અપવારિત : સંસ્કૃત નાટકોમાં આવતું પાત્રોના સંવાદને લગતું નાટ્યસૂચન. રંગમંચ ઉપર કોઈ પાત્ર મોઢું બીજી બાજુ ફેરવીને ત્યાં હાજર રહેલ અન્ય પાત્રને ગુપ્ત વાત સંભળાવે તે અભિનય કે અભિવ્યક્તિને ‘અપવારિત’ કહેવામાં આવે છે.

રંગમંચ ઉપર થતા પાત્રોના સંવાદો (1) સર્વશ્રાવ્ય, (2) નિયતશ્રાવ્ય અને (3) સ્વગત – એમ ત્રણ પ્રકારના હોય છે. આમાં જે સંવાદ સૌ સાંભળે તે સર્વશ્રાવ્ય કે પ્રકાશ –  કથન છે. બીજા નિયતશ્રાવ્યના જનાંતિક અને અપવારિત એમ બે ભેદ છે. રંગમંચ ઉપર બહુ પાત્રોનો બાધ કરીને એકને જ જે સંભળાવાય તે થયું અપવારિત અને એક પાત્રનો પરિહાર કરી બાકીનાં પાત્રોની જે નજીક છે (= તેમને સંભળાવાય છે.) તે થયું જનાન્તિક : આવી ‘નાટ્યદર્પણ’માં સ્પષ્ટતા છે.

ભગવતીપ્રસાદ પંડ્યા