અપરિગ્રહ : વસ્તુ, શરીર કે વિચારના પરિગ્રહનો અભાવ. જીવનની અત્યંત આવશ્યક વસ્તુ તે હવા. એના વિના જીવન ક્ષણભર પણ ટકી ન શકે એટલે કુદરતે જીવમાત્રને માટે હવા વિપુલ પ્રમાણમાં બક્ષી છે. એને માટે જીવને કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. બીજી આવશ્યક વસ્તુ તે પાણી. એનો પણ ઘણો મોટો સંગ્રહ પૃથ્વી પર છે. ત્રીજી વસ્તુ ખોરાક. એ મેળવવા માટે શ્રમ કરવો પડે છે. એ શ્રમથી ઉપભોગનો સાચો આનંદ માણી શકાય છે. વળી જે જન્મ પામે છે તેનો નાશ પણ અવશ્ય છે. સૃષ્ટિનું સ્વરૂપ નશ્વર છે. સૃષ્ટિમાં રોજની જરૂરિયાતની વસ્તુ પેદા થતી રહે છે અને નાશ પામતી રહે છે. સૃષ્ટિ પાસે આવતી કાલનો સંગ્રહ આજે નથી. એનું સ્વરૂપ રોજ બદલાતું રહે છે. એટલે સૃષ્ટિની જેમ મનુષ્યે પણ ફક્ત શરીરનિર્વાહ પૂરતો જ સંગ્રહ કરવો જોઈએ. શરીરના ધારણ-પોષણમાં જે વસ્તુઓની આવશ્યકતા નથી, તેનો જરા પણ પરિગ્રહ ન કરવો જોઈએ. એવી વિચારની ભૂમિકા છે. અપરિગ્રહનો સૌપ્રથમ ઉલ્લેખ વેદમાં થયો છે. એમાં કહેવાયું છે કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પંચવિધ યમ છે. જૈનો એને ‘પંચાયમ’ કહે છે. બૌદ્ધો ‘પંચશીલ’ કહે છે અને યોગ-સૂત્રકાર ‘પંચયમ’ કહે છે. અપરિગ્રહની સાથે અસ્તેય વ્રત પણ જોડાયેલું છે. બંને પરસ્પર પૂરક છે. સામાજિક કાનૂન પ્રમાણે બીજાની ચીજવસ્તુ લઈ લેવી એ ચોરી છે. કોઈ પ્રકારનું ઉત્પાદન કર્યા વિના ઉપભોગ કરવો એ પણ ચોરી છે. ઉત્પાદનમાં ભાગ લીધા વિના ઉપભોગ કરનાર મનુષ્ય બીજાની મહેનતનો ભાગ હડપ કરી જાય છે. પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંતનું જે કાંઈ મનુષ્ય લે છે તે પણ ચોરી છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં ‘तेन त्यक्ते न भुंञ्जीथाः’ એમ કહીને ત્યાગીને ભોગવવાની વાત કરી છે. વિનોબા ભાવેએ જીવનનો અર્થ આ પ્રમાણે કર્યો છે. જીવન = ત્યાગ(2) + ભોગ(1). અર્થાત્ બે ભાગ ત્યાગ અને એક ભાગ ભોગ = જીવન. કિશોરલાલ મશરૂવાળાએ પણ આવું સમીકરણ રજૂ કર્યું છે. અહિંસા + અપરિગ્રહ = બ્રહ્મચર્ય. પરિગ્રહ એટલે કે સંગ્રહ વધારતા જવાથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચે વ્રતોનો સામૂહિક ભંગ થાય છે.

ગાંધીજીએ વસ્તુ, શરીર અને વિચાર ત્રણેના અપરિગ્રહની વાત કરી છે. તેઓ કહે છે કે ‘‘ઈશ્વર પરિગ્રહ કરતો નથી. રોજની આવશ્યકતા રોજેરોજ પેદા કરી પૂરી પાડે છે. તેના પર વિશ્વાસ રાખીએ તો આપણને સમજાશે કે આપણને જોઈતી વસ્તુ તે રોજ આપે છે, આપશે. પરિગ્રહ ઈશ્વરીય નિયમની વિરુદ્ધ હોઈ કલ્યાણકારક નથી.’’ એમાં અસમાનતા, દુ:ખ અને અસંતોષનાં મૂળ રહેલાં છે.

અપરિગ્રહ ઈશ્વરનિષ્ઠા વધારે છે, પરિગ્રહ ધનનિષ્ઠા વધારે છે. અપરિગ્રહ જીવનને ત્યાગપ્રધાન બનાવે છે. પરિગ્રહ ભોગપ્રધાન બનાવે છે. અપરિગ્રહી ચૈતન્યશક્તિને શાશ્વત માને છે, પરિગ્રહી પિણ્ડબ્રહ્માંડ જગતને સત્ય માની એનાથી સુખ મેળવવા ઝંખે છે અને ભોગપ્રાપ્તિ માટે ભોગનાં સાધનો એટલે કે સંગ્રહ વધારવા મથે છે. અપરિગ્રહ દૃષ્ટિને વિશાળ બનાવે છે, સમષ્ટિ કેળવે છે. પરિગ્રહ દૃષ્ટિને સંકુચિત બનાવે છે, સ્વાર્થવૃત્તિ કેળવે છે. અપરિગ્રહી શરીરને સેવાનું સાધન માને છે, પરિગ્રહી એને ભોગનું સાધન માને છે. અપરિગ્રહ આધ્યાત્મિકતાનું પોષક છે, પરિગ્રહ ભૌતિકતાનું પોષક છે.

સાચું સુખ અપરિગ્રહનો આદર્શ સેવવામાં છે, પરિગ્રહની તૃષ્ણાને સંતોષવામાં નથી. અપરિગ્રહ અને પરિગ્રહ બંને માનસિક વૃત્તિઓ છે. એક પોષક છે, બીજી મારક છે. એક તારક છે, બીજી સંહારક છે. ધનિકની ધન વધારતા જવાની મહત્વાકાંક્ષાનો લોભ વધતો જાય છે, તેમ તેને સાચવવાની ચિંતા પણ વધતી જાય છે. એમાંથી વ્યવસ્થાતંત્ર, રક્ષણતંત્ર અને ન્યાયતંત્ર ઊભાં થાય છે. બીજી બાજુ સમાજમાં વિષમતા પેદા થાય છે એટલે ઈર્ષ્યા, મત્સર, ચોરી, લૂંટ વગેરે વિકૃતિઓ પેદા થાય છે. સૌ ધનતૃષ્ણા સંતોષવા હરીફાઈ કરે તો એમાં કોઈ હારે તો કોઈ જીતે. હારેલો ગરીબ બને અને જીતેલો ધનિક બને. પરિગ્રહવૃત્તિ બંનેમાં કામ કરે છે. એક એમાં સફળ થાય છે, બીજો નિષ્ફળ થાય છે. બંને અસ્વસ્થ સમાજનાં અંગો છે. એથી ઊલટું, ધન હોવા છતાં જેને ધનની જરાય સ્પૃહા નથી તે સાચો અપરિગ્રહી છે; દા.ત., જનકરાજા. તે જ પ્રમાણે ધનનો સ્પર્શ પણ ન કરનાર સાચો અપરિગ્રહી છે. શુકદેવ અને રામકૃષ્ણ પરમહંસ એનાં દૃષ્ટાંતો છે.

સાચો અપરિગ્રહી શરીરને પણ પરિગ્રહ માને છે. ગાંધીજી કહે છે તેમ ‘‘કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભોગેચ્છાથી આપણે શરીરનું આવરણ ઊભું કર્યું ને તેને ટકાવી રાખીએ છીએ. ભોગેચ્છા અત્યંત ક્ષીણ થાય તો શરીરની હાજત મટે એટલે મનુષ્યને નવું શરીર ધારણ કરવાપણું ન રહે. આત્મા સર્વવ્યાપક હોઈ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય ? એ પાંજરાને ટકાવવા સારુ અનર્થો કેમ કરે ? બીજાને કેમ હણે ? આમ વિચારતાં આપણે આત્યન્તિક ત્યાગને પહોંચીએ છીએ, અને શરીર છે ત્યાં લગી તેનો ઉપયોગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ  તે એટલે લગી કે તેનો ખરો ખોરાક જ સેવા થઈ પડે છે. તે ખાય છે, પીએ છે, સૂએ છે, બેસે છે, જાગે છે, ઊંઘે છે, તે બધું સેવાને જ અર્થે. આમાંથી ઉત્પન્ન થતું સુખ તે ખરું સુખ છે ને આમ કરતો મનુષ્ય છેવટે સત્યની ઝાંખી કરશે.’’

પરિગ્રહવૃત્તિની સાથે લોભવૃત્તિ વધે છે અને એને પરિણામે વિષમતા અને સંઘર્ષ અનિવાર્ય બને છે. શાસ્ત્રોમાં લોકસંગ્રહ માટે અપરિગ્રહવ્રતના પાલનનો નિર્દેશ થયો છે. ગીતામાં પણ ‘લોકસંગ્રહ’ શબ્દ આવે છે. શંકરાચાર્યે કહ્યું છે તેમ લોકોને ખોટે માર્ગે પ્રવૃત્ત થતા અટકાવવાનું કામ તે લોકસંગ્રહ. સંયમી અને વિવેકી પુરુષો જ તે કરી શકે. અપરિગ્રહવ્રત મનુષ્યની સંયમશક્તિ અને વિવેકશક્તિ વિકસાવે છે. પરિગ્રહમૂલક વિલાસી જીવન ચોરને જન્મ આપે છે. પરિગ્રહી અને ચોર વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે. શ્રુતિ કહે છે, પિતા જ પુત્ર છે, પિતા અને પુત્ર એક જ છે. વળી વિલાસી, અસંયમી જીવન રોગી, અસ્વસ્થ બને છે. જે અપરિગ્રહનો, સંયમનો માર્ગ અપનાવે છે તેના જીવનમાં સુખ અને સંતોષ સહજ પેદા થાય છે. એવો મનુષ્ય લોકસેવાને માટે વધુ લાયક બને છે. જનસેવાની ર્દષ્ટિ નજર સમક્ષ રાખીને અપરિગ્રહવ્રતનું પાલન કરનાર સેવક પોતાના કુટુંબને પણ વિશાળ બનાવતો જાય છે. પોતાના સ્વાર્થને ગૌણ બનાવતો જાય છે. તેની સંગ્રહવૃત્તિ ક્ષીણ થતી જાય છે, અને કર્તવ્યબુદ્ધિ વિકસતી જાય છે. સમાજના હિતમાં જ પોતાનું હિત સમાયેલું જોવાની વિશાળ ર્દષ્ટિ એને લાધે છે. ચિત્ત શુદ્ધ બને છે.

જેમ વસ્તુનો તેમ વિચારનો પણ અપરિગ્રહ જરૂરી છે. સાચું જ્ઞાન એ આત્મજ્ઞાન છે. જે વિચારો આત્મજ્ઞાન વધારનારા છે, જીવન અને સમાજનાં સુખ, શાંતિ વધારનારા છે તે વિચારો જ કામના છે. જીવનમાં અશાંતિ, ચિંતા અને ઉદ્વેગ વધારનારા અને સમાજજીવનને ક્ષુબ્ધ કરનારા વિચારો ત્યાજ્ય છે. સારાસારનો વિવેક શીખવે, શું સારું અને શું ખરાબ, શું ગ્રાહ્ય અને શું ત્યાજ્ય એ શીખવે તેવા વિચારોનું ચિંતન, મનન આવશ્યક છે, બીજા ચિત્તભ્રમ પેદા કરનારા, વિવેકશક્તિ ઝાંખી પાડનારા અને ઉન્માર્ગે લઈ જનારા વિચારો ત્યાજ્ય છે, એટલે વિચાર-સંયમમાં પણ અપરિગ્રહવૃત્તિ રાખવી જોઈએ. આત્મજ્ઞાન અને વિવેકશક્તિ વિકસાવનારા વિચારોનો જ સંગ્રહ આવશ્યક છે, એનાથી વિમુખ કરનારા વિચારો ત્યાજ્ય છે. પાતંજલયોગસૂત્રના 44મા સૂત્રમાં ‘સવિચારા’ અને ‘નિર્વિચારા’ સમાપત્તિનો ઉલ્લેખ છે. સવિચારા સમાપત્તિ એટલે અત્યંત નિર્મળ, વિશુદ્ધ વિવેકદર્શન, એ જ્ઞાનાવસ્થા. તે શુદ્ધ વિવેકાવસ્થાયુક્ત આચરણથી સમાજની સેવા થાય અને એ સેવા સ્વાભાવિક બની જાય ત્યારે એને નિર્વિચારા સમાપત્તિ કહે છે. શરીરમાં આત્મદર્શન અને બ્રહ્માંડમાં પરમાત્મદર્શન-હરિદર્શન બંને મળીને પૂર્ણદર્શન થાય છે.

રમણભાઈ મોદી