રંથમાંથી આપી છે. ઋગ્વેદ(9-9-17)માં પણ અપાલાના નામનો નિર્દેશ થયેલો છે.

ભગવતીપ્રસાદ પંડ્યા