અન્યોક્તિકાવ્ય

January, 2001

અન્યોક્તિકાવ્ય : કોઈ ઉક્તિ-વક્તવ્ય કે સંવેદનવિશેષ વ્યક્ત કરવા અન્ય કોઈને નિમિત્ત કરીને રચાતું કાવ્ય. તેમાં કેન્દ્રસ્થ વિષયવસ્તુરૂપ વ્યક્તિ કે તેના ગુણસ્વભાવ સાથે અન્યની એકરૂપતા સાધીને નિરૂપણ થતું હોય છે. ઘણી વાર પ્રકૃતિના કોઈ તત્વ કે ર્દશ્ય ઉપર દૈવી સત્વ અથવા માનવ્યનું સમારોપણ કરવામાં આવ્યું હોય અને એવો સમારોપ સાદ્યંત જળવાઈ રહે એવી રચના હોય છે. તેમાં ઉપમેય વ્યક્ત હોય પણ ઉપમાન ગમ્ય હોય.

અન્યોક્તિકાવ્ય બે પંક્તિના મુક્તકથી માંડીને વધુ પંક્તિઓ ધરાવતું, પણ દીર્ઘપરિમાણી ન બને તેવા ફલકનું હોય. દા.ત., પૂજાલાલનું ‘સત્-સ્વભાવ’ આ પ્રકારનું ગણાય.

‘રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની,

સિન્ધુના ઉરમાંથી તો ઊઠશે અમીવાદળી.’

અહીં સારા, સત્યશીલ સ્વભાવના મનુષ્યના ગુણનું આરોપણ સિન્ધુ ઉપર થયું છે.

કલાપીનું ‘નદીને સિન્ધુનું નિમંત્રણ’ કે ‘સુન્દરમ્’નું ‘ધૂમકેતુ’ વિસ્તૃત ફલકનાં અન્યોક્તિકાવ્યો ગણાય.

અન્યોક્તિકાવ્ય રૂપકકાવ્યની માફક ઉપમાન અને ઉપમેયનો અભેદ સિદ્ધ ન કરે, એમાં ઉપમેય પ્રસ્તુત અને ઉપમાન સૂચિત હોય. કાન્તનું ‘માનસસર’ રૂપકકાવ્ય, જ્યારે પૂજાલાલનું ‘ગ્રીષ્મની વાદળી’ અન્યોક્તિકાવ્ય છે.

ભાનુપ્રસાદ પંડ્યા